અયોધ્યાઃ અયોધ્યામાં વિવાદાસ્પદ બાબરી મસ્જિદના પક્ષમાં રહેલા હાશિમ અન્સારીનું ૨૦ જુલાઇએ નિધન થયું છે. ૯૪ વર્ષના હાશિમ મસ્જિદ માટે ૧૯૪૯થી લડાઇ લડી રહ્યા હતા. પહેલાં તો પરમહંસ રામચન્દ્ર દાસ રામમંદિર માટે લડાઇ લડ્યા. આ પછી મહંત જ્ઞાનદાસે મોરચો સંભાળ્યો. જોકે અન્સારી સાથે તેમની મિત્રતા જળવાઇ રહી. અખાડા પરિષદ પંચ રામાનંદીના અધ્યક્ષ મહંત જ્ઞાનદાસે અન્સારીના નિધન પર આપેલી શ્રદ્ધાંજલિના અંશો અહીં રજૂ કર્યા છેઃ
‘હાશિમ અન્સારી ધર્મના વેપારી નહોતા. તેમની ઇચ્છા હતી કે તેમની હાજરીમાં મંદિર-મસ્જિદના વિવાદનો અંત આવે. હમણાં ઇદના દિવસે તેમને મળવા ગયો હતો. તેઓ બોલ્યા હવે છેલ્લા પડાવ પર છું. પછી મારા દીકરા ઇકબાલનું ધ્યાન રાખજો. તેના નામે મેં મિલકત લખી દીધી છે. તેનો હાથ પકડી રાખજો. હાશિમ તો ફકીરો જેવું જીવન જીવ્યા છે. કોઇ વિશ્વાસ પણ નહીં કરે કે બાબરી મસ્જિદના પક્ષકારના બંને દીકરા આજે ટેમ્પો ચલાવે છે. તે અમારા આરાધ્ય રામની ભૂમિ પર મસ્જિદ બનાવવા માંગતા હતા તે છતાં અમારી વચ્ચે પ્રેમના સંબંધો હતા.
અયોધ્યા વિવાદને લઇને મુસ્લિમોના પક્ષે અન્સારી અને હિન્દુઓના પક્ષે રામચન્દ્રદાસ કેસ લડી રહ્યા હતા, પરંતુ બંને એક જ રિક્ષામાં કોર્ટ જતા હતા. જ્યારે રામચન્દ્રદાસનું નિધન થયું ત્યારે હાશિમ રડી પડ્યા હતા. અને આજે હાશિમ માટે મારી આંખમાં આંસુ છે. હાશિમ રામમંદિર વિવાદને લોકો વચ્ચે લઇ જવા નહોતા માંગતા. તે મને મળવા હનુમાનગઢી આવતા હતા. હિન્દુ-મુસ્લિમ બંનેના નેતાઓનું રાજકારણ તેમને પસંદ નહોતું.
મને યાદ છે કે, જ્યારે ૩૦ ડિસેમ્બર, ૨૦૧૦માં આખો દેશ અલ્લાહાબાદ કોર્ટના નિર્ણયની રાહ જોઇ રહ્યો હતો ત્યારે હાશિમ મારી સાથે બેઠા હતા. ચુકાદાના બીજા દિવસે તેમણે કહ્યું હતું કે, આંતરિક સમાધાન માટે જ્ઞાનદાસ જે કહેશે એ માનવા માટે પોતે સહમત છે. તેમણે તો મને પૂરો અધિકાર આપી દીધો હતો. અમે તો રાજીનામું તૈયારી કરી નાખ્યું હતું, પરંતુ રાજકારણ કરનારાઓએ સમાધાન માનવાની મનાઇ કરીને હુલ્લડ કરાવ્યા હતાં. આ પછી વાત વણસી ગઇ.
તેઓ એ વાતથી પણ નાખુશ હતા કે રામલલ્લા ટેન્ટમાં છે. ૧૯૯૨માં જ્યારે કારસેવકોએ હાશિમના ઘરમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પડોશી હિન્દુઓએ તેમના ઘરની રક્ષા કરી હતી. હાશિમની અશોક સિંઘલ સાથે વાતચીત થતી હતી. એક વખત પેટ્રોલ પંપો પર હડતાલ હતી. અશોક સિંઘલને જવું હતું. હાશિમને ખબર પડી તો તેમણે તેમના ઘરેથી ડીઝલ મોકલાવ્યું. તેમની વિદાયથી માત્ર હું નહીં, અયોધ્યાના દરેક સાધુ-સંત દુ:ખી છે. હાશિમની અંતિમયાત્રામાં અમે બધા કબ્રસ્તાન સુધી ગયા હતા.’

