વાતનું વતેસર

­દિલ્હીમાં આફ્રિકનની હત્યા બાદ કોંગોમાં ભારતીયો પર હુમલા, ભારતમાં આફ્રિકન પર હુમલા

Wednesday 01st June 2016 06:18 EDT
 
(ડાબે) દિલ્હીમાં હત્યાનો ભોગ બનેલો મસોંદા ઓલિવરઃ અને (જમણે) કોંગોમાં હુમલાખોર તોફાનીઓને નાથતું પોલીસ દળ 
 

નવી દિલ્હીઃ પાટનગરમાં ગયા સપ્તાહે સામાન્ય બોલાચાલી બાદ હુમલામાં એક આફ્રિકન યુવાનનું મોત નીપજતાં કોંગોમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. કોંગોમાં સ્થાનિક સમુદાયે બહોળી વસ્તી ધરાવતા ભારતીયોની માલિકીની દુકાનો પર હુમલા કરીને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના સમાચાર ભારત પહોંચતા કેટલાક તોફાની તત્વોએ આફ્રિકન નાગરિકોને નિશાન બનાવીને તેમના રોષને વાચા આપી હતી.
બન્ને દેશોમાં સ્થાનિક વહીવટી તંત્રે યુદ્ધના ધોરણે ચાંપતા પગલાં લેતાં અત્યારે તો પરિસ્થિતિ થાળે પડી છે, પરંતુ અશાંતિની આ ઘટનાઓએ બન્ને દેશમાં વસતાં સમુદાયો વચ્ચે તનાવ વધારવાનું કામ કર્યું છે.
નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં ૨૭ મેના રોજ ઓટો રિક્ષા ભાડે કરવાના મુદ્દે બોલાચાલી થયા બાદ હુમલો થતાં કોંગોના મસોંદા કેતાંદા ઓલિવર નામના ૨૩ વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. સ્નાતકનો વિદ્યાર્થી ઓલિવર છેલ્લાં છ વર્ષથી ભારતમાં હતો. પોલીસે આ ઘટનામાં બે શકમંદની ધરપકડ કરી છે અને પોલીસ ત્રીજી વ્યક્તિની શોધ ચલાવી રહી છે.
સામાન્ય મુદ્દે થયેલી હત્યા બાદ આફ્રિકી દેશોના રાજદૂતોએ આ ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આફ્રિકાના દેશોએ માગ કરી હતી કે આવા જાતિવાદ અને આફ્રો ફોબિયા સામે ભારત દ્વારા કડક પગલાં લેવામાં આવે.
હત્યાના વિરોધરૂપે તમામ આફ્રિકી દેશોના રાજદૂતોએ ૨૬મીએ ભારતમાં ઊજવાયેલા આફ્રિકા દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી નહોતી. તેમણે માગણી કરી હતી કે ભારતે પહેલાં આફ્રિકી નાગરિકોની સુરક્ષાની ખાતરી આપવી પડશે.
આફ્રિકી વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ ઇમેન્યુઅલ ઓમુરુંગાએ કહ્યું હતું કે પોલીસ મદદ નથી કરી રહી. ભારત હવે અમારા માટે સલામત નથી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના નાગરિક પર હુમલો થયો હોય તેવી ૧૦ દિવસની આ બીજી ઘટના છે.
સુષ્મા સ્વરાજની સાંત્વના
ભારત સરકારના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આફ્રિકી રાજદૂતોની ઉગ્ર પ્રતિક્રિયા બાદ તરત જણાવ્યું હતું કે, આફ્રિકન નાગરિકની હત્યામાં સંડવાયેલા લોકોને શોધવા અને તેમની સામે સખત પગલાં લેવા સંબંધિત અધિકારીઓને આદેશ અપાયા છે. દિલ્હીમાં આવી ઘટના બનવાનું દુર્ભાગ્યપૂર્ણ છે. હું તમામ આફ્રિકન વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિશ્વાસ અપાવું છું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો અંત આવશે.
સુષમા સ્વરાજે હસ્તક્ષેપ કરીને આફ્રિકી વિદ્યાર્થીઓને સાંત્વના આપવા પ્રયાસ કર્યો હતો. ભારત સરકારે ઝડપી પગલાંની ખાતરી આપી છે.
વિદેશ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન વી. કે. સિંહને આફ્રિકન મિશન્સ અને રાજદૂતો સાથે ચર્ચા કરીને તેમને સુરક્ષા મુદ્દે વિશ્વાસ અપાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારોને આ મુદ્દે સતર્ક રહેવા જણાવાયું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ઘટનાને વખોડી કાઢી હુમલાખોરો સામે આકરાં પગલાં લેવા અને આફ્રિકન સમુદાયની વસાહતોમાં પેટ્રોલિંગ વધારવા દિલ્હી પોલીસને આદેશ આપ્યા હતા.
ચીનના પ્રવાસેથી પરત ફરેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકન યુવાન પર હુમલાની આકરા શબ્દોમાં નીંદા કરી હતી.
આફ્રિકન નાગરિકો ભયભીત
દિલ્હીમાં કોંગોના યુવાનની હત્યા અને આફ્રિકન નાગરિકો પર હુમલાની ઘટના બાદ આફ્રિકન સમુદાયના નાગરિકોમાં ભય વ્યાપી ગયો છે. હુમલો કરાયો છે તે આફ્રિકન નાગરિકો વર્ષોથી દિલ્હીમાં વસવાટ કરી રહ્યાં છે. થોડા મહિના પહેલાં બેંગલોરમાં ટાન્ઝાનિયાની એક મહિલાનાં વસ્ત્રો ફાડી નાખી માર મરાયાની ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો.
સરકારની ખાતરી છતાં કેટલાક અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હતા. પાટનગર સાથે જોડાયેલા છત્તરપુર વિસ્તારમાં ૨૯ મેના રોજ માત્ર અડધા કલાકના ગાળામાં ૧૦ લોકોનાં જૂથ દ્વારા સાત આફ્રિકન નાગરિકો પર હુમલા કરાતાં હોબાળો મચી ગયો હતો. આરોપીઓએ ત્રણ પુરુષ અને ચાર મહિલા પર લોખંડના સળિયા, લાકડીઓ, ઇંટો અને ક્રિકેટનાં બેટ વડે હુમલા કર્યા હતા. આ ઉપરાંત આરોપીઓએ વંશીય ટિપ્પણીઓ કરીને આફ્રિકન નાગરિકોને ભારત છોડી દેવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, છત્તરપુરના રાજપુર ખુર્દ ગામમાં આ બનાવો નોંધાયા હતા.
પોલીસે આ હુમલાના સંદર્ભમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જોકે પોલીસે વંશીય હુમલાની શક્યતાઓ નકારી કાઢી છે. પોલીસે જણાવ્યું હતું કે રાતના સમયે જોરથી મ્યુઝિક વગાડવા અને જાહેરમાં શરાબ પીવાના મુદ્દે તકરાર થઇ હતી.
આ પછી સોમવારે સવારે દિલ્હીના મહરોલી વિસ્તારમાં કેટલાક આફ્રિકી લોકો દ્વારા એક ટેક્સી ડ્રાઈવરને નિર્દયી રીતે માર માર્યો હતો. નુરુદ્દીન (૫૧) નામના આ ટેક્સી ડ્રાઈવર પર હુમલા કરનારાઓમાં બે મહિલાઓ પણ સામેલ હતી. આ મામલે રવાન્ડા નિવાસી એક મહિલાની અટકાયત કરીને તેની પૂછપરછ કરાઈ છે.
૪૨ દેશના પ્રતિનિધિનો નિર્ણય
આફ્રિકન ગ્રૂપ હેડ ઓફ મિશન્સના વડા અને રાજદૂત અલેમ ત્સેહાએ વાલ્ડેમરિયમે જણાવ્યું કે, આફ્રિકી દેશના નાગરિક પર થયેલા હુમલા અંગે ૪૨ આફ્રિકી દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, અમારા જૂથ દ્વારા અને તમામ પ્રતિનિધિઓ દ્વારા આફ્રિકા દિવસમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કરાયો હતો. હત્યાને કારણે તમામ દેશો શોકમાં છે.
મૃતકના પિતાએ એક રેડિયો મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ ભારત પહોંચીને ફરિયાદ દાખલ કરશે.
કોંગોમાં ભારતીયો પર હુમલા
દિલ્હીમાં આફ્રિકન સમુદાય પર હુમલાની ઘટના બાદ કોંગોમાં ભારતીય સમુદાયને નિશાન બનાવીને હુમલાની ઘટનાઓ બની હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ૨૬ મેના રોજ કહ્યું હતું કે કોંગોમાં ભારતીયોને નિશાન બનાવીને તેમની દુકાનો પર થયેલા હુમલામાં કેટલાંક ભારતીયોને ઈજા પહોંચી છે. કોંગો ખાતેનું ભારતીય દૂતાવાસ સ્થાનિક વહીવટી તંત્રના સંપર્કમાં છે અને હવે સ્થિતિ થાળે પડી છે. આફ્રિકાના હજારો વિદ્યાર્થીઓ ભારતની શિક્ષણ-વ્યવસ્થાનો લાભ લેવા ભારત આવતા હોય છે. તેમને વંશવાદ અને ભેદભાવનો સામનો કરવો પડતો હોવાની એક વર્ગની ફરિયાદ છે.


comments powered by Disqus