લંડનઃ યુકેમાં ૨૦૧૧થી ૨૦૧૫ના ગાળામાં GCSE પરીક્ષામાં ગુજરાતી ભાષાનો વિષય લેનારાની સંખ્યામાં ૨૦ ટકાનો ચિંતાજનક ઘટાડો થયો છે. સ્કૂલ્સ મિનિસ્ટર નિક ગિબ્સે હેરો વેસ્ટના સાંસદ ગારેથ થોમસના પાર્લામેન્ટરી ક્વેશ્ચનના ઉત્તરમાં આ માહિતી આપી હતી.
વર્ષ ૨૦૧૧માં સમગ્ર ઈંગ્લેન્ડમાં GCSE ગુજરાતી વિષય માટે કુલ ૫૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાં લંડનના ૨૮૦ વિદ્યાર્થીનો સમાવેશ થતો હતો. જોકે, વર્ષ ૨૦૧૫ સુધીમાં આ સંખ્યા નોંધપાત્રપણે ઘટી લંડનમાં માત્ર ૨૨૪ વિદ્યાર્થી સહિત સમગ્ર ઈંગ્લેન્ડમાં ૪૪૨ વિદ્યાર્થીની થઈ હતી.
ઘણી સપ્લીમેન્ટરી સેટરડે સ્કૂલ્સમાં ગુજરાતી શીખવાય છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળકાપના પરિણામે સ્થાનિક ઓથોરિટીઝે પણ આ શાળાઓનું ભંડોળ કાપી નાખ્યું હતુ. સંખ્યા ઘટવા પાછળ આ કારણ પણ મહત્ત્વનું છે.
GCSE અને એ-લેવલમાં ગુજરાતી વિષય લેનારાની સંખ્યા વધારવા શું કરી શકાય તેને તપાસવા સરકારે કમિશન સ્થાપવું જોઈએ તેવી માગણી પણ સાંસદ ગારેથ થોમસે કરી હતી.
સાંસદ થોમસે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ઈંગ્લેન્ડની મજબૂત ગુજરાતી કોમ્યુનિટી માટે આ આંકડા ખરેખર ચિંતાજનક છે. GCSE લેવલે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરનારાઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય તેના પગલાં લેવા માટે સરકારે સમુદાયના પ્રતિનિધિઓ અને શૈક્ષણિક નિષ્ણાતો સાથે બેસવું જોઈએ. આંકડા સ્પષ્ટ કરે છે કે સરકાર બ્રિટનની શ્રેષ્ઠ અને મહેનતુ ભારતીય કોમ્યુનિટીઓની શૈક્ષણિક જરૂરિયાતો નજરઅંદાજ કરે છે.’
સ્પિની હિલ ગુજરાતી પેરન્ટ્સ એસોસિયેશન, લેસ્ટરના ચેરપર્સન દક્ષા પરમારે જણાવ્યું હતું કે, ‘એ-લેવલમાં ગુજરાતી વિષય લેનારાની સંખ્યા ઘટવા માટે કોઈ એક ચોક્કસ કારણ હોઈ શકે નહિ. બધી શાળાઓ ગુજરાતી ઓફર ન કરતી હોય અથવા તેને પ્રોત્સાહન ન આપતી હોય. બહુમતી વિદ્યાર્થી કોમ્યુનિટીના વાતાવરણમાં સપ્લીમેન્ટરી સેટરડે સ્કૂલ્સમાં ગુજરાતી શીખતા હોય છે, જેના કારણે ભાષા શીખવા અને સંસ્કૃતિ પર જ ભાર મૂકાય છે. સપ્લીમેન્ટરી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા આપવી મોંઘી પડે છે. ઘણા વિદ્યાર્થી ૧૧-૧૩ વર્ષની નાની વયે GCSE ક્વોલિફિકેશન પ્રાપ્ત કરે છે. જોકે પરીક્ષા આપી શકે તેટલી સંખ્યા વધતાં થોડા વર્ષ લાગી જશે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘અત્યારે તમામ રાજકીય પક્ષો ગુજરાતી પરીક્ષાની તરફેણમાં છે. જોકે, ૨૦૧૮થી આગળ GCSE અને એ-લેવલમાં ગુજરાતી વિષયની પરીક્ષા લેવાનું ચાલુ રખાશે કે કેમ તેનો નિર્ણય OCR એક્ઝામિનિંગ બોર્ડે લેવાનો રહેશે. ગુજરાતી ભાષામાં આવી પરીક્ષા લેવાય તે માટે એક અવાજે રજૂઆત કરવા અમે નેશનલ ફોરમ રચવા માગીએ છીએ.’
કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ એસઈ ઈંગ્લેન્ડના ચેરમેન જયંતીલાલ તન્ના અને સેક્રેટરી વિજયા ભંડારીએ જણાવ્યું હતું કે, ‘માત્ર ગુજરાતી ભાષાના પરીક્ષાર્થીની સંખ્યા ઘટી રહી છે એવું નથી. મોડર્ન ફોરેન લેંગ્વેજ એન્ટ્રીઝમાં પણ લગભગ ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર યુકેની શાળાઓમાં ભાષા શીખવામાં રસ ઘટી રહ્યો હોવાનું જણાય છે. ઘણા આધુનિક ગુજરાતી પેરન્ટ્સ પણ તેમના બાળકોને ઘરમાં મદદ કરવાની સ્થિતિમાં નથી. શનિવાર અને રવિવારની શાળાઓ સપ્તાહમાં એક દિવસ એક કલાક માટે ગુજરાતી શીખવવાની ઓફર કરે છે.’
કન્ઝર્વેટિવ પાર્ટીમાં ગુજરાતી અને વ્યાપક ભારતીય સમુદાયો માટે મુદ્દાઓ પર પોલિસી ટીમને સલાહ આપતા અમરિષ પટેલ કહે છે કે, ‘મારો મત એવો છે કે અન્ય વંશીય લઘુમતીઓથી વિપરીત, ગુજરાતી પેરન્ટ્સ જ તેમના બાળકોના શિક્ષણમાં GCSE ગુજરાતીને મુખ્ય વિષય તરીકે ઈચ્છતા નથી. ગુજરાતીના બદલે ફ્રેન્ચ શીખવાનું દબાણ કરે છે. સ્વામીનારાયણ સ્કૂલ અથવા અવંતિ ટ્રસ્ટની સ્કૂલ્સ જેવી ખાનગી હિન્દુ શાળાઓ પણ GCSE ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે રાખતી નથી. શીખ, મુસ્લિમ અને જ્યુઈશ ધર્મની સંસ્થાઓ અલગ ભંડોળ રાખે છે અને બાળકો ચોક્કસ ભાષામાં પ્રાર્થના કે ધાર્મિક ડાયલોગ્સ વાચવાનું ફરજિયાત રખાય છે. આપણાં મંદિરોમાં આવી વ્યવસ્થા નથી.’
ક્રાઉલીના ગુર્જર હિન્દુ યુનિયનની ગુજરાતી સ્કૂલના વડા કોકિલા પટેલે જણાવ્યું હતું કે, ‘અગાઉ, દર વર્ષે અમારી શાળામાં ઓછામાં ઓછાં ૬-૭ વિદ્યાર્થી GCSE પરીક્ષા આપવા ગુજરાતી શીખતા હતા. આ વર્ષે માત્ર ચાર વિદ્યાર્થી છે. આગામી વર્ષ માટે કોઈની નોંધણી થઈ નથી. GCSE ગુજરાતી શીખનારા વિદ્યાર્થી ઘટી રહ્યાં છે તે ચિંતાજનક છે.’ આ શાળામાં તમામ લેવલે ગુજરાતી શીખવાય છે અને છ વર્ષ અને તેથી વધુ વયના વિદ્યાર્થી માટે ખુલ્લી છે.

