PASS સાથે સમાધાન ઇચ્છતા ભાજપના પ્રયત્નો પર પાણી ફેરવતું કોંગ્રેસ

Wednesday 02nd March 2016 06:57 EST
 
 

ગાંધીનગરઃ પાટીદાર આંદોલનકારીઓ તથા રાજ્ય સરકાર વચ્ચે સમાધાનની આગળ વધતી ગાડી ફરી પાટા પરથી ઉથલી પડી છે તેની પાછળ અસલી ભૂમિકા ‘પાસ’ના કોંગ્રેસી નેતાઓની છે.
૨૯મી ફેબ્રુઆરીએ મહેસાણામાં પાટીદાર મહિલા સંમેલનના મંચ ઉપર ‘પાસ’ના મહિલા કન્વીનરો ઉપરાંત હાર્દિક પટેલનો કેસ લડવાનો ઇનકાર કરનાર કોંગ્રેસના લિગલ સેલના કન્વીનર બાબુ માગુંકીયા, વરુણ પટેલ, અતુલ પટેલ, નિલેશ એરવાડિયા, સુરેશ પટેલ સહિતના ‘પાસ’ના કેટલાક આગેવાનો ગોઠવાઇ ગયા હતા. બાબુ માંગુકીયા ઉપરાંત વરુણ પટેલ કોંગ્રેસી કાર્યકર છે જ્યારે અતુલ પટેલના પત્નીને અમદાવાદમાં ચાંદલોડિયા વોર્ડ માટે કોંગ્રેસે ટિકિટ આપી હતી. આ જ રીતે મહેસાણાના સુરેશ પટેલ ઉર્ફે ઠાકરે પણ કોંગ્રેસી છે. આમ, આ આખુ કોંગ્રેસીકરણ ધરાવતા આગેવાનોએ પાટીદાર મહિલા સંમેલનનો કબજો સંભાળી લીધો હતો. મંચ ઉપરથી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલની ગેરહાજરીની જાહેરાત થઈ ત્યારે લાલજી પટેલ સંમેલનના સ્થળે જ હતા. એટલે તેઓ મંચ તરફ આગળ વધ્યા અને કોંગ્રેસી જૂથના જ ઇશારે એમને લબડધક્કે ચઢાવાયા હતા. મંચ ઉપર બેસવા દેવાયા ન હતા.
ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ રાજ્ય સરકાર અને પાટીદાર આંદોલનકારીઓ વચ્ચે મધ્યસ્થી બની સમાધાનની ભૂમિકા આગળ ધપાવી હતી અને તેના ભાગરૂપે લાજપોર જેલમાં હાર્દિકના પારણાં કરાવાયાં હતાં. પરંતુ, કોંગ્રેસી જૂથને એસપીજીના લાલજી પટેલ, અન્ય પાસના આગેવાનો, પાટીદાર વડીલોના સંયુક્ત પ્રયાસોથી સરકાર સાથે થઇ રહેલા સમાધાનમાં રસ નથી. તેથી પાસ અને ભાજપ વચ્ચે સુલેહ ન થાય તેવા પ્રયાસો કોંગ્રેસના રહે છે એટલે જ લાલજી પટેલ સાથે ગેરવર્તન કરાયું હોય એ સ્પષ્ટ છે. આ જ રીતે મહેસાણાના વંદના પટેલે આ મહિલા સંમેલન માટે આસપાસના જિલ્લાઓમાં દોઢસોથી વધારે મહિલા સંમેલનો, બેઠકો યોજી હતી. એમણે એવી જાહેરાત કરી હતી કે હાર્દિક નહીં છૂટે તો તેઓ મુંડન કરાવશે. તેઓ મંચ પરથી મુંડન કરાવવાના હતા, તેમને પણ આ કોંગ્રેસી જૂથે મંચ પરથી અપમાનિત કરીને ઉતારી મૂકતાં સ્થાનિક પાટીદારોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
સ્થાનિક પાટીદારો માને છે કે રેશ્મા પટેલને એકાએક આગળ કરવા પાછળ પણ આ જ કોંગ્રેસીઓનો દોરીસંચાર છે. વળી, આ સંમેલનમાં પડદા પોસ્ટરો માટે પણ કેટલાક કોંગ્રેસીઓએ સામગ્રી મોકલી હતી. પરંતુ સ્થાનિક સમજુ પાટીદારોએ બિનરાજકીય સંમેલનની વાતને વળગી રહેતાં કોંગ્રેસની ગેમ સફળ થઇ ન હતી. આમ, સ્પષ્ટ છે કે હાર્દિક એન્ડ કંપનીનો કબજો કોંગ્રેસે જૂથે લઇ લીધો છે અને કોઇ પણ ભોગે મામલો ૨૦૧૭ વિધાનસભા સુધી સળગતો રહે એવા જ પ્રયાસો હવે દેખાઇ રહ્યા છે.


comments powered by Disqus