ચોરવાડઃ ચોરવાડ ખાતે તપોભૂમિ શ્રી ડડેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય શિવ મહોત્સવ ‘રુદ્રાક્ષોત્સવ’ અને ‘ચોરવાડોત્સવ’ શરૂ થયો છે. જે આઠ માર્ચ સુધી ચાલશે. આ શિવ મહોત્સવમાં ૨૫ લાખ રુદ્રાક્ષ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું ૩૩ ફૂટનું શિવલિંગ બન્યું છે અને લિમ્કા બુકમાં સ્થાન પામ્યું છે. આ શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે સીડીની વ્યવસ્થા છે. મોટી વયના શિવભક્તો માટે લિફ્ટની સુવિધા છે. દેશવિદેશમાં આ શિવ મહોત્સવ પ્રસંગે ‘ઓમ નમઃ શિવાય’ પંચાક્ષર મંત્ર લેખન છેલ્લા ૮ મહિનાથી થઈ રહ્યું છે. આ મંત્રોની સંખ્યા પણ ત્રણ કરોડથી વધુ થશે. જેમાં ૨૨ લાખ મંત્રો કેનેડાથી આવ્યા છે. ૨૯થી શરૂ થયેલા શિવ મહાપુરાણ કથાના વકતા બટુકભાઈ વ્યાસ છે. સનાતન સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રીમતી કોકિલાબહેન અંબાણી, મુકેશભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજી, યોગગુરુ રામદેવજી બાબા, કથાકારો, રમેશભાઈ ઓઝા, મોરારિબાપુ, સત્તાધારના ગોવિંદબાપુ વગેરે ઉપસ્થિત રહેશે.

