બજેટનું પ્રિન્ટીંગ કરનારા કર્મચારીઓને બજેટ પહેલાના એક સપ્તાહ દરિમયાન સંપૂર્ણ એકાંતવાસમાં રાખવામાં આવે છે, જેથી બજેટની કોઈ વિગતો લીક ન થઈ જાય. પ્રિન્ટીંગ કામ પણ નાણા મંત્રાલયના કબજા હેઠળના પ્રેસમાં જ થતું હોય છે. પ્રિન્ટીંગ શરૂ થાય એ વખતે હલવા સેરેમની યોજાય છે. જેમાં હલવો બનાવીને નાણા પ્રધાન સહિત સહુ કોઇ મોં મીઠું કરે. એ પછીથી કર્મચારીઓને છેક બજેટ રજૂ થઈ જાય એ પછી જ પોતાના ઘરના સભ્યો સાથે સંપર્ક કરવાની છૂટ મળે છે.
• આઝાદ ભારતનું પહેલું બજેટ આર. કે. શણમુખમ્ શેટ્ટીએ ૧૯૪૭ની ૨૬મી નવેમ્બરે રજૂ કર્યું હતું. એ પછી જેટલીએ રજૂ કરેલું બજેટ ૮૩મું બજેટ છે. જોકે ભારતમાં પહેલું બજેટ તો છેક ૧૮૬૦ની ૭મી એપ્રિલે અંગ્રેજ અધિકારી જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. પ્રથમ બજેટ જોકે ખરેખર બજેટ નહીં, પણ આર્થિક સ્થિતિનો રિવ્યુ હતો.
• બજેટ હંમેશા બે ભાગમાં હોય છે. પહેલા ભાગમાં આર્થિક યોજનાઓ અને બીજા ભાગમાં કર રાહતો હોય છે.
• ભારતમાં બજેટ પાંચ વાગે રજૂ કરવાની પ્રથા ૧૯૨૪માં અંગ્રેજ અધિકારી બેસિલ બ્લેકેટે શરૂ કરી હતી. આગલી રાત સુધી કામ કર્યા પછી અધિકારીઓ બજેટના દિવસે થોડા રિલેક્સ થઈ શકે એ માટે આ સમય પસંદ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં સમયને કાયમ માટે અપનાવી લેવાયો તેનું એક કારણ એ હતું કે ભારતમાં સાંજના સમયે બજેટ રજૂ થતું હોય ત્યારે બ્રિટનમાં દિવસનો પ્રારંભ થઇ રહ્યો હોવાથી અંગ્રેજ અધિકારીઓને આ સમય બહુ અનુકૂળ હતો. ૨૦૦૦ની સાલમાં તત્કાલિન નાણા પ્રધાન યશવંત સિંહાએ આ વર્ષોજૂની પ્રથા ફગાવી દઈને બજેટની રજૂઆત સવારે ૧૧ વાગે કરવાની પરંપરા શરૂ કરી હતી.
• બજેટના દિવસે અચૂક નાણા પ્રધાન લેધરની રેડ-બ્રાઉન કલરની બેગ લઈને જતાં હોય એવું દૃશ્ય જોવા મળે. એ પ્રથા દોઢસો કરતાં વધુ વર્ષ પહેલાના સમયથી, બ્રિટનથી ચાલી આવે છે. બ્રિટનમાં આ બ્રિફકેસ ‘બજેટ બોક્સ’ તરીકે ઓળખાય છે. ૧૮૬૦માં બ્રિટિશ નાણા પ્રધાન (ચાન્સેલર ઓફ ધ એક્સચેકર) વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોને પ્રથમ વખત આ બ્રિફકેસ વાપરી હોવાનો જૂનામાં જૂનો ઉલ્લેખ છે.
• ભારતનું પહેલું બજેટ ઈન્ટરિમ એટલે કે વચગાળાનું બજેટ હતું. ઈન્ટરિમ બજેટ એવો શબ્દ પણ શણમુખમ્ શેટ્ટીએ જ ૧૯૪૮-૪૯ના બજેટમાં વાપર્યો હતો કેમ કે નવેમ્બરમાં રજૂ થયેલું એ
બજેટ આગામી વર્ષની ૩૧મી માર્ચ સુધી જ કામ લાગવાનું હતું.
• પ્રજાસત્તાક બન્યા પછી ભારતનું પહેલું બજેટ ૧૯૫૦ની ૨૮મી ફેબ્રુઆરીએ જોન મથાઈએ રજૂ કર્યુ હતું.
• ૧૯૫૫-૫૬થી દરેક બજેટના કાગળો અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ તૈયાર થવાની શરૂઆત થઈ હતી.
• ૧૯૫૮-૫૯માં નેહરુ વડા પ્રધાન હોવા ઉપરાંત નાણા પ્રધાન પણ હતાં માટે તેમણે બજેટ રજૂ
કર્યું હતું.
• મોરારજી દેસાઈએ સૌથી વધુ દસ બજેટ રજૂ કર્યા છે. તેમાંથી ૧૯૬૪ અને ૧૯૬૮ના બજેટ એવા હતાં, જે મોરારજીભાઈએ પોતાના જન્મદિવસે એટલે કે ૨૯મી ફેબ્રુઆરીએ રજૂ કર્યા હતાં.
• બજેટ રજૂ કરનાર એક માત્ર મહિલા એટલે ઈન્દિરા ગાંધી.
• આર. વેંકટરમણ્ અને પ્રણવ મુખર્જી એવા રાષ્ટ્રપતિ છે, જેમણે બજેટ પણ રજૂ કર્યું હોય કેમ કે તેઓ રાષ્ટ્રપતિ બન્યાં પહેલા નાણા પ્રધાન પણ હતાં.
• નેહરુ, ઈન્દિરા, વી. પી. સિંહ અને રાજીવ ગાંધી એવા વ્યક્તિઓ છે, જેઓ વડા પ્રધાન પણ હતાં અને નાણા પ્રધાન રહી ચૂક્યા હોવાથી બજેટ પણ રજૂ કર્યા હતાં.
• યશવંત સિંહાના ભાગે ચાર અઘરા બજેટ આવ્યા હતાં. ૧૯૯૧માં તેમણે બજેટ રજૂ કર્યું એ પહેલા દેશમાં વિદેશી હૂંડિયામણની તંગી હતી. ૧૯૯૯ના તેમના બજેટ પહેલા પોખરણ ધડાકાઓ આખા દેશમાં ગુંજતા હતાં. ૨૦૦૦ના બજેટ વખતે કારગિલ યુદ્ધ અને ૨૦૦૧ના બજેટ વખતે કચ્છનો ભૂકંપ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતાં.
• ઈન્ટરિમ ન હોય તો નિયમિત બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થાય. પરંતુ ૨૦૧૦માં ૨૬મી ફેબ્રુઆરીએ રજૂ થયું હતું કેમ કે ૨૮મીએ રવિવાર હતો. એ પછી બજેટ અંગે સંસદના બન્ને ગૃહોમાં ચર્ચા થાય અને પહેલી એપ્રિલથી બજેટની જાહેરાતોનો અમલ શરૂ થાય.
• આઝાદ ભારતમાં વિવિધ ૨૯ નાણા પ્રધાનોએ બજેટ રજૂ કર્યા છે.
• બજેટ તૈયાર કરવાનું કામ નાણા મંત્રાલયનો બજેટ વિભાગ કરે છે. એ વિભાગને સામાન્ય રીતે બજેટ તૈયાર કરતાં ત્રણ મહિના લાગતા હોય છે.

