નેતાઓની નજરે બજેટ...

Wednesday 02nd March 2016 05:26 EST
 
 

• લાલ કૃષ્ણ અડવાણી, ભાજપના વરિષ્ઠ નેતાઃ આ બજેટ દેશના શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે. બજેટમાં ઐતિહાસિક પગલાં ભરાયાં છે. અરુણ જેટલીના બજેટથી દેશની ઈકોનોમીને વેગ મળશે, નવી રોજગારીનું સર્જન થશે. વડા પ્રધાન અને નાણા પ્રધાને બજેટ દ્વારા મેક ઈન ઈન્ડિયાના વિચારને મજબૂત બનાવ્યો છે.
મનમોહન સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાનઃ બજેટમાં વિવિધ ક્ષેત્રોને ત્વરિત પ્રોત્સાહન મળે એવો આર્થિક માહોલ સર્જવામાં નાણા પ્રધાન સદંતર નિષ્ફળ નીવડ્યા છે. નવી રોજગારીનું સર્જન કરવા જેવી પાયાની બાબતોનો બજેટમાં ક્યાંય ઊડીને આંખે વળગે એવો પ્રયાસ દેખાતો નથી.
રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષઃ ચૂંટણી પહેલાં ભાજપે આપેલા વચનો પૂરા કરવામાં સરકાર છેલ્લા બે બજેટથી નિષ્ફળ જાય છે અને એ નિષ્ફળતામાં વધુ એક બજેટનો ઉમેરો થયો છે. બજેટમાં દૃઢ ઈચ્છાશક્તિ અને દુરંદેશીતાનો સંપૂર્ણ અભાવ છે. નવા વાયદાઓ આપવા સિવાય બજેટમાં કશું જ નથી.
અરવિંદ કેજરીવાલ, મુખ્ય પ્રધાન-દિલ્હીઃ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને રાહત થાય એવા કોઇ પગલાં મોદી સરકારે આ બજેટમાં નથી ભર્યાં. મોદી સરકારે દેશવાસીઓને ભ્રામક વાયદા આપીને છેતર્યાં છે, તેનો વધુ એક પુરાવો બજેટ છે.
સિતારામ યેચુરી, સીપીઆઈએમના નેતાઃ આ બજેટમાં મધ્યમ વર્ગ ઉપર બોજો નાંખવામાં આવ્યો છે. જેટલીના આ બજેટમાં ખોખલાં વાયદા સિવાય કશું જ જણાતું નથી. મોદી સરકારે છેલ્લા બે બજેટની જેમ આમાં પણ ઠાલાં વચનોની લ્હાણી સિવાય મજબૂત કહેવાય એવું કંઈ જ આપ્યું નથી.
ઓમર અબ્દુલ્લા, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનઃ નાણા પ્રધાન અરુણ જેટલીએ બહુ ચાલાકીપૂર્વક વિપક્ષો માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ આડકતરી રીતે કર્યું છે કારણ કે આ બજેટમાં કોર્પોરેટ સેક્ટર્સને દેખીતો ફાયદો થાય એવા પ્રયાસો ગણતરીપૂર્વક ઓછા હાઈલાઈટ કરાયા છે. આથી વિપક્ષો માટે વિરોધ કરવાનું કામ મુશ્કેલ થઇ પડશે.
પી. ચિદમ્બરમ્, ભૂતપૂર્વ નાણા પ્રધાનઃ ખેડૂતો અને મધ્યમ વર્ગ સાથે ફરીથી સરકારે છેતરપિંડી કરી છે. સરકાર પાસે કોઈ જ નવો વિચાર નથી એટલે યુપીએ સરકારની ઘણી ખરી યોજનાઓને યથાતથ્ જાળવી રાખી છે. ઉત્પાદક્તા, ખાદ્યાન્ન સુરક્ષા, ખેડૂતો માટે ન્યુનતમ રકમની ફાળવણી જેવી કોઈ જ બાબતને સ્પર્શવામાં નથી આવી. મોદી સરકાર ટેક્સ વસૂલવામાં માહેર છે એ વધુ એક બજેટથી સાબિત થયું છે.
સ્વરાજ પૌલ, બ્રિટનસ્થિત ભારતીય બિઝનેસમેનઃ વડા પ્રધાને આ બજેટને પોતાની પરીક્ષા ગણાવી હતી અને એનડીએ સરકાર આ પરીક્ષામાં પાસ થઈ છે. ગ્રામ્ય વિકાસ તરફ સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે એ વાત બજેટમાં સ્પષ્ટ જણાય આવે છે.
અત્સિ શેઠ, એમ મૂડીઝ ઈન્વેસ્ટર્સઃ બજેટ અપેક્ષા પ્રમાણે છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. નાણા પ્રધાન રાજકોષીય ખાધના ટાર્ગેટને વળગી રહ્યા છે. રાજકોષીય શિસ્ત જળવાય રહેશે એવું અમે અગાઉ કહી ચૂક્યા છીએ.
ઈસાક જ્યોર્જ, જીવીકે જૂથના સીએફઓઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે આ નિરાશાજનક બજેટ છે. માર્ગ અને બાંધકામ વિભાગને બાદ કરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને બજેટમાં કંઈ જ અપાયું નથી.
રાધિકા રાવ, અર્થશાસ્ત્રીઃ બજેટમાં રાજકોષીય શિસ્તનો અગ્રતા એ એક પ્રોત્સાહક બાબત છે. જોકે વેતન પંચની દરખાસ્તોના અમલ અંગે બજેટમાં ખાસ પ્રકાશ પડાયો નથી. બેન્કોને રિ-કેપિટલાઈઝ્ડ કરવા માટે પૂરતા નાણા અપાયા નથી તે એક હતાશાની બાબત છે.
આર. સી. ભાર્ગવ, મારુતિ સુઝુકીના ચેરમેનઃ નાણા પ્રધાને બજેટમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં આગામી ૨૦૨૦ સુધીમાં યુરો-૬ના માપદંડ લાગુ કરવાની જોગવાઇ કરી છે. આથી કાર ઉત્પાદક કંપનીઓમાં નિરાશા ફેલાઈ છે. પ્રદૂષણ માટે વાહનોને જ શા માટે ટાર્ગેટ કરાઈ રહ્યા છે?


comments powered by Disqus