પોરબંદરઃ કોમવાદના દાવાનળ અને અનામતની માગના માહોલમાં પોરબંદર નજીકના રાણાવાવ ગામે કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. ગીર પંથકના જાવંત્રી ગામના અને રાણાવાવમાં મફતિયાપરામાં એક છાપરા નીચે રહેતા મહંમદભાઈ જાવંત્રીની એક તરછોડાયેલી પાટીદાર મહિલા નર્મદાબહેન ડોબરિયાને માતાની જેમ સાચવે છે.
ભાડાની રિક્ષા ચલાવતા મહંમદભાઇ ઇસ્માઇલભાઇ રફાઇ પત્ની સલમા અને ત્રણ બાળકો સાથે એકઢાળિયા ઘરમાં રહે છે. એક દિવસ તે પોરબંદરની જૂની કોર્ટ પાસે આવ્યા ત્યારે એક બહેનને પગમાંથી વાસ મારતું પ્રવાહી નીકળતું હતું. આ રડતી સ્ત્રીને જોઈને મહંમદભાઇએ મહિલાની પૂછપરછ કરી તો તે પોતાનાં ગામની નીકળી. પતિને ત્યાંથી નર્મદાબહેનને કાઢી મૂકવામાં આવ્યા હતાં અને પિતાને ત્યાં બોજ બનવાનું પસંદ ન કરનારાં આ મહિલાએ મજૂરી કરવાનું પસંદ કર્યું હતું. મહંમદભાઈએ જાણ્યું કે મજૂરી દરમિયાન નર્મદાબહેનને પગમાં પાવડો વાગ્યા પછી અંગૂઠો કપાઇ જતાં સારવાર લીધી નહીં તેથી ગ્રેગરીન થઈ ગયું હતું અને અત્યારે તે ચાલી શકતાં નહીં હોવાથી અહીં જ પડી રહ્યાં હતાં.
આ સ્ત્રીની વાત સાંભળીને મહંમદભાઈએ પત્ની સલમા સાથે વાત કરી અને નર્મદાબહેનને પોતાને ઘરે લઇ ગયા. છેલ્લા અઢી મહિનાથી દિવસ રાત રિક્ષા ચલાવીને પણ મહંમદભાઈ નર્મદાબહેનની સારવાર કરાવી રહ્યાં છે. આ ઉપરાંત મહંમદભાઈએ જાવંત્રીમાં નર્મદાબહેનના પરિવારને પણ જાણ કરી છે. તેઓ ઘરમાં હાજર ન હોય ત્યારે તેમની પત્ની સલમા નર્મદાબહેનની સારસંભાળ રાખે છે.

