લંડનઃ બ્રિટિશ ભારતીય આસિફ કાપડિયાએ ગાયિકા એમી વાઈનહાઉસના જીવન અને માત્ર ૨૭ વર્ષની વયે કરુણ મૃત્યુનું હૃદયદ્રાવક પ્રતિબિંબ પાડતી ફિલ્મ ‘એમી’ માટે ડોક્યુમેન્ટરી ઓસ્કાર એવોર્ડ હાંસલ કર્યો છે. હેકનીમાં જન્મેલા ૪૪ વર્ષીય આસિફે પ્રથમ નોમિનેશનમાં જ પ્રથમ ઓસ્કર હાંસલ કર્યો છે. તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘એમી’ માટે ગોલ્ડન ગ્લોબ અને બાફ્ટા એવોર્ડ્સ પણ જીત્યા છે. ગત વર્ષે કાન્સ ફેસ્ટિવલમાં પ્રદર્શિત ‘એમી’ ફિલ્મને વિવેચકોએ ભરપૂર વખાણી છે.
ડ્રગ્સ અને આલ્કોહોલ સામેની લડત પછી ૨૦૧૧માં મોતને ભેટેલી વાઈનહાઉસને અંજલિ આપતા કાપડિયાએ કહ્યું હતું કે, ‘આ ફિલ્મ તરફ પ્રેમ દર્શાવવા બદલ એકેડેમીનો આભાર. એમી વાસ્તવમાં કોણ હતી? તે આનંદી, બુદ્ધિશાળી, હાજરજવાબી અને વિશિષ્ટ વ્યક્તિ હતી.’ જોકે, એમીના પિતા મિચે કાપડિયાની ફિલ્મને ‘એમી’ ફિલ્મને એક પરિમાણીય, દુઃખદાયી અને ગેરમાર્ગે દોરતા ચિત્રણ તરીકે ગણાવી હતી. કાપડિયાને ઓસ્કર મળવા બદલ તેમણે નિરાશા પણ વ્યક્ત કરી હતી.
બીજી તરફ, કાપડિયા અને તેની ટીમે કહ્યું હતું કે એમીના મિત્રો અને પરિવારજનો સાથે ૧૦૦થી વધુ ઈન્ટર્વ્યુ પછીની આ યોગ્ય રજૂઆત છે.
નોર્થ લંડનમાં મુસ્લિમ બ્રિટિશ ભારતીય પરિવારમાં ૧૯૭૨માં જન્મેલા આસિફ કાપડિયાએ રોયલ કોલેજ ઓફ આર્ટમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કર્યો હતો. કાપડિયાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાંથી ફિલ્મ, ટીવી અને ફોટોગ્રાફિક આર્ટ્સમાં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી મેળવી હતી.
રાજસ્થાનમાં તૈયાર કરેલી શોર્ટ ફિલ્મ ‘ધ શિપ થિફ’ (૧૯૯૭)થી તેમને ભારે પ્રસંશા સાંપડી હતી. આ ફિલ્મે ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ જીત્યાં હતાં. તેઓ ૨૦૧૨માં ‘સેન્ના’ અને ૨૦૦૩માં ઈરફાન ખાન અભિનિત ‘ધ વોરિયર’ ફિલ્મના દિગ્દર્શન માટે પણ જાણીતા છે.
ઓસ્કાર એવોર્ડ વિજેતાઓ
• શ્રેષ્ઠ ફિલ્મઃ સ્પોટ લાઇટ • શ્રેષ્ઠ દિગ્દર્શકઃ આલિહાંડુ ઝી ઇનિહારિટુ (ફિલ્મઃ ધ રેવેનન્ટ) • શ્રેષ્ઠ અભિનેત્રીઃ બ્રી લાર્સન (ફિલ્મઃ રૂમ) • શ્રેષ્ઠ અભિનેતાઃ લિયોનાર્ડો ડિકેપ્રિયો (ફિલ્મઃ ધ રેવેનન્ટ) • શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ માર્ક રાયલન્સ (ફિલ્મઃ બ્રિજ ઓફ સ્પાઇસ) • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ એલિશિયા વિકેન્ડર (ફિલ્મઃ ધ ડેનિશ ગર્લ) • શ્રેષ્ઠ મૌલિક ગીતઃ ‘રાઇટિંગ્સ ઓન ધ વોલ’ (ફિલ્મઃ સ્પેકટર) • શ્રેષ્ઠ મૌલિક સ્કોરઃ ‘એનિઓ મોરિકોને’ (ફિલ્મઃ ધ હેટફૂલ એઇટ) • શ્રેષ્ઠ વિદેશી ફિલ્મઃ ‘સન ઓફ સોલ’ (હંગેરી) • શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મઃ ‘સ્ટટરર • શ્રેષ્ઠ દસ્તાવેજી ફિચરઃ ‘એમી’ • શ્રેષ્ઠ દસ્તાવેજી (શોર્ટ સબ્જેક્ટ)ઃ ધ ગર્લ ઇન ધ રિવર, ધ પ્રાઇઝ ઓફ ફરગિવનેસ • શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ ‘બેયર સ્ટોરી’ • શ્રેષ્ઠ સિનોમેટોગ્રાફીઃ ‘ધ રેવેનન્ટ’ એડપ્ટેડ સ્ક્રિનપ્લેઃ ચાર્લ્સ રેન્ડોલ્ફ અને એડમ મેક્સ (ફિલ્મઃ ધ બિગ શોર્ટ)

