ચેશાયર: ઈંગ્લેન્ડનાં ચેશાયરના વિન્સફોર્ડમાં આવેલા K&L ન્યૂઝ એજન્ટની શોપમાં મોટા છરા સાથે આવેલા બે લૂંટારુઓનો હેમલતાબહેન પટેલ નામના મહિલાએ બહાદૂરીથી સામનો કરી ખાલી હાથે ભગાડ્યા હતા.
અા ઘટનાની જાણકારી અાપતાં હેમલતાબહેને ‘ગુજરાત સમાચાર’ના મેનેજિંગ એડિટર કોકિલા પટેલ સાથે બુધવારે ફોન પર વાત કરતાં જણાવ્યું કે, ‘૨૧ ઓક્ટોબરે સવારે ૧૦ વાગ્યા પછી દુકાનમાં ગ્રાહકોની અવરજવર અોછી હોય એટલે હું લંડન રહેતી મારી દીકરી લીનાની બે દીકરીઅો સાડા ચાર વર્ષની જૂહી અને અઢી વર્ષની એમી સાથે કાઉન્ટર પર બેઠી હતી. આ સમયે લગભગ ૧૦ વાગ્યે જ મોં પર કાળા કલરના માસ્ક લગાવેલા બે લૂંટારુઓ તલવાર (ફાંગા) જેવા મોટા હથિયાર સાથે શોપમાં પ્રવેશ્યા હતા. લૂંટારાઅોએ બૂમાબૂમ કરીને શોપમાં થોડી તોડફોડ કરી પૈસા માગ્યા. મેં લૂંટારાને કહ્યું કે તારે પૈસા જોઇએ તો ટીલ ખૂલ્લું જ છે, જે જોઇએ એ લઇ જાવ. આમ છતાં લૂંટારા બે-ત્રણ વાર તેનો મોટો છરો કાઉન્ટર પર પછાડી મને ડરાવવા-ધમકાવવા લાગ્યા. એ પછી મારો પિત્તો ગયો.’
હેમલતાબહેને કહ્યું કે, ‘અમે એક લોખંડની ફોલ્ડીંગ ખુરશી દુકાનમાં અાવતા અમારા વૃદ્ધ ગ્રાહકો માટે રાખી મૂકીએ છીએ. એ ઉપાડીને હું લૂટારાઅો પાછળ દોડી ને પડકારતાં કહ્યું કે હવે ઉભા રહો, તમારે અા જોઇએ છે, તો લેતા જાવ... જોરથી બૂમ પાડીને સ્ટીલની ખુરશી સાથે હું એમની પાછળ દોડી. મારો અવાજ જરા ભારે છે અને રણચંડી જેવું મારું ક્રોધિત રૂપ જોઇ બન્ને લૂટારા ભાગી છુટ્યા હતા.’
ન્યૂઝ એજન્ટ શોપમાં જ્યારે હથિયારધારી લૂંટારુઓ આવ્યા તે દરમિયાન બહાદુર હેમલતાબહેન પટેલના પતિ ધીરૂભાઈ શોપના પાછળના ભાગે હતા.
દક્ષિણ ગુજરાતના બારડોલીના મૂળ વતની ધીરૂભાઇ ડાહ્યાભાઇ પટેલ અને હેમલતાબહેન ૧૯૭૨માં યુગાન્ડાથી અત્રે અાવ્યા હતા અને ૧૯૮૪માં અા શોપ ખરીદી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલા આવી કોઈ ઘટનાનો અનુભવ નથી થયો. ચેશાયરના નાનકડા વિન્સફોર્ડ ટાઉનમાં પહેલાં ઇન્ડિયનોના અમે પાંચ-છ કુટુંબ રહેતાં. બે-ત્રણ ડોકટરો પણ હતા પરંતુ ઇન્ડોનેશિયાથી ઘણા યુવાનો અહીં અાવ્યા છે.
બહાદુર શોપ માલિક મિસીસ પટેલને બહાદૂરીપૂર્વક સામનો કરતાં જોઈને લૂંટારુઓ શોપમાંથી ભાગી છુટ્યા હતા. સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી. પોલીસે ઝડપેલા લૂંટારુઓ પ્રત્યે માફીની લાગણી અનુભવતા હોવાનું પણ હેમલતાબહેને જણાવ્યું હતું.
ચેશાયર પોલીસે ઘટના બાદ ૧૬ અને ૧૪ વર્ષના બે ટીનેજર્સને પકડી પાડ્યા હતા. બાદમાં બન્નેને જામીન પર મુક્ત કરાયા હતા. છૂટ્યા પછી ગયા બુધવાર - ૨૬ અોકટોબરે નજીકમાં જ રહેતા અંગ્રેજ
વૃદ્ધ દંપતીના ઘરના બેકયાર્ડમાં ઘૂસી જઇ અાગ લગાડી નુકશાન કર્યું હતું.
અા ઘટનાને પગલે સરેના થોર્નટનહીથ વિસ્તારમાં રહેતા એક પટેલ ન્યૂઝ એજન્ટની હિંમતને દાદ અાપવી ઘટે એવા સમાચાર અમારા ન્યુઝ એડિટર કમલ રાવને સાંપડ્યા છે.
ચરોતરના અા પટેલની દુકાનમાં અવારનવાર લૂંટારા અાવી ધાકધમકીઅો અાપે છે. ઘણી વખત લૂંટવા અાવેલા બંદૂકધારી લૂંટારાઅોને આ પટેલ ભાયડો શેલ્ફ બતાવીને કહે છે કે 'તારે સિગારેટ જોઇએ છે? બિયર જોઇએ છે? લઇ જા પણ પૈસાની તો વાત જ ના કરતો. તને ટીલમાથી કેશ નહિ અાપું! લૂંટારા એમાંય રાજી ના થાય તો અા મરદ દુકાનદાર પોતાનું કપાળ બતાવીને કહે કે, ‘ભાઇ તું મને ગોળીથી ગભરાવીશ નહિ. તારે મને મારવો છે તો અહીં બરોબર કપાળ વચ્ચે મૂકીને ટ્રીગર દબાવ! ડરાવે છે શેનો, મારવો હોય તો મારને બિનધાસ્તપણે.’
પટેલની અાવી નીડરતા અને ખુમારી જોઇને ઘણી વખત લૂંટારા કશી જાનહાનિ કર્યા વગર બિયર-સિગારેટ લઇને જતા રહે. એક બનાવમાં તો બીજા જ દિવસે એક લૂંટારાએ તો પટેલને કહ્યું કે, ‘તારી મર્દાનગી ને ખુમારીને હું દાદ અાપું છું.’

