અમદાવાદઃ આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર ફેસબુક પર પોસ્ટ કર્યો કે તરત જ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અને રાજ્યમાં પગદંડો જમાવવા પ્રયત્નશીલ આમ આદમી પાર્ટી (‘આપ’)એ રાજકીય જશ ખાટવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા.
બન્ને રાજકીય પક્ષોએ ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચાર, દલિત અને પાટીદારો પરના અત્યાચારને મુખ્ય કારણો ગણાવીને મુખ્ય પ્રધાનને જવાબદાર ઠેરવ્યા હતાં. ‘આપ’ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તો ટ્વિટ કર્યું કે, ‘ગુજરાતમાં ભાજપ ‘આપ’થી ડરી ગઇ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં ‘આપ’ની આ જીત છે.’ કેજરીવાલે ટ્વિટ કરીને એમ પણ જણાવ્યું કે, સરકારે હવે પાટીદારો સામેના કેસો પાછા ખેંચ્યા છે. તો શું પાટીદારો સામેના કેસો ખોટા છે? આવો પ્રશ્ન ઉઠાવીને કેજરીવાલે આનંદીબહેન સરકાર સામે શંકાની આંગળી ચિંધી હતી.
બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતે પણ એવી પ્રતિક્રિયા આપી હતી કે, આનંદીબહેન પટેલના રાજીનામાની અપેક્ષા તો હતી જ. દલિત અને પાટીદારો પર અત્યાચારો ગુજારવામાં આવતાં કોંગ્રેસે આનંદીબહેનના રાજીનામાની માંગ કરી હતી. આનંદીબહેનના શાસનમાં ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. આમ છતાં પણ ભાજપ હાઇકમાન્ડે આનંદીબહેનને બચાવવા પૂરેપૂરી કોશિશ કરી હતી.
કામતે એમ પણ કહ્યું કે, જો આનંદીબહેનને કેન્દ્રીય પ્રધાનમંડળ અથવા તો રાજ્યપાલ બનાવાશે તો તે નિર્ણય દલિતો-પાટીદારોના ઘા પર મીઠું છાંટવા બરાબર હશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે એવી પ્રતિક્રિયા આપી કે, આનંદીબહેનનું રાજીનામું એ દર્શાવે છે કે, ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર નક્કી છે. આમ, આનંદીબહેનના રાજીનામા બાદ ‘આપ’ અને કોંગ્રેસે પણ રાજકીય જશ ખાટવામાં કસર છોડી નથી.

