ગુજરાતનો તાજ કોના શિરે? વિજય રૂપાણી, નીતિનભાઈ, સૌરભ પટેલ કે પછી ભૂપેન્દ્રસિંહજી?

Wednesday 03rd August 2016 06:21 EDT
 
 

ગાંધીનગરઃ આનંદીબહેનના રાજીનામા બાદ હવે રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોણ થશે તેની ચર્ચા તેજ બની ગઈ છે. હાલને તબક્કે પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિજય રૂપાણી અને પ્રધાનમંડળમાં નંબર-ટુનું સ્થાન ધરાવતાં પ્રવકતા પ્રધાન નીતિનભાઈ પટેલ મુખ્ય પ્રધાનની રેસમાં મોખરે મનાય છે. આ બન્નેમાંથી ભાજપ અધ્યક્ષ અમિત શાહના વિશ્વાસુ તરીકેની છાપ ધરાવતાં રૂપાણીને નવા મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સોંપાય તેવી શક્યતા નકારાતી નથી. આ ઉપરાંત ભાજપમાં જૂથબંધી નાબૂદ કરવા બે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી અટકળો પણ શરૂ થઈ છે. ડાર્ક હોર્સ તરીકે નાણાં પ્રધાન સૌરભ પટેલની શક્યતા જોવાઇ રહી છે. અંબાણી પરિવારના જમાઇ સૌરભભાઇ ભાજપ સરકારમાં બહુ વગદાર સ્થાન ધરાવે છે.
જોકે આખરી નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરશે. આ પૂર્વે ઔપચારિક વિધિ માટે રાષ્ટ્રીય નિરીક્ષકોને મોકલીને ધારાસભ્યો, પ્રદેશના આગેવાનોની સેન્સ લેવાની એક પ્રક્રિયા પૂર્ણ કરશે.
આનંદીબહેને મુખ્ય પ્રધાન પદેથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર પોતાના ફેસબુક પેજ પર મૂકતાં જ સમગ્ર સચિવાલયમાં હલચલ વધી ગઇ હતી. આ સાથે જ હવે એમના સ્થાને કોણ બેસશે એની ચર્ચા સ્વર્ણિમ સંકુલથી માંડીને રાજ્યભરના નાગરિકોમાં ચર્ચાઇ રહી છે. હાલની સ્થિતિએ જોવા જઇએ તો વડા પ્રધાન જ નહીં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશ્વાસુ મનાતા વિજય રૂપાણીને આ તાજ પહેરાવાય એવી પ્રબળ શક્યતા છે. જોકે, પક્ષને રાજકીય પરિસ્થિતિમાં પાટીદારોનો સાથ ગુમાવવો પાલવે એમ ન હોવાથી નીતિન પટેલ પર પસંદગી ઉતારાય એવું બની શકે છે. બન્ને આગેવાનો ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સંઘ અને પક્ષની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
નીતિનભાઇએ પાટીદાર આંદોલનમાં સક્રિય રીતે સરકાર અને આંદોલનકારો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. સામાજિક સમીકરણોને બદલે જેવી રીતે પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેનના નામની જાહેરાત થઇ હતી તે જ રીતે પ્રથમ વણિક મુખ્ય પ્રધાન તરીકે રૂપાણી પર પસંદગી ઉતારાઇ શકે એવું મનાઇ રહ્યું છે.
પ્રવકતા પ્રધાન નીતિનભાઈ પટેલ સિનિયર પ્રધાન જરૂર છે, પરંતુ તેમનો સ્વભાવ સામાન્ય કાર્યકરોને અનુકૂળ આવે તેવો ન હોવાની સાથોસાથ તેમની અન્ય કેટલીક મર્યાદાઓ પણ આ પદ માટે નડશે એમ મનાઈ રહ્યું છે. જ્યારે નાણાં પ્રધાન સૌરભ પટેલ વડા પ્રધાન મોદીની ગુડબુકમાં છે પણ તેઓ રાજકારણના કાબેલ ખેલાડી નથી. આ સંજોગોમાં બીજી ઓગસ્ટના રોજ જન્મદિવસ ઉજવનાર રૂપાણીનો બર્થ-ડે ગિફ્ટમાં મુખ્ય પ્રધાન પદ મળે છે કે તે જોવું રહ્યું.
અહીં નોંધનીય છે કે, વિજયભાઈ રૂપાણી અધ્યક્ષ અમિત શાહના પ્રિયપાત્ર હોવા ઉપરાંત સંઘ સાથે પણ તેઓ ઘરોબો ધરાવતાં હોવાની રાજ્યના નવા મુખ્ય પ્રધાન પદની ધૂરા તેમને સુપરત કરાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

એક પણ પટેલ મુખ્ય પ્રધાને પાંચ વર્ષ પુરા કર્યા નથી
• ચીમનભાઈ પટેલઃ ૧૯૭૪માં સાડા ચાર મહિનામાં જ મોંઘવારીના નવનિર્માણ આંદોલન અને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સત્તા છોડવી પડી હતી.
• બાબુભાઈ પટેલઃ ૧૯૭૬ સુધીના નવ મહિના જનતા મોરચામાં ચૂંટાઈને મુખ્ય પ્રધાન રહ્યાં. જોકે કટોકટીના કારણે તેમનું રાજીનામું લઈ લેવાયું હતું.
• બાબુભાઈ પટેલઃ ૧૯૭૭-૮૭માં ફરીથી જનતા પક્ષમાં ચૂંટાઈને મુખ્ય પ્રધાન બન્યા, પણ ત્રણ વર્ષમાં મોરચા પક્ષોએ ટેકો ખેંચી લીધો. સરકારનું પતન.
• ચીમનભાઈ પટેલઃ ૧૯૯૦માં ફરીથી ચૂંટાઈને સત્તા પર આવ્યા અને ૧૯૯૪માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
• કેશુભાઈ પટેલઃ ૧૯૯૬માં ભાજપની પ્રથમ સરકાર બની અને શંકરસિંહ વાઘેલાએ ખજૂરિયા-હજૂરિયાથી સરકાર તોડી.
• કેશુભાઈ પટેલઃ ૧૯૯૮માં ફરીથી જંગી બહુમતીથી ચૂંટાયા પણ આંતરિક ખટપટ અને ભૂકંપના કારણે સત્તા ગુમાવી.


comments powered by Disqus