નવા મુખ્ય પ્રધાન સામેના પડકારો: પાટીદારો, દલિતો, કોંગ્રેસ, ‘આપ’ અને જૂથબંધી

Wednesday 03rd August 2016 06:35 EDT
 
 

ગાંધીનગરઃ આનંદીબહેનના રાજીનામાનો સ્વીકાર કરાયા બાદ રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એ તો અત્યારે માત્ર અનુમાન અને ચર્ચાનો જ વિષય છે. પરંતુ હાલની સ્થિતિએ રાજ્યની રાજકીય સ્થિતિ જે રીતે કરવટ બદલી ચૂકી છે તે જોતાં એમ ચોક્કસ કહી શકાય કે નવા મુખ્ય પ્રધાન માટે રાજ્યના વિકાસનો માર્ગ અને સત્તાધારી ભાજપને પુનઃ ધમધમતું કરવાનું કામ સરળ તો નહીં જ હોય.
પાટીદારો તો નારાજ હતા જ, હવે દલિતો પણ અકળાયા છે. મોંઘવારીથી સામાન્ય પ્રજા પણ પરેશાન છે. રાજ્યમાં વરસાદ ખેંચાયો છે, વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે. ખેડૂતોની પણ મુશ્કેલીઓ ઓછી નથી. વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય વગ પણ ધીમી ગતિએ પણ મક્કમતાપૂર્વક વધી રહી છે. નવા મુખ્ય પ્રધાન માટે સૌથી મોટો પડકાર તો ભાજપની આંતરિક જૂથબંધીમાંથી ઉભો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
આનંદીબહેને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર તેમના અધ્યક્ષ અમિત શાહને પહોંચતો કર્યો છે. જેમાં ૭૫ વર્ષની વય-મર્યાદાનો ઉલ્લેખ કરાયો છે, પણ ખરેખર તો બહેને નારાજ થઈને મુખ્ય પ્રધાન પદે છોડવાનો નિર્ણય લીધો છે તે વાત હવે છૂપી રહી નથી.
આનંદીબહેન પટેલ અને અમિત શાહ વચ્ચેનો રાજકીય જંગ પણ ભાજપમાં જગજાહેર છે. રાજ્યમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલનના મંડાણ થયા તે વખતથી જ જાણે આ પ્રશ્ન કે સમસ્યા માત્ર મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને જ હલ કરવાની છે તેવો માહોલ ઊભો કરાયો હતો.
પક્ષમાં ૨૦-૨૦ હોદ્દાદારો પાટીદાર, પાંચ-સાત પ્રધાનો પાટીદાર હોવા છતાં આંદોલન ઉપર કાબૂ ન મેળવી શકાયો. દૂરથી જોનારાને પણ વર્તાતું હતું કે, બહેનને એકલા પાડી દેવામાં આવ્યા છે. સંગઠન કક્ષાએથી જાણે હાથ ખંખેરી લેવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ દરમિયાન જ ઉનામાં દલિતો ઉપર અત્યારચારનો મુદ્દો ચગ્યો છે. મુદ્દો સામાન્ય નથી. તે દિવસેને દિવસે વધુ જલદ બનતો જાય છે. તેના પડઘા દેશવ્યાપી પડ્યાં છે.
ગુજરાતમાં ૧૯૯૫થી વચ્ચેના અમુક મહિનાઓને બાદ કરતાં સતત ભાજપનું શાસન છે. જેમાં આ વખતે પ્રથમવાર શાસન-વિરોધી માહોલ (એન્ટી-ઈન્કમબન્સી) જોવા મળી રહી છે. લોકોમાં એક નહીં, અનેક મુદ્દે રીતસર રોષની લાગણી છે. આગામી ૧૭ મહિનામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની નજર હવે, ગુજરાત ઉપર પડી ચૂકી છે. તેમની ગુજરાત મુલાકાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ખડો કરી દીધો છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પણ હવે આગામી દિવસોમાં તેમની ગુજરાત-મુલાકાતો વધારશે. આમ આગામી દિવસોમાં ભાજપની આંતરિક જૂથબંધીના આકરા માહોલ વચ્ચે વિરોધ પક્ષો તરફથી પણ મોટા પડકારો મળવાના છે.


comments powered by Disqus