બહેનની મુખ્ય પ્રધાન પદેથી વિદાયના છ મુખ્ય કારણો

Wednesday 03rd August 2016 06:14 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન પદેથી સવા બે વર્ષના કાર્યકાળ દરમિયાન જ આનંદીબહેન પટેલે રાજીનામું આપવાની ઇચ્છા જાહેર કરી છે તેની પાછળ પાંચ મુખ્ય કારણ જવાબદાર મનાય છે.
• સાથી પ્રધાનોની અવગણનાઃ મહત્વના વિભાગોમાં સમિતિઓની રચના કરવામાં આવે, પરંતુ તેમાં સંબંધિત પ્રધાનને જ સભ્ય બનાવવાથી દૂર રખાયા. ઉદાહરણ તરીકે નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના પ્રધાન સૌરભ પટેલના શીરે ઔદ્યોગિક વિકાસની જવાબદારી પણ છે, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ માટે રચાયેલી કમિટીમાં એમને જ સ્થાન આપવામાં આવ્યું નથી. આવા એકથી વધુ ઉદાહરણ છે. સિનિયર સભ્યોની સતત અવગણનાથી નારાજગી અને અસંતોષનો માહોલ ઊભો થયો.
• બધું સ્વહસ્તકઃ ગૃહ વિભાગ, ઉદ્યોગ, મહેસૂલ તેમજ શહેરી વિકાસ વિભાગ જેવા મહત્વના ખાતાઓ સાથીઓને સોંપીને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાને બદલે મુખ્ય પ્રધાન આનંદીબહેને આ તમામ વિભાગ પોતાની પાસે રાખ્યા હતા. આને લીધે અનેક નિર્ણયોમાં વિલંબ થયો અને છેલ્લે અધિકારીઓ, પરિવારના સભ્યોની દખલગીરીથી બારોબાર નિર્ણયો લેવાયા. આને કારણે અધિકારીઓને ફાવતું
જડી ગયું.
• એકલપંડે નિર્ણયઃ આગામી ૧૫ ઓગસ્ટથી ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત નાણાં વિભાગ, માર્ગ મકાન વિભાગ કે પરિવહન વિભાગ સાથે કે કેબિનેટમાં સાથીઓ સાથે ચર્ચા વગર જ કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે. આને કારણે જંગી આર્થિક બોજો સરકારી તિજોરી પર પડી શકે છે. આ અંગે એકેય ફાઇલ પર નોટિંગ કે નિર્ણય, સહી નથી. આ જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની જાહેરાત તેમણે એકહથ્થુ રીતે કરી હોવાનું મનાય છે. જેમાં એરિયર્સથી માંડીને બાકીના ભથ્થાં જેવા મુદ્દા અંગે અનિર્ણાયક્તા નાણાં વિભાગને સૌથી મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. ટોલ ટેક્સ તથા પગાર પંચ એ ચૂંટણી વેળાએ જ રાજ્યની આર્થિક સ્થિતિને નાજુક બનાવી શકે છે.
• જમીન સોદામાં ભ્રષ્ટાચારઃ ભાજપના વિવાદાસ્પદ ધારાસભ્ય નલિન કોટડિયાએ પ્રદેશ ખજાનચી અને ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ સાથેના ટેલિફોનિક સંવાદની ઓડિયો ટેપ જાહેર કરી હતી. જેમાં આનંદીબહેને અમદાવાદની એક જમીનના હેતુફેરમાં પાંચ કરોડ રૂપિયાના ફંડની લેતીદેતીથી ભાજપ-મુખ્ય પ્રધાનની આબરૂનું ધોવાણ થયુ હોવાનું કોર કમિટીએ સ્વીકાર્યું હતું.
• ચૂંટણીઓમાં પરાજયઃ વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર રોકવામાં નિષ્ફળ આનંદીબહેને પાલિકા-પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનું ઠીકરું કાર્યકરોના શીરે ફોડ્યું હતું. તેમણે કાર્યકરોને કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ તેમજ ભ્રષ્ટાચારને લીધે હારી ગયાનું કહેતાં કાર્યકરો સખ્ત નારાજ થઇ ગયા હતા.
• પરિવારની દખલગીરીઃ મુખ્ય પ્રધાનના પરિવારના કેટલાક સભ્યો ચોક્કસ પ્રકારની ફાઇલોમાં સીધી વહીવટી તંત્રને સૂચના આપતા હતા. આ પરિવારજનો કયારેક પોતાના નિવાસસ્થાને તો ક્યારેક અન્યત્ર વરિષ્ઠ અધિકારીઓને બોલાવીને બારોબાર સૂચના અપાતી હોવાની ઘટનાએ વહીવટી તંત્રનું મોરલ ડાઉન કરી દીધું હતું.


comments powered by Disqus