આણંદઃ અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં રહેતા અને સ્ટોર ધરાવતા આણંદ જિલ્લાના ઉમરેઠના યુવાનની બે અશ્વેત શખસો દ્વારા લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી નંખાતા ચરોતરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બીજી તરફ, અમેરિકામાં ગુજરાતીઓ અને સવિશેષ તો ચરોતરના વતનીઓને નિશાન બનાવીને લૂંટફાટ અને હત્યાની એક પછી એક ઘટનાઓ બની રહી હોવાથી ગુજરાતી સમુદાયમાં રોષની લાગણી ફરી વળી છે.
ઉમરેઠના મિતેશભાઈ વિનુભાઈ પટેલ (૩૩) ૨૦૦૨ની સાલમાં અમેરિકા ગયા હતા અને સાઉથ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં સ્થાયી થયા હતા. પત્ની ભાવિકા અને ત્રણ વર્ષની પુત્રી વ્રિશા સાથે રહેતા મિતેશભાઈ ૨૯ જાન્યુઆરીએ રાત્રિના સુમારે શાન બર્નાડીનોમાં આવેલો પોતાનો સ્ટોર બંધ કરી રહ્યા હતા તે સમયે બે અજાણ્યા અશ્વેત શખ્સો સ્ટોર પર ધસી આવ્યા હતા અને નાણાની માંગણી કરી હતી.
મિતેશભાઈએ તેમને નાણા તો આપી દીધા, પરંતુ આ જ સમયે સ્ટોરમાં કામ કરતાં તેમના અન્ય એક સંબંધી બાથરૂમમાં ગયા હતા તે બહાર નીકળ્યા હતા. આથી બંને અશ્વેત શખસોને એમ લાગ્યું હતું કે અમારી પર હુમલો થશે. આમ ડરી જઇને તેઓએ અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મિતેશભાઈ પટેલને સારવાર માટે તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
ઉમરેઠ ખાતે રહેતા તેમના મોટા ભાઈ હેતલભાઈ વિનુભાઈ પટેલ અને તેમના સગાસંબંધીઓએ જણાવ્યા મુજબ મિતેશભાઈ પટેલના ચકલાસીના ભાવિકાબેન સાથે લગ્ન થયા હતા. મિતેશભાઇ પત્ની અને પુત્રી સાથે લોસ એન્જલસમાં રહેતા હતા અને શાન બર્નાડીનો ખાતે સ્ટોર ચલાવીને જીવનનિર્વાહ ચલાવતા હતા.
મિતેશભાઈ પટેલના પિતા વિનુભાઈ ગોરધનભાઈ પટેલ અને ભાઈ હેતલભાઈ પટેલ ઉમરેઠમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ પણ પુત્ર મિતેશ સાથે કેલિફોર્નિયામાં રહેતા હતા, પરંતુ બે મહિના પહેલા જ તેઓ ભારત પરત આવ્યા હતા.
મિતેશ પટેલની અમેરિકામાં થયેલી હત્યાના સમાચાર તેમના સગાસંબંધીઓ અને મિત્ર વર્તુળને મળતાં ઉમરેઠ સ્થિત મિતેશ પટેલના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા.

