વડોદરાઃ પેન્સિલવેનિયામાં સાઉથ એબિંગટન ટાઉન નજીક સ્ટેટ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરા નજીક અમરેશ્વર ગામના યુવા દંપતી સહિત ૪ ગુજરાતીના મૃત્યુ થયા છે. સ્ટેટ હાઇવે પર પુરઝડપે રોંગ સાઇડમાં આવેલી એક કારે ગુજરાતીઓની કારને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ભાવેશભાઇ સ્ક્રેન્ટ ટાઉનમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરનો વહિવટ પણ સંભાળતા હતા.
વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાનાં અમરેશ્વરના વતની ભાવેશભાઇ એમ. પટેલ ૧૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને સાઉથ એબિંગટન ટાઉન નજીક આવેલી એક પેકેજીંગ કંપનીમાં જોબ કરે છે. ચાર વર્ષ પહેલા તેઓના લગ્ન થયા હતા અને લગ્ન બાદ તેમના પત્ની શિલ્પાબેન પણ અમેરિકા જઇને તેમની જ કંપનીમાં જોડાયા હતા.
૨૨ જાન્યુઆરીએ રાત્રે કંપની પરથી ફરજ પુરી કરીને ભાવેશભાઇ અને શિલ્પાબેન ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હોન્ડા કારમાં કંપનીમાં જ સાથે ફરજ બજાવતા ૬૮ વર્ષના વિનોદભાઇ મથુરભાઇ પટેલ (વતનઃ ખાખરીયા, તાલુકોઃ સાવલી-વડોદરા), ૩૦ વર્ષની કોમલ રાવલ (વતનઃ આણંદ) અને શિલ્પાબેન ભરતભાઇ પટેલ (વતનઃ સારસા) પણ મુસાફરી કરી રહ્યા હતાં.
આ પાંચ ગુજરાતીઓ પેન્સિલવેનિયાના એક જ વિસ્તરમાં રહેતા હતાં અને એક જ કંપનીમાં કામ કરતા હતા. તેમજ ક્રેન્ટના સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા હરિભક્તો હતાં એટલે કંપનીમા જવા આવવા માટે એક જ કારનો ઉપયોગ કરતા હતાં. તેઓ એબિંગટન ટાઉન પાસે સ્ટેટ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ સામેથી રોંગ સાઇડમાં ધસી આવેલી એક કારે તેમની કારને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં વિનોદભાઇ મથુરભાઇ પટેલ, શિલ્પાબેન ભાવેશભાઇ પટેલ અને કોમલ રાવલનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે કાર ચલાવી રહેલા ભાવેશભાઇ પટેલનું બે દિવસ બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સારસાના શિલ્પાબેન ભરતભાઇ પટેલ હાલમાં સારવાર હેઠળ છે.
માસુમ ભૂલકાં અનાથ
સાઉથ ઓબિંગટન ટાઉન નજીક સ્ટેટ હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માત ઘટનાની કરુણતા એ છે કે રોંગસાઇડ ધસી આવેલી કારે ૪ જણને કાળનો કોળીયો તો બનાવી દેવાની સાથે બે બાળકોને અનાથ બનાવી દીધા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વાઘોડિયાના દંપતી ભાવેશભાઇ અને શિલ્પાબેને સંતાનમાં ત્રણ વર્ષનો એક પુત્ર અને ૪ માસની પુત્રી એક છે. માતા-પિતા બન્નેના મોત થતાં બન્ને બાળકો અનાથ થઇ ગયા છે.
અકસ્માતમાં માર્યા ગયેલા ચારેય ગુજરાતીઓના શનિવારે સ્ક્રેન્ટ વિસ્તારમાં આવેલા ચિપક ફ્યુનરલ હોમમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યા આશરે ૫૦૦થી વધુ ભારતીયોએ અંતિમવિધિમા હાજરી આપી હતી.
આરોપીની ધરપકડ
પોલીસે રોંગસાઇડ પર કાર લઇને ધસી આવેલા ડ્રાઇવરની ધરપકડ કરી છે. કાર ચાલક યુવકની જેનેડી મેનએન્નિકોવ તરીકે ઓળખ કરવામાં આવી છે. તેની સાથે કારમાં ૩૨ વર્ષની મહિલા એશલે વ્હિલર પણ સફર કરી રહી હતી તેનું પણ આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયુ હતું. યુવકે દારૂનો નશો કર્યો હતો અને નશાની હાલતમાં જ કાર ચલાવી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી હતી કે સ્ટેટ હાઇવે પર કાર રોંગસાઇડ પર કઇ રીતે અને ક્યા પોઇન્ટ પરથી ઘુસી ગઇ. અકસ્માતમાં ૪ હરિભક્તોના મૃત્યુની ઘટનાથી વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો શોકમા ડુબી ગયા છે.

