સાત કલશ રખ દોઃ ભારતમાં શ્રેણીબદ્ધ હુમલા માટે આ હતો જેહાદ્દીઓનો કોડવર્ડ

ભારતમાં શ્રેણીબદ્ધ હુમલા માટે આ હતો જેહાદ્દીઓનો કોડવર્ડ

Wednesday 03rd February 2016 04:58 EST
 
ભારતની સુરક્ષા એજન્સીઓએ પ્રજાસત્તાક દિન પૂર્વે વિવિધ રાજ્યોમાં દરોડા પાડીને આઇએસ જેહાદ્દીઓના સૌથી મોટા નેટવર્કને પર્દાફાશ કર્યો છે.
 

નવી દિલ્હી, કાબુલઃ વિશ્વભરમાં આતંક અને ખોફનો પર્યાય બની ગયેલું કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) ક્યારેય દેશમાં પગપેસારો કરી શકશે નહીં તેવો દાવો કરનાર ભારત સરકારની ઊંઘ હરામ થઇ જાય તેવા સમાચાર ચોમેરથી મળી રહ્યા છે.
ટોચની તપાસનીશ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે આઇએસના ૧૪ જેહાદ્દીઓને ઝબ્બે કરીને શ્રેણીબદ્ધ હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. બીજી તરફ, આઇએસએ તેના બદઇરાદા પાર પાડવા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે જોડાણ કર્યાના અહેવાલ છે. ત્રીજી તરફ, આઇએસએ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે હાથ મિલાવી આ પ્રદેશ પર કબ્જો કરવાની ધમકી ઉચ્ચારી છે. તો એક અન્ય અહેવાલમાં આતંકવાદીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આત્મઘાતી હુમલો કરવા માટે માસુમ બાળકોનો ઉપયોગ કરી શકે છે તેવી આશંકા વ્યક્ત થઇ છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે જ વિવિધ રાજ્યોમાં પવનવેગી તપાસ કરીને ૨૦ શકમંદોની અટકાયત કરી હતી. જેમાંથી ૧૪ વિરુદ્ધ આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હોવાના પુરાવા મળતા એની ધરપકડ કરાઇ છે. આઇએસની વિચારધારાના સમર્થક એવા જનુદ-ઉલ-ખલીફા-એ-હિન્દ સંગઠનના આ સભ્યો દેશમાં આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં હતા. તપાસમાં ખૂલ્યું છે કે તે આતંકવાદી સંગઠન છે.
ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ કર્યાનો દાવો કરતાં એનઆઇએએ જણાવ્યું હતું કે આ લોકો પાસેથી વિસ્ફોટકો સહિતની સામગ્રી જપ્ત કરાઇ છે અને વધુ પૂછપરછ માટે બધાને દિલ્હી લાવવામાં આવ્યા છે. આતંકીઓએ ભારતમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરવા માટે ‘સાત કલશ રખ દો’ કોડવર્ડ નક્કી કર્યો હતો.
‘સાત કલશ રખ દો’
ભારતમાંથી પકડાયેલા જેહાદીઓ વિશે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (સીઆઇએ) દ્વારા ભારતની એનઆઇએને મહત્વપૂર્ણ માહિતી અપાઇ હતી. આ માહિતીના આધારે ભારતીય સુરક્ષા તંત્રને દેશભરમાં મોટા પાયે થનારા આતંકી હુમલાઓ ખાળવામાં સફળતા મળી છે. ધરપકડ કરાયેલા તમામ આતંકવાદીઓ ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતા હતા. આઈએસનું ભારતમાં આટલું મોટું નેટવર્ક ફેલાયેલું છે એ પહેલી વખત બહાર આવ્યું છે.
આ શકમંદો એકમેક સાથે ચોક્કસ કોડમાં વાતચીત કરતા હતા. એ કોડ હતો - સાત કલશ રખ દો. આ કોડમાં સીઆઈએને કશુંક રહસ્યમય લાગ્યું એટલે તેમણે ભારતીય એજન્સીને સાવચેત કરી હતી. તપાસ પછી જાણવા મળ્યું છે કે સાત કલશ રખ દોનો મતલબ દેશમાં સાત સ્થળોએ એકસાથે ત્રાટકવાનો આતંકીઓનો મનસૂબો હતો.
પ્રજાસત્તાક પર્વની સુરક્ષા સંદર્ભે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવલ ખુદ મોનિટરિંગ કરી રહ્યા હતા અને ગણતંત્ર દિવસે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા તંત્રને સાબદું કરવામાં આવ્યું હતું.
એનઆઇએની પૂછપરછ દરમિયાન આ આતંકવાદીઓએ ખુલાસો કર્યો છે કે ઇસ્લામિક સ્ટેટ ઇરાકની જેમ ભારતમાં પણ શરિયા કાયદો લાગુ કરવાનો મનસૂબો ધરાવે છે.
ગણતંત્ર દિવસે ભારતના વિશેષ મહેમાન બનીને આવનારા ફ્રાન્સના પ્રમુખ ફાંસ્વા ઓલાન્દેની સુરક્ષા માટે પણ ભારત ઉપરાંત અમેરિકા અન ફ્રાન્સ સહિત વિવિધ દેશોની ગુપ્તચર એજન્સીઓ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી રહી હતી.
૨૩ ભારતીયો આઇએસ સાથે જોડાયેલા છે
ભારતની ટોચની ગુપ્તચર સંસ્થાઓની તપાસમાં બહાર આવ્યું છે તેમ અત્યાર સુધીમાં ૨૩ જેટલા ભારતીયો એક યા બીજા માર્ગે સિરિયા પહોંચીને આઇએસમાં જોડાયા છે.
આમાંથી ૬ જણ ઇરાક અને સિરિયામાં સુરક્ષા દળો દ્વારા થયેલી કાર્યવાહીમાં માર્યા ગયા છે. આમ છતાં હાલ આઇએસમાં જોડાઇને તેના વિવિધ મોર્ચે લડી રહેલા યુવાનોમાં મુંબઇના કલ્યાણ મુંબ્રાના બે, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલો એેક કાશ્મીરી યુવાન, તેલંગણ અને કર્ણાટકના એક-એક યુવાન તેમ જ ઓમાન અને સિંગાપોરમાં સ્થાયી થયેલા એક-એક ભારતીય યુવાનનો સમાવેશ થાય છે.
આઇએસનું પાકિસ્તાની આઇએસઆઇ સાથે ગઠબંધન
આતંકનો પર્યાય બની રહેલા આતંકવાદી સગંઠન આઇએસના વડા અબુ બક્ર અલ બગદાદીએ ભારત વિરુદ્ધ જેહાદ છેડવાનું એલાન કર્યા બાદ દેશમાં આતંકવાદી હુમલા થવાની આશંકા વધી ગઈ છે. તો બીજી તરફ, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ પણ ભારતમાં આતંક મચાવવાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે.
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ઇસ્લામિક સ્ટેટે હવે ભારતના દુશ્મન નંબર વન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે હાથ મિલાવ્યા છે.
કેટલાક મહિનાઓ પહેલા ભારત સરકારને પણ આ ખતરાનો અંદાજ નહોતો. હવે ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઈ સાથે ગઠબંધન કરીને ભારત પર નિશાન સાધવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશના વિવિધ વિસ્તારોમાંથી આતંકવાદના જે મોડયૂલનો ભાંડાફોડ થયો છે તેના સભ્યો સતત ઇસ્લામિક સ્ટેટના ખૂંખાર નેતા અબુ બક્ર અલ બગદાદીની નિકટ ગણાતા લોકોના સંપર્કમાં હતા અને તેમને ૬૭મા પ્રજાસત્તાક દિન પૂર્વે જ મહત્ત્વપૂર્ણ સ્થળોએ વિસ્ફોટ કરવાના નિર્દેશ મળ્યા હતા.
‘ગાય પૂજનારાને મારીને કાશ્મીર પર કબજો કરશું’
ઇસ્લામિક સ્ટેટે તેના પ્રોપેગેન્ડા મેગેઝિન 'દાબિક'માં કાશ્મીર પર કબજો જમાવવાની ધમકી આપી છે. મેગેઝિનમાં જણાવાયું છે કે, આઈએસ કાશ્મીર પર કબજો જમાવશે અને ગાયની પૂજા કરનારા હિંદુઓને ખતમ કરી નાખશે.
મેગેઝિનની ૧૩મી આવૃત્તિમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન રિજનના કમાન્ડર હાફિઝ સઈદ ખાને ધમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, 'ઇતિહાસ સાક્ષી છે કે, આ વિસ્તારમાં મુસલમાનોનું શાસન રહ્યું છે, પરંતુ અહીયાં હવે ગાયની પૂજા કરનારા હિંદુ અને નાસ્તિક ચીનાઓ રહેવા લાગ્યા છે. આ હિંદુઓ અને કાફિર મુસ્લિમોને ખતમ કરવા અને ખલીફાનાં શાસનને આગળ વધારવા આઇએસ તૈયારી કરી રહ્યું છે.'
હાફિઝ સઇદ ખાને અફઘાનિસ્તાન-પાકિસ્તાનના પાંચ એડમિનિસ્ટ્રેટિવ રિજન્સ પર આઇએસનો કબજો હોવાનો દાવો કર્યો છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે કાશ્મીરમાં સક્રિય કેટલાક આતંકવાદીઓએ આઇએસ સાથે જોડાણ કરવાના શપથ લીધા છે.
બાળકો દ્વારા આત્મઘાતી હુમલાનો ખતરો
વડા પ્રધાન નેરન્દ્ર મોદી ગયા સ્વતંત્ર દિન પર્વે સુરક્ષા કવચ અને પ્રોટોકોલ તોડીને બાળકોને મળવા તેમની પહોંચી ગયા હતા. આ પ્રકારની ઘટનાનો આતંકવાદીઓ ગેરલાભ ઉઠાવી શકે છે તે ધ્યાને આવતા દેશની ટોચની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ વર્ષે પ્રજાસત્તાક દિન પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે એક એલર્ટ જારી કર્યો હતો.
સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, અમને શંકા છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આ ગણતંત્ર દિવસે મોદી પર હુમલો કરવા માટે બાળકોનો સહારો લઈ શકે છે.
વડા પ્રધાનની સુરક્ષા માટે તૈનાત એસપીજીને પણ એવી જ ચિંતા છે કે, આઈએસ ઉપરાંત અન્ય આતંકવાદી સંગઠનો આત્મઘાતી હુમલા માટે બાળકો અને કિશોરોને તાલીમ આપી રહ્યા છે.


comments powered by Disqus