કચરામાંથી અધધધ કમાણી!

કાઉન્સિલોએ પાંચ વર્ષમાં પેનલ્ટી પેટે ૨૦ મિલિયન પાઉન્ડ વસૂલ્યા

Tuesday 03rd May 2016 13:50 EDT
 
 

લંડનઃ આડેધડ ફેંકાતા કચરા પરની પેનલ્ટી યુકેની કાઉન્સિલો માટે તગડી આવકનો મહત્ત્વનો સ્રોત બની ગઈ છે. બજેટ્સમાં ભારે કાપનો શિકાર બનેલી દેશની કાઉન્સિલોએ કચરાની પેનલ્ટીમાંથી ૨૦૧૦માં વાર્ષિક ૨.૧ મિલિયન પાઉન્ડની આવક રળી હતી, જે આંકડો ૨૦૧૫માં વધીને ૪.૯ મિલિયન પાઉન્ડ થયો હતો.
એક અંદાજ પ્રમાણે કચરાના ઢગલાએ કાઉન્સિલોને છેલ્લા પાંચ વર્ષમાં જ કચરામાંથી ૨૦ મિલિયન પાઉન્ડથી વધુની આવક રળી આપી છે. વાત અહીં પૂરી નથી થતી. કાઉન્સિલની આ આવકમાં હજુ જંગી વધારો થવાની આશા છે કારણ કે કચરો ગમે ત્યાં નાખવા બદલ કરાતા દંડની લઘુતમ રકમ ૫૦ પાઉન્ડથી વધારીને બમણી એટલે કે ૧૦૦ પાઉન્ડ કરવામાં આવનાર છે.
ફ્રિડમ ઓફ ઈન્ફોર્મેશન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે ઈસ્યુ કરાયેલી ૧૧૫,૦૦૦ ફિક્સ્ડ પેનલ્ટી નોટિસની સરખામણીએ ૨૦૧૦માં સમગ્ર દેશમાં ૪૮,૦૦૦ ફાઈન્સ નોટિસ જારી કરવામાં આવી હતી. દર કલાકે નવ નોટિસના હિસાબે ૨૦૧૫ સુધીમાં કાઉન્સિલો દ્વારા ૪૭૭,૯૫૭ ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. જોકે, કેટલી નોટિસોના નાણા હજુ ચુકવાયા નથી અને કેટલી નોટિસ સામે અપીલ થઈ છે, તેની માહિતી આપવામાં આવી નથી.
સ્થાનિક કાઉન્સિલો દ્વારા દોષિતો પાસેથી દંડની રકમ તરીકે ૫૦થી ૮૦ પાઉન્ડ વસુલવા નક્કી કરાયું છે. જોકે, ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્ન્મેન્ટ દ્વારા ૧૫૦ પાઉન્ડની ઊંચી રકમ વસુલવા ભલામણ કરાવાની ધારણા છે. ‘ધ સન્ડે ટાઈમ્સ’ના રિપોર્ટ અનુસાર, પહેલી જાન્યુઆરી, ૨૦૧૦થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ વચ્ચે કાઉન્સિલોએ ૧૯,૮૦૬,૯૪૯ પાઉન્ડ કચરાની પેનલ્ટી પેટે વસુલ્યાં હતાં.


comments powered by Disqus