નરેન્દ્ર મોદીનો લંડનમાં વસવાટ

Tuesday 03rd May 2016 13:47 EDT
 
 

લંડનઃ સમાચારનું મથાળું વાંચીને ચોંકી ગયા?! વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં સાચી છે, પણ જરાક જુદી રીતે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સ સ્ટેચ્યુનું મેડમ તુસોડ્સ મ્યુઝિયમમાં અાગમન થઇ ગયું છે. વિશ્વના ટોચના નેતાઓની સાથે તેમને સ્થાન અપાયું છે. ૧.૫ લાખ પાઉન્ડના ખર્ચે બનેલા આ સ્ટેચ્યુને તૈયાર કરવામાં ચાર માસ લાગ્યા છે.
વીતેલા પખવાડિયે દિલ્હીમાં નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુમાં કેટલાક સુધારાવધારા સૂચવાયા હતા. આ ફેરફારો થયા બાદ સ્ટેચ્યુને લંડન લાવીને વિશ્વના લોકપ્રિય નેતાઓ વડા પ્રધાન ડેવિડ કેમરન, અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, જર્મનીના એન્જેલા મર્કેલ, ફ્રાન્સના ફ્રાન્કોઇસ ઓલાન્દ સાથે પ્રદર્શિત કરાયું છે. આ જ હરોળમાં મહાત્મા ગાંધી અને વિન્સટન ચર્ચિલ જેવા મહાન નેતાઓના સ્ટેચ્યુ પણ છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુની બનાવટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉંડાણપૂર્વક રસ લીધો હતો. તેમણે સૂચવ્યા પ્રમાણે સ્ટેચ્યુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા પછી તેઓ ખૂબ જ ખુશ થયા હતાં.
મેડમ તુસોડ્સ મ્યુઝિયમ - લંડનના જનરલ મેનેજર એડવર્ડ ફુલેરે જણાવ્યું હતું કે અમને આનંદ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહમાં સ્ટેચ્યુ જોયું હતું. લંડનના મેડમ તુસોડ્સ મ્યુઝિયમમાં તેમના સ્ટેચ્યુનું અમે સ્વાગત કરીએ છીએ.
મોદીનું સ્ટેચ્યુ કુર્તા અને જેકેટમાં સજ્જ છે. મોદી બે હાથ જોડીને નમસ્કારની લાક્ષણિક મુદ્રામાં જોવા મળે છે. સિંગાપોર, હોંગકોંગ ને બેંગકોકના મેડમ તુસોડ્સ મ્યુઝિયમોમાં પણ મોદીના વેક્સ સ્ટેચ્યૂ મૂકાશે.


comments powered by Disqus