લંડનઃ BHSને ૧ પાઉન્ડમાં ખરીદનાર ૪૯ વર્ષીય ડોમિનિક ચેપલે જ્યારે તેના પિતા સાથે મળીને પ્રોપર્ટી બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે તેની સામે નાદારીની કાર્યવાહી ચાલતી હતી. જોકે, ૨૪ મિલિયન પાઉન્ડના દેવાને લીધે પાછળથી તેનો પ્રોપર્ટી બિઝનેસ પડી ભાંગ્યો હતો. કંપની કાયદા મુજબ વ્યક્તિ નાદારીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેને લિમિટેડ કંપનીના કોઈપણ કામકાજમાં સામેલ રાખવા પર પ્રતિબંધ હોવા છતાં ચેપલે આઈલેન્ડ હાર્બર હોલ્ડિંગ્સ લિમિટેડમાં છ મહિના સુધી કંપની સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.
ચેપલે નવેમ્બર ૨૦૦૫માં તેના પિતા જોસેફ સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ, એક મહિનામાં જ કિંગ્સ્ટન-અપોન-થેમ્સ કોર્ટે તેને અલગ દેવાં માટે નાદાર જાહેર કર્યો હતો. જૂન ૨૦૦૬ સુધી તેણે કંપની સેક્રેટરી તરીકેનો તેનો હોદ્દો છોડ્યો નહોતો.
કંપનીઝ હાઉસના મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાદારીમાંથી ૧૨ મહિના સુધી મુક્ત થઈ શકાતું નથી અને તે સમયગાળા દરમિયાન નાદાર વ્યક્તિ કોર્ટની પરવાનગી સિવાયના સંજોગોમાં કંપની ડિરેક્ટર કે કંપની સેક્રેટરી થઈ શકતી નથી. પરવાનગી વિના આમ કરનારી વ્યક્તિ કંપની એક્ટનો ભંગ કરે છે. ચેપલે ગયા વર્ષે માર્ચમાં ૧ પાઉન્ડમાં BHS ખરીદી હતી. એક મહિના બાદ તેણે અને પોલ સટને પનામામાં ગુપ્ત રીતે કંપનીની સ્થાપના કરી હતી. પહેલા તો આવી કંપની વિશે ઈનકાર કર્યા બાદ ચેપલે જણાવ્યું હતું કે તે અલગ જ બિઝનેસ ડીલ હતું, જેને BHS સાથે કોઈ નિસ્બત નહોતી.

