લંડનઃ કચ્છ લેવા પટેલ કોમ્યુનિટીએ નોર્થહોલ્ટ પરિસરને ૨૦ વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક અધિવેશનમાં ‘કચ્છ ઉત્સવ-૨૦૧૬’નું નવતર આયોજન રાજધાની લંડન ખાતે કર્યું હતું. કચ્છની કોમ્યુનિટીનો ૪૦૦ વર્ષનો ઇતિહાસ-સંસ્કૃતિ નિહાળવા કાર્ડિફ-બોલ્ટન સહિત શહેરોમાંથી જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. કચ્છની સંસ્કૃતિને તાદૃશ્ય કરતા આ ઉત્સવનો આરંભ રવિવાર, ૨૫ સપ્ટેમ્બરે કરાયો હતો, જેમાં રણ, સમુદ્ર, ડુંગરા, ભૂંગા, લગ્ન-મૃત્યુ સંસ્કાર, ગીત, સંગીત, ધર્મ સંપ્રદાય સહિત કોમ્યુનિટીની વિશિષ્ટ દિનચર્યાને આવરી લેવાઈ હતી. ઉત્સવમાં લેવા પટેલ સમુદાયની હિજરતને કેન્દ્રમાં રાખવામાં આવી હતી.
મેયર પરવેઝની ઉપસ્થિતિમાં વડીલ લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણી, ભુજ સમાજના એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ અરજણભાઇ પિંડોરિયાએ દીપ પ્રાગટયથી સવારના સત્રનો પ્રારંભ કર્યો હતો. મુખ્ય અતિથિ અરજણભાઇ પિંડોરિયાએ કોમ્યુનિટીની વર્તમાન ટીમ અને યુકેમાં વસતા ૩૫,૦૦૦ જ્ઞાતિજનોને સંબોધન કર્યું હતું. ટ્રસ્ટના મંત્રી હરજીભાઇ માધાપરિયા હાજરીમાં ભુજ સમાજ તરફથી યુ.કે. કોમ્યુનિટીને પ્રથમ વાર દાન જાહેર કરાયું હતું. નાઇરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણીએ શિક્ષણ સાથે સંસ્કારની ભાવના સાથે પત્રશુભેચ્છા પાઠવી હતી.
ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, વરિષ્ઠ સંત પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વર્તમાન કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ યુકેસ્થિત કોમ્યુનિટીની પ્રગતિ અને કચ્છી મંદિરોના સાથ-સહકારની પ્રેરણા પાઠવી હતી. માંડવી સંસ્કારધામ ગુરુકુળના સંત શાત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ સફળતા વાંચ્છી હતી. નાઇરોબી સ્વામીનારાયણ મંદિર પ્રમુખ પરબત વેકરિયા, ઉપપ્રમુખ હીરજી સિયાણી, પૂર્વ આફ્રિકા મંદિર પ્રમુખ મનજી રાઘવાણી, કમ્પાલાના આગેવાન પરબત ભીમજી સિયાણીએ ઉત્સવના વિશેષ આયોજનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. ભુજ સમાજ પ્રમુખ હરિભાઇ હાલાઇ, યુવક સંઘના મનજી પિંડોરિયા, વસંત પટેલે ભુજ જેવા જ બહુહેતુક આયોજન માટે યુ.કે.ની ‘ટીમ સમાજ’ને યશ આપ્યો હતો. પ્રારંભે અધ્યક્ષ માવજી ધનજી વેકરિયાએ યુકેસ્થિત તમામ કચ્છી મંદિરો, સત્સંગીઓ અને પ્રતિનિધિઓના નામોલ્લેખ સાથે આભાર માન્યો હતો.
રામપર, સામત્રા, નારાણપર, માધાપર કાર્યાલય, સૂરજપર, ભારાસર, સુખપર સેવા મંડળ, માંડવી સમાજ, બળદિયા સર્વોદય, માનકૂવા યૂથ એસોસિયેશન, દહીંસરા મિત્રમંડળ, કોડકી ગંગા, કેરા-કુન્દનપર કોમ્યુનિટીના મહિલા ગ્રુપે જૂના ગીત-કીર્તન રજૂ કરી સૌને ડોલાવ્યા હતા, જ્યારે ૪૦થી ૬૫ વર્ષની વયજૂથની બહેનોએ વેશભૂષાના માધ્યમથી કણબી સાડલા, કાંબી-કડલાં, વેલી-વેડલાં, બુટિયા, કાપડું જેવી પરંપરાઓ નવી પેઢી સમક્ષ રજૂ કરી હતી.
બપોરના સત્રમાં ભુજ સ્વામીનારાયણ મંદિરના વરિષ્ઠ સંત શાત્રી ધર્મચરણદાસજી સ્વામીએ આશીર્વચન સાથે જ્ઞાતિના વાર્ષિક ‘ફોરવર્ડ ટુ ગેધર’ મેગેઝિનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર (લંડન) સાયમન વુડરોફ દંપતી, કાઉન્સિલર તારીક મહેમૂદ, બિઝનેસ વિભાગના મેયર રાજન અગ્રવાલ, વિલ્સડન મંદિર પ્રમુખ મનજી હાલાઇ, પ્રેમજી હીરાણી, ટ્રસ્ટી કે. કે. જેસાણી, હેરો મંદિર પ્રમુખ વિશ્રામ માયાણી, મંત્રી કાનજી કેરાઇ, સુરેશ રાબડિયા, લાલજીભાઇ (વુલીચ), અગ્રણી શશિકાંત વેકરિયા, સંજય કારા, કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજના હીરજીભાઇ વાલજી હીરાણી (રામપર-વેકરા), ૨૫૦૦ બાળકોને શૈક્ષણિક સામગ્રીના દાતા સિગ્નીયા કંપનીના શામજીભાઇ (સેમ પટેલ), મનસુખ રાઘવાણી, સેલ્સી ડાયરેકટર અવિનાશ હીરાણી, ધીરુ વેકરિયા, વી. એમ. હીરાણી, લાલજી વરસાણી (બોલ્ટન) સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સહયોગ સુદૃઢ બનાવ્યો હતો.
સંઘબળને યશ આપી કોમ્યુનિટી મંત્રી સૂર્યકાંત વરસાણીએ સૌનો આભાર માન્યો હતો. ઉપપ્રમુખ વેલજી વેકરિયા, પૂર્વ ટ્રસ્ટી હીરૂ ભુડિયા, વિનોદ ગાજપરિયા, કિરણ પિંડોરિયા, વિનોદ હાલાઇ, રવિ પટેલ (વેબસાઇટ) સહિત વર્તમાન કમિટીના સર્વ સભ્યોએ આયોજન સંભાળ્યું હતું.
યુ.કે.ના વિલ્સડન, હેરો, સ્ટેનમોર, ઇસ્ટ લંડન, વુલીચ, કાર્ડિફ, બોલ્ટન, ઓલ્ધામ, ચોવીસીની ગામ સંસ્થાઓ તેમજ કિંગ્સબરી સ્વામી બાપા મંદિર, અબજી બાપા છતરડી હનુમાનજી ટ્રસ્ટ, નારાણપર યૂથ વિંગ, બળદિયા સર્વોદય, સેટરડે સ્કૂલ ક્રિકેટ કલબ સહિત વિવિધ જૂથોએ સરાહનીય સાથ આપ્યો હતો. શિવલાલ વેકરિયા, કિશોર નારદાણી સહિતની ટીમે સહયોગ આપ્યો હતો.
તમામ માટે નિ:શુલ્ક પ્રવેશ, પાર્કિંગ, ભોજનની વ્યવસ્થા પણ રખાઈ હતી.

