નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર હુમલો કરીને ૧૮ ભારતીય જવાનોનો જીવ લેવાનું પાકિસ્તાનને ભારે મોંઘું પડયું છે. ભારતીય સેનાએ ૨૮ સપ્ટેમ્બરે મધરાતે ૧૨.૩૦ કલાકે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને ૭ ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. પરોઢિયે ૪.૩૦ કલાક સુધી એટલે કે ૪ કલાક ચાલેલા આર્મી કમાન્ડોનાં ઓપરેશનમાં ૩૮ ત્રાસવાદીને ઠાર મરાયા હતા. આ આતંકી લશ્કર-એ-તોયબા સંગઠનના હતા. ભારતીય સેનાની આ કાર્યવાહીનો પ્રતિકાર કરવાના પ્રયાસ દરમિયાન બે પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.
સરહદી ક્ષેત્રમાં તનાવ
ભારતીય સેનાના આ પગલાંથી ભારત-પાકિસ્તાન સરહદે ભારે તનાવ ફેલાયો છે. ભારતે તકેદારીનાં પગલાંરૂપે ગુજરાતના કચ્છ સહિત પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલાં પ્રદેશોમાં હાઈ એલર્ટ જાહેર કરેલ છે. પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા અપાય તો તેની સામે વળતો હુમલો કરવા સેનાને સાબદી કરાઈ છે.
ભારતના આ અણધાર્યા હુમલાથી પાકિસ્તાનની સરકાર અને પ્રજામાં ફફડાટ ફેલાઇ ગયો છે. સરહદની બન્ને તરફ સુરક્ષા દળોની હિલચાલ વધી ગઇ છે. બન્ને દેશોએ સરહદ સાથે જોડાયેલાં ગામોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરાવીને તેમને સલામત સ્થળે ખસેડ્યાં છે.
ભારતનો દાવો ફગાવતું પાકિસ્તાન
ભારતે આ પગલાંને આતંકવાદ સામેની કાર્યવાહી ગણાવતા કહ્યું હતું કે આતંકવાદીઓ ભારતના શહેરો - નગરો પર હુમલાનું ષડયંત્ર ઘડવા એકઠા થયા હોવાથી તેમનો સફાયો કરાયો છે. આ ઓપરેશન પાકિસ્તાનના સાર્વભૌમત્વ કે સેના પરનો હુમલો નહોતો. બીજી તરફ, પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇકના દાવાને ફગાવતાં કહ્યું હતું કે આવી કોઇ ઘટના બની જ નથી. ભારતીય સેનાએ પોતાની સરહદમાં રહીને જ પાકિસ્તાન તરફ ગોળીબાર કર્યો હતો, જે આ ક્ષેત્રમાં સામાન્ય ઘટના છે. પોતાના દાવાને સાચો ઠેરવવા પાકિસ્તાન મંગળવારે વિદેશી પત્રકારોને એલઓસી નજીકના ક્ષેત્રની મુલાકાતે પણ લઇ ગયું હતું.
પાંચ ટુકડી, ૧૨૫ કમાન્ડો, ૭ છાવણી
ભારતીય સેનાએ ભીમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં એલઓસીથી ૩ કિ.મી. અંદર જઈને ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય કમાન્ડો જાંબાઝ ઓપરેશન પાર પાડીને સહીસલામત પાછા ફર્યા હતા. ઓપરેશનની માહિતી આપતાં આર્મીના ડીજીએમઓ લેફ્ટ. જનરલ રણબીર સિંહે કહ્યું હતું કે ભારતે એક હેલિકોપ્ટરમાં આર્મીના પેરા કમાન્ડોની પાંચ ટુકડીને પીઓકે નજીક ઉતારી હતી. દરેક ટુકડીમાં ૨૫-૨૫ કમાન્ડો હતા. સ્પેશિયલ ફોર્સને પેરાશૂટ દ્વારા પીઓકે નજીક ઉતારાયા હતા. તેઓ એલઓસી ક્રોસ કરીને પીઓકેમાં ઘૂસ્યા હતા.
સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું?
કોઇ પણ મર્યાદિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અથવા આતંકવાદીઓને નુકસાન પહોંચાડવા માટે સૈન્ય કાર્યવાહી કરે તેને સર્જિકલ સ્ટ્રાઈક કહેવાય છે. સર્જિકલ સ્ટ્રાઇકમાં જે વિસ્તારોમાં દુશ્મનો છુપાયેલા છે તેમના સ્થાનને ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે. આ દરમિયાન ધ્યાન રાખવામાં આવે છે કે, સામાન્ય નાગરિકોને આનાથી કોઇ નુકસાન ન પહોંચે. સર્જિકલ સ્ટ્રાઇકને પાર પાડવા માટે સેનાના સ્પેશિયલ કમાન્ડોની નાની ટુકડીને મોકલવામાં આવે છે.
૩૦૦ આતંકી નાસી છૂટ્યા
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદી ફફડી ગયા છે. અહીંથી અંદાજે ૩૦૦ આતંકીઓ આતંકવાદી કેમ્પો છોડીને નાસી ગયા હોવાના અહેવાલ છે. સર્જિકલ સ્ટ્રાઇક અગાઉ પીઓકે કેમ્પોમાં ૫૦૦થી વધુ આતંકીઓ હતા. ગુપ્તચર સંસ્થાના રિપોર્ટને ટાંકીને દાવો થયો છે કે જે આતંકીઓ ભાગ્યા હોવાનો દાવો થઇ રહ્યો છે તેઓ જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન નામના આતંકી સંગઠનો સાથે સંકળાયેલા છે અને પીઓકેના મુઝફ્ફરાબાદમાં તાલિમ લઇ રહ્યા હતા.
સર્જિકલ સ્ટ્રાઈક પાછળનું ભેજું
પીઓકેમાં પહેલી જ વાર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનું સંપૂર્ણ આયોજન અને મોનિટરિંગ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત દોવલનાં નેતૃત્વમાં થયું હતું. ડોવલે જાસૂસી એજન્સીઓ તરફથી મળેલી માહિતી લશ્કરને આપી હતી. સમગ્ર ઓપરેશનનો સંપૂર્ણ વ્યૂહ ઘડી કમાન્ડોને અંકુશરેખાને પાર ઉતારાયા. દોવલ ૧૯૬૮ની કેરળ બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ છ વર્ષ પાકિસ્તાનમાં અંડરકવર એજન્ટ રહી ચૂક્યા છે. પાકિસ્તાની ઊર્દુ સહિત અનેક દેશની ભાષા જાણે છે. એનએસએ બન્યા પછી તેઓ તમામ જાસૂસી એજન્સીના વડાઓ સાથે દિવસમાં ૧૦થી વધુ વાર વાત કરે છે. તેઓ લંડન સ્થિત બ્રિટિશ હાઇ કમિશનમાં પણ મહત્ત્વના હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે.
૨૫ દેશના રાજદૂતને માહિતી
પીઓકેમાં કરેલી લશ્કરી કાર્યવાહી અંગે ભારતે અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોના રાજદૂતોને માહિતી આપી હતી. સેનાએ તેમને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ અંકુશ રેખા પાર કરીને સાત ત્રાસવાદી છાવણી પર હુમલો કર્યો હતો અને નોંધપાત્ર સંખ્યામાં ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. વિદેશ સચિવ જયશંકરે પાટનગર દિલ્હીમાં ૨૫ દેશોના રાજદૂતોને સંબોધન કરીને હુમલાની વિગતો આપી હતી તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું. વિદેશ સચિવે કહ્યું હતું કે આ એક સૈન્ય કાર્યવાહી કરતાં ય લાક્ષણિક ઓપરેશન હતું. એ જમ્મુ-કાશ્મીર સહિત ભારતના મોટા શહેરી હુમલા કરવા ત્રાસવાદીઓને તાલીમ આપતા કેમ્પ ઉડાવી દેવા કરાયું હતું.
હવે પછી અન્ય ઓપરેશન આયોજન નથી તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ભારતીય સેના કોઈ આતંકવાદીને ભારતમાં ઘૂસવા નહીં દેવા તૈયાર છે. ગૃહ પ્રધાન રાજનાથે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં પણ આ માહિતી અપાઇ હતી.
અમેરિકાના એનએસએ રાઈસે ભારતના સલામતી સલાહકાર અજીત દોવલ સાથે વાત કરીને કહ્યું હતું કે અમેરિકા પણ પાકિસ્તાન આતંકવાદ ખતમ કરે તેમ ઈચ્છે છે.
શરીફના પગતળે રેલો આવ્યો
ભારતીય સેનાની કાર્યવાહી બાદ ફફડી ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને પરસેવો છૂટી ગયો છે. તેમણે કહ્યું હતું કે, ઇસ્લામાબાદ યુદ્ધ નહીં પ્રદેશમાં શાંતિ ઇચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારનાં આક્રમણ સામે રક્ષણ કરવા પાકિસ્તાન તૈયાર છે. અમે પાકિસ્તાન પર બૂરી નજર નાખવાની કોઈને પરવાનગી આપીશું નહીં.
શરીફે પ્રધાનમંડળની બેઠકમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, ભારત એલઓસી પર ઉશ્કેરણી વિના ગોળીબાર કરી રહ્યો છે. શાંતિ પ્રત્યેની પાકિસ્તાનની પ્રતિબદ્ધતાને નબળાઈ ગણવી જોઈએ નહીં. એલઓસીનાં ઉલ્લંઘન અથવા કોઈ પણ પ્રકારનાં આક્રમણ સામે પાકિસ્તાન તેનાં લોકો અને પ્રદેશની અખંડતા જાળવવા જરૂરી પગલાં લેશે.
શરીફે જણાવ્યું હતું કે, અમારી સરકાર વિકાસ માટે પ્રદેશમાં શાંતિ ઇચ્છે છે, પરંતુ દરેક પાકિસ્તાની દેશની સુરક્ષા માટે તૈયાર છે. સમગ્ર દેશ તેની સેના સાથે ખભેખભા મિલાવીને ઊભો છે. કોઇને પાકિસ્તાન પર બૂરી નજર નાખવાની પરવાનગી નહીં અપાય. કાશ્મીરનું ગાણું ગાતાં શરીફે જણાવ્યું હતું કે, કાશ્મીર વિભાજન સમયનો વણઉકલ્યો વિવાદ છે.
ઉતાવળે મૃતદેહો દફનાવ્યાં
ઢાંકપિછોડો કરવામાં પડેલા પાકિસ્તાને પુરાવાનો નાશ કરવા ગુપ્તચર રિપોર્ટો અનુસાર સર્જિકલ સ્ટ્રાઇકનાં સ્થળ નજીક જ ૩૦થી ૭૦ આતંકવાદીઓના મૃતદેહોને દફનાવી દેવાયા છે. પુરાવાનો નાશ કરી પાકિસ્તાન સાબિત કરવા માગે છે કે, ભારત સર્જિકલ સ્ટ્રાઇક અંગે જુઠ્ઠાણું ચલાવી રહ્યો છે. પાકિસ્તાને જૈશે મોહમ્મદના આતંકી સરગણા મસૂદ અઝહરને મોં સીવી લેવા આદેશ આપ્યો છે. મસૂદ અઝહર ભારત સામે ઝેર ઓકવા માટે કુખ્યાત છે.
પાક. મીડિયાની બનાવટી ફૂટેજ
પાકિસ્તાની મીડિયાએ ભારતના આઠ સૈનિકો માર્યા ગયા અને એકને જીવતો ઝડપાયો એવા બનાવટી ફૂટેજ પ્રસારિત કરીને નેતાગીરીની વાહવાહી કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, તમામ સૈનિકો સહીસલામત પરત આવી ગયા છે. ફક્ત એક સૈનિકને ઈજા પહોંચી હતી.
હાફિઝ સઇદનો લવારો
જમાત ઉદ દાવાના આતંકી વડા હાફિઝ સઇદે ભારતના મીડિયા હાઉસ ઝી ન્યૂઝને ધમકી આપી હતી કે, દરેક ભારતીયને અમે પાઠ ભણાવીશું કે સાચી સર્જિકલ સ્ટ્રાઇક શું હોય છે. હવે પાકિસ્તાની સેના ભારતને બતાવશે કે સર્જિકલ સ્ટ્રાઇક શું હોય છે.
મોદી આખી રાત ઊંઘ્યા નહીં
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરાવીને વડા પ્રધાન મોદીએ ફરી એક વાર માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તેના આ નિર્ણયથી તમામ વિરોધ પક્ષોની બોલતી બંધ થઈ ગઇ છે. હુમલા પૂર્વે ત્રણ રાત દરમિયાન મોદી બે વાગ્યા સુધી આયોજન અંગેની મિટિંગો લીધી હતી. હુમલાની રાતે મોદીએ આંખનું એક મટકું પણ માર્યું નહોતું કે પાણીનો એક ઘૂંટડો પણ પીધો નહોતો. જ્યારે અજીત ડોવાલે વહેલી પરોઢ ૪.૩૦ વાગે ફોન કરી મોદીને ઓપરેશન સફળ થવાના અપડેટ્સ આપ્યા ત્યાર બાદ જ પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને બીજા દિવસની તૈયારીમાં લાગી ગયા.
પીએમઓ કાર્યાલય સાથે સંકળાયેલા સૂત્રો મુજબ, મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક પહેલાની ત્રણેય રાત્રે સતત બેઠકો કરી હતી. મોદી અલગ-અલગ સ્તરની મિટિંગો લેતા રહ્યા હતા, જે રાતના બે વાગ્યા સુધી ચાલતી હતી.
બારામૂલામાં બદલો લીધો?
જમ્મુ-કાશ્મીરના બારમૂલામાં રવિવારે રાત્રે ૬ આતંકવાદીઓએ ૪૬ રાષ્ટ્રીય રાઇફ્સ અને બીએસએફના કેમ્પો પર હુમલો કરતાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો અને એકને ઈજા પહોંચી હતી. ભારતીય દળોએ વળતો જવાબ આપતાં બે આતંકવાદી માર્યા ગયા હતા. બાકીના આતંકવાદી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. અહેવાલો અનુસાર હુમલા પાછળ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઈનાં સ્લીપર સેલ અથવા તો કાશ્મીર ખીણના હાજર આતંકવાદીનો હાથ હોઈ શકે છે. હુમલો ભારતની સર્જિકલ સ્ટ્રાઇકનો બદલો લેવા કરાયો હતો.
પાકિસ્તાનને પર ડબલ ફટકો
૨૮-૨૯ સપ્ટેમ્બરની મધરાત પાકિસ્તાન માટે બેવડી મુસીબત લઇને આવી હતી. ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસી ૩૮ આતંકીઓ મારી નાખ્યા હતા. તે સમયે પાકિસ્તાનની પશ્ચિમી સીમા પર ઇરાને મોર્ટાર મારો ચલાવ્યો હતો. ઇરાનના બોર્ડર ગાર્ડ્સે સીમા પારથી બલૂચિસ્તાનમાં ત્રણ મોર્ટાર છોડયા હતા. આ ઘટના પંજગુર જિલ્લાની છે જ્યાં ફાયરિંગ બાદ વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. પાકિસ્તાની ન્યૂઝ પેપર ડોન મુજબ બે ગોળા ફ્રન્ટિયર કોરની ચેકપોસ્ટ પાસે પડયા જ્યારે ત્રીજો કિલ્લી કરીમ દાદમાં પડયો હતો. મોર્ટારમારાથી જોકે, જાનમાલનું નુકસાન થયું નથી પરંતુ આ ઘટના બાદ ઇરાન-પાકિસ્તાન સરહદે તણાવ વધી ગયો છે.

