૧) ભારત જવાબ પણ આપી શકે છેઃ આ સ્ટ્રાઇક પાકિસ્તાનને સીધો જવાબ છે કે, ભારત આ રીતે પણ જવાબ આપી શકે છે, હવે તેણે વધારે સાવચેતી રાખીને ભારત સાથે વર્તન કરવું પડશે.
૨) મોદી નબળા વડા પ્રધાન નથીઃ સેનાની આ કામગીરીએ દેશનાં લોકો અને વિપક્ષોને સીધો સંદેશ આપ્યો છે કે, નરેન્દ્ર મોદી નબળા વડા પ્રધાન નથી. તેમનાં આ પગલાંને કારણે તેમનું ૫૬ ઇંચની છાતીવાળું નિવેદન હવે જુમલો નહીં બની શકે.
૩) સેનાને રાજકીય સાથ મળે તો કંઈ પણ શક્યઃ દેશનાં સંરક્ષણ માટે જવાનોને જો છૂટ આપવામાં આવે તો આજે પણ ભારતીય જવાનો સીમિત સંસાધનોમાં પણ દુશ્મન દેશોને હંફાવી દેવાની ક્ષમતા ધરાવે છે.
૪) વિશ્વમાં મોદીની છબી બદલાઈઃ અત્યાર સુધી વિશ્વમાં એવું જ ચલણ હતું કે, ચીન આતંકવાદ સામે આક્રમતાથી વર્તે છે. ભારતે કરેલી સ્ટ્રાઇકથી સાબિત થયું છે કે, હવે તે પણ સમય આવ્યે આવાં આકરાં પગલાં લઈ શકે છે. નરેન્દ્ર મોદીએ આ પગલું લેતાં જ તેમની વિશ્વ સ્તરે છબી બદલાઈ ગઈ છે. તેઓ એક સશક્ત અને મજબૂત નેતા સાબિત થયા છે.
૫) ચૂંટણીને પણ અસર કરશેઃ રાજકીય તજજ્ઞો માને છે કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ સંજોગોમાં ભાજપ તેનો રાજકીય મુદ્દો તરીકે સારી રીતે ઉપયોગ કરી શકશે. આ કામગીરી દ્વારા ભાજપની અને ખાસ કરીને મોદીની છબીમાં સુધારો થશે. ભાજપ આ મુદ્દાને ચૂંટણી સાથે જોડીને જણાવશે કે તેઓ વિકાસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પણ આક્રમકતાથી કામ કરી શકે છે.
ઘટનાક્રમઃ અંધારી રાતમાં સરહદ પાર...
• બુધવાર, ૨૮ સપ્ટેમ્બરે પાકી બાતમી મળી હતી કે અંકુશરેખા પર ત્રાસવાદીઓ ભેગા થઈને સરહદ પાર કરવા તૈયારી કરી રહ્યા છે. આ બાતમી મળતાં રાતે ૧૨ વાગે ત્રાસવાદીઓની અંકુશરેખા પાર આવેલી છાવણીને નિશાન બનાવવા સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવામાં આવ્યો.
• પેરા કમાન્ડો ફોર્સના કમાન્ડોસને રાતે ૧૨ વાગે હેલિકોપ્ટરની મદદથી અંકુશ રેખા નજીક ઉતારવામાં આવ્યા. તેમણે કોણીઓથી ઘસડતાં ઘસડાતાં અંકુશ રેખા પાર કરી.
• રાતે ૧૨.૩૦ કલાકે શરૂ થયેલું આ અભિયાન ૪ કલાક ચાલ્યું. તેમાં ૭ ત્રાસવાદી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક્સ થઈ.
• કમાન્ડોસ પાકિસ્તાનના કબજા હેઠળનાં કાશ્મીરમાં ૩ કિલોમીટર ઘૂસી ગયા, ૩૮ ત્રાસવાદી ઠાર મરાયા.
• સમગ્ર ઓપરેશનની વીડિયોગ્રાફી થઈ હતી. આ વીડિયો ફૂટેજ જાહેર કરવા કે નહીં તે અંગેનો નિર્ણય સરકાર કરશે.
• પાકિસ્તાને કહ્યું કે ભારતે અંકુશરેખા પર ભીમ્બેર, હોટસ્પ્રિંગ, કેલ અને લિપા સેક્ટરમાં હુમલો કર્યો.
• ગુરુવારે, ૨૯ સપ્ટેમ્બરે સવારે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) સુઝાન રાઈસે ભારતના એનએસએ દોવલ સાથે ફોન પર વાત કરી.
• કહેવાય છે કે ભારતીય કમાન્ડોને જવાબ આપવા પાકિસ્તાન લશ્કર સામે આવ્યું, પરંતુ કાઉન્ટર ઓપરેશનમાં પાકિસ્તાનના બે સૈનિક માર્યા ગયા. સૂરજ ઊગે તે પહેલાં તો ભારતના કમાન્ડોસ પાછા ફરી ગયા હતા.
• ભારતના ડીજીએમઓએ સર્જિકલ સ્ટ્રાઇક્સ સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકનો હેતુ માત્ર ત્રાસવાદીઓનાં મિશનને નિષ્ફળ બનાવવાનો હતો.

