લંડનઃ યુકેમાં ટિઅર-૨ વિઝા હેઠળ વસતા અને કામ કરતા પ્રોફેશનલ્સ માટે છઠ્ઠી એપ્રિલથી અમલમાં આવી રહેલો નવો કાયદો મુસીબતનો ગાળિયો બની શકે છે. નિષ્ણાતો કહે છે કે આ નિયંત્રણો દેશમાં આંત્રપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટ-અપ્સ પર વિપરીત અસર કરશે.
નવા કાયદા અનુસાર એપ્રિલ ૨૦૧૧થી ટિઅર-૨ વિઝા હેઠળ યુકે આવેલા વર્તમાન વિઝાધારકોની મુદત પૂરી થયા બાદ તેને રિન્યુ કરાવવા જતી વખતે જો તેમની કમાણી વાર્ષિક ૩૫ હજાર પાઉન્ડથી ઓછી હશે તો તેમણે સ્વદેશ પાછા ફરવાની તૈયારી રાખવી પડશે. આ લોકોને દેશનિકાલ કરાશે અને હકાલપટ્ટીનો આ પ્રથમ રાઉન્ડ સપ્ટેમ્બર ૨૦૧૬થી શરૂ થવાની શક્યતા છે. અત્યાર સુધી ટિઅર-૨ વિઝા હેઠળ રહેતા પ્રોફેશનલ્સ વાર્ષિક ૨૧ હજાર પાઉન્ડની કમાણી સાથે અનિશ્ચિત વસવાટની મંજૂરી મેળવી શકતા હતા.
છઠ્ઠી એપ્રિલથી અમલમાં આવી રહેલો નવો કાયદો અહીં વસતા હજારો ભારતીયો સહિત યુરોપિયન યુનિયન (ઇયુ) બહારના સેંકડો લોકો માટે વધુ વસવાટનું સપનું રોળી શકે છે. ટિઅર-૨ વિઝાનો નવો કાયદો ગુજરાતીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે. કાયદામાં ફેરફાર માટે ભારતીયો દ્વારા હાલમાં તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
હાલમાં કાયદાને અમલી બનતો અટકાવવા માટે ‘STOP35K’ નામથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશમાં જોડાનારા લોકો કહી રહ્યા છે કે, બિન-ઈયુ નાગરિકોને પાંચ વર્ષના લિવિંગ અને વર્કિંગ વિઝા બાદ યુકેમાં રહેવા માટે ILR (ઈન્ડેફિનિટ લિવ ટુ રિમેઈન) વિઝાની અરજીથી વંચિત રાખવા માટે તેના માપદંડોમાં ભેદભાવપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.
કંપની દ્વારા સ્પોન્સર કરાતા બિન-ઈયુ વર્કર્સને ટિઅર-૨ વિઝા અપાય છે, જેઓ પાંચ વર્ષ (નવા નિયમમાં છ વર્ષ)નો વસવાટ કરે તેણે બ્રિટનમાં ILRની લઘુતમ જરૂરિયાતો પૂર્ણ કરવી પડે અથવા ફરી પ્રવેશ માટે અરજી કરતા પહેલા ઓછામાં ઓછા ૧૨ મહિના માટે બ્રિટન છોડવું પડે છે. આ જરૂરિયાતોમાં હવે ૩૫ હજાર પાઉન્ડની લઘુતમ કમાણી, લઘુતમ રહેઠાણ, કંપની સ્પોન્સર અને ચોક્કસ કેસમાં ઈંગ્લિશ ભાષા અને યુકે કલ્ચર ટેસ્ટનો સમાવેશ થાય છે.
ગત સપ્તાહે યુએસમાં ન્યુક્લિઅર સિક્યુરિટી સમિટ વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેમરને પણ આ બાબતે ધ્યાન આપવાની તેમને હૈયાધારણ આપી હતી.

