ડીડીસીએ મામલા અંગે નાણા પ્રધાન અરુણ જેટલીને સતત નિશાન બનાવવા બદલ સાંસદ કીર્તિ આઝાદને ૨૨મી ડિસેમ્બરે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. પાર્ટીએ આઝાદને શો-કોઝ નોટિસ મોકલીને ૧૪ દિવસમાં જવાબ માગ્યો છે. બીજીબાજુ, ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા કીર્તિ આઝાદના સમર્થનમાં ઊભા થયા છે. તેમણે જણાવ્યું છે કે, કીર્તિ સામે કાર્વાહી ન થવી જોઈએ, પરંતુ જેટલીને લાલકૃષ્ણ અડવાણીની જેમ પહેલાં પોતાને નિષ્કલંક પુરવાર કરવા જોઈએ. દરમિયાન, ભાજપના અધ્યક્ષ અમિત શાહે ડીડીસીએ મામલામાં કીર્તિ આઝાદને બોલાવીને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષોમાં ખાસ કરીને આપ ડીડીસીએમાં ભ્રષ્ટાચાર અંગે જેટલીને નિશાન બનાવી રહ્યા છે ત્યારે આવા સમયે કીર્તિ આઝાદ આરોપો અંગે આગળ ન વધે, તેમ છતાં બિહારના દરભંગાથી લોકસભાના સાંસદ આઝાદે ડીડીસીએ વિવાદ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં તેમણે જેટલીનું નામ લીધું ન હતું પરંતુ નિશાન પર જેટલી જ હતા.

