પઠાણકોટ, નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં સતત ત્રણ દિવસ ઇંડિયન એરફોર્સના બેઝ સ્ટેશનને ધમરોળનાર છએ આતંકવાદીઓને ઠાર મારીને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન પૂરું કર્યું હોવાની જાહેરાત સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે કરી છે.
દિવસ-રાત ૮૦ કલાકથી પણ વધુ ચાલેલું આ ઓપરેશન ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું ત્રાસવાદવિરોધી અભિયાન મનાય છે. આ કાર્યવાહીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના લેફ્ટન્ટ કર્નલ સહિત સાત સુરક્ષા જવાનો શહીદ થયા છે. જ્યારે ૨૦થી વધુ જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત યુનાઇટેડ જેહાદી કાઉન્સિલે (યુજેસી) લીધી છે. કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંસ્થાઓનું સંગઠન ગણાતી આ સંસ્થાનો વડો પાકિસ્તાન સ્થિત કટ્ટરવાદી સૈયદ સલાહુદ્દીન છે. યુજેસીએ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેની નેશનલ હાઇવે સ્કવોડે પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો છે.
મિત્રતાનો હાથ, પીઠમાં ખંજર
ભારતે વધુ એક વખત ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન ભણી મિત્રતાનો હાથ લંબાવ્યો હતો તો બીજી તરફ, પાકિસ્તાને વધુ એક વખત પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ ગયા સપ્તાહે જ રશિયાથી ભારત પરત ફરતાં પાકિસ્તાનની અણધારી મુલાકાત લઇને વિશ્વભરના રાજદ્વારીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફના આમંત્રણને માન આપીને તેમના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરે જ લાહોર પહોંચેલા નરેન્દ્ર મોદીની આ પહેલ બાદ એવી આશા વ્યક્ત થતી હતી કે લાંબા સમયથી ખોરંભે પડેલા દ્વિપક્ષીય સંબંધોમાં ઉષ્માનો સંચાર કરશે. જોકે પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાએ ફરી એક વખત પાકિસ્તાનની વિશ્વસનીયતા સામે શંકાની સોય તાકી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, હુમલાખોરોએ પાકિસ્તાની સેના અને તેની બદનામ ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે મળીને આ ષડયંત્ર પાર પાડ્યું છે.
ભારતનું અલ્ટીમેટમ
આગામી ૧૫ જાન્યુઆરીએ બન્ને દેશના વિદેશ સચિવો વચ્ચે યોજાનારી બેઠકને આખરી ઓપ અપાઇ રહ્યો હતો ત્યારે જ આ આતંકવાદી હુમલો થયો છે તે નોંધનીય છે.
જો નિયત સમયમાં પગલાં નહીં લેવાય તો વિદેશ સચિવ સ્તરની મંત્રણા મુલત્વી રખાશે તેમ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું.
બીજી તરફ, મોદીની પાકિસ્તાન મુલાકાતથી સર્જાયેલી શાંતિ-સૌહાર્દની તક પઠાણકોટ હુમલાથી વેડફાઇ શકે છે તે જાણતા પાકિસ્તાને પણ ષડયંત્રકારો સામે જરૂરી પગલાં લેવાની ખાતરી ઉચ્ચારી છે. વડા પ્રધાન નવાઝ શરીફ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે અપનાવેલા સંયમિત અભિગમને બિરદાવતા કરતાં કહ્યું તેમની સરકાર ભારતના સંપર્કમાં છે અને પુરાવાઓને આધારે તપાસ ચાલી રહી છે.
સુરક્ષા દળો વચ્ચે સંકલનનો અભાવ
શનિવારે પરોઢિયે ૩:૩૦ વાગ્યે પઠાણકોટમાં આવેલા એરબેઝ પર પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. મિલિટરી અને પેરામિલિટરી ફોર્સિસ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી ગઈ હતી અને ૧૫ કલાક સુધી ચાલેલાં આ ઓપરેશન બાદ પાંચેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ સાથે થયેલી આ મૂઠભેડમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ અંગે સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલે બેઠક યોજી વડા પ્રધાન મોદીને જાણકારી આપી હતી.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પત્રકાર પરિષદ યોજીને ત્રાસવાદીઓનો સફાયો કરી નંખાયો હોવાનો દાવો કર્યો હતો. જોકે થોડાક જ કલાકોમાં ફરી એરબેઝ અંધાધૂંધ ગોળીબાર અને વિસ્ફોટોથી ગાજવા લાગ્યો હતો. ખરેખર તો બે ત્રાસવાદી એક બિલ્ડીંગમાં જઇને છુપાઇ ગયા હતા અને તે ફરી એક વખત અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા.
આ પછી ફરી એક વખત નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડો સહિત લશ્કરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રોન, હેલિકોપ્ટર સહિતના સાધનોની મદદ વડે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓની મૂવમેન્ટને અમુક વિસ્તાર પૂરતી જ સીમિત રાખીને તેમનો સફાયો કરી નંખાયો હતો.
આ લશ્કરી કાર્યવાહી છેક મંગળવાર સુધી ચાલી હતી, અને બાકી આતંકવાદીઓને પણ શોધીને ઠાર મરાયા હતા. આ ઘટનામાં ભારતીય સુરક્ષા દળો, ગૃહ વિભાગ સહિતના વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું. જો આમ ન થયું હોત તો આતંકવાદીઓનો ઘણો વહેલો સફાયો થઇ ગયો હોત. સંરક્ષણ પ્રધાને પણ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું હતું કે સંકલનમાં ખામી હતી તે વાત સાચી છે, પરંતુ ઓપરેશન કલાકો સુધી ચાલ્યું તેનું એક કારણ એ પણ છે કે સર્ચ ઓપરેશનમાં ખાસ્સો સમય લાગ્યો હતો.
આતંકવાદીઓનો ઇરાદો એરબેઝમાં રહેલા યુદ્ધ વિમાનો સહિતના શસ્ત્રસરંજામને નુકસાન પહોંચાડવાનો હતો. લગભગ ૧૦૦ એકરથી વધુ મોટા વિસ્તારમાં ફેલાયેલા અને ભારતના સૌથી મોટો એવા આ એરબેઝમાં એરફોર્સના હજારો જવાનો વસે છે.
ત્રાસવાદીઓનું પાકિસ્તાન કનેક્શન
સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓના કોલ ટ્રેસ કરીને તે પાકિસ્તાનથી આવ્યા હોવાનું સાબિત કરી દીધું છે. ચાર આતંકવાદીએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને હુમલાના એક દિવસ પહેલાં ફોન કરી તેમની પાસેથી નિર્દેશો મેળવ્યા હતા. ફોન કોલનાં ટ્રેસિંગ પરથી તેઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જૈશ-એ-મોહમ્મદનો વડો અઝહર મસૂદ છે જેને ભારતની જેલમાંથી છોડાવવા આતંકવાદીઓએ એર-ઇન્ડિયાની ફ્લાઇટ આઇસી-૮૧૪ને હાઇજેક કરી હતી.
આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા અશફાક અહમદ અને અબ્દુલ શકૂર સાથે વાત કરી હતી. આતંકવાદીઓ સેનાનાં યુનિફોર્મમાં આવ્યા હતા અને અંદર ઘૂસતાં જ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એક આતંકવાદી તો ૧૦ ફૂટ ઊંચી દીવાલ કૂદી રહ્યો હતો ત્યારે જ ઠાર મરાયો હતો. આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં આવેલા બહાવલપુરથી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા, તેઓ પહેલાં જમ્મુ-કાશ્મીર પહોંચ્યા અને ત્યાંથી પંજાબ આવ્યા હતા.

