લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટોમાં કામચલાઉ મુશ્કેલીઅો

Thursday 07th January 2016 01:31 EST
 
 

લંડનઃ લંડન-અમદાવાદ-લંડનની ડાયરેક્ટ (વાયા મુંબઇ) ફલાઇટોમાં જનારા પ્રવાસીઅોને છેલ્લા એકાદ અઠવાડિયાથી ભારે વિટંબણા વેઠવી પડી રહી હોવાના સમાચાર સાંપડ્યા છે. “ગુજરાત સમાચાર- એશિયન વોઇસ" દ્વારા લાંબા સમયથી ચાલેલી ડાયરેક્ટ ફલાઇટની ઝુંબેશ બાદ દિવાળી ટાંણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વેમ્બલીમાં સૌને નૂતનવર્ષની નવલી ભેટ રૂપે અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટની જાહેરાત કરતાં ગુજરાતીઅોમાં હર્ષોલ્લાસ પ્રસરી ગયો હતો.
મોદીજીની જાહેરાત બાદ એરઇન્ડિયાએ સરદાર પટેલની પૂણ્યતિથિના દિવસે (૧૫ ડિસેમ્બરે) રંગેચંગે, રંગબેરંગી તોરણો ને બલૂનોથી ટર્મિનલ ૪ શણગારી, સૌ પ્રવાસીઅોને મીઠું મ્હોં કરાવી અમદાવાદ-લંડન-અમદાવાદ (વાયા મુંબઇ)ની ડાયરેક્ટ ફલાઇટનો શુભઅારંભ કર્યો એનો તમામ અાંખે દેખ્યો અહેવાલ અમે ૧૯ ડિસેમ્બરના અંકોના પ્રથમ પાને રજૂ કર્યો હતો. “ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"માં પ્રસિધ્ધ થયેલ સમાચારો વાંચી સેંકડો અાબાલવૃધ્ધોએ એરઇન્ડિયાની અા ડાયરેકટ ફલાઇટનો લાભ લેવા બુકીંગ કરાવ્યાં. ભારતમાં પૂરબહાર લગ્નોની મોસમ અને ક્રિસમસની રજાઅો હોવાથી એરઇન્ડિયાની અમદાવાદ જતી ફલાઇટમાં જનારા પ્રવાસીઅોનો ભારે ધસારો રહ્યો.
લંડન કે અમદાવાદથી વાયા મુંબઇ થઇને જતી એરઇન્ડિયાની અા ફલાઇટોમાં પ્રવાસીઅોને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા વગર થોડા સમયના રોકાણ બાદ એ જ ફલાઇટ અમદાવાદ અથવા તો લંડન હીથરો પર પ્રવાસીઅોને લઇ અાવશે એવી બાંહેધરી અાપ્યા પછી પણ પ્રવાસીઅોને મુંબઇ ઉતરી સિકયુરીટીમાં હેન્ડલગેજ કલીયર કરવું પડયું અને ફલાઇટ અમદાવાદ ત્રણેક કલાક મોડી પહોંચી હોવાની ફરિયાદો અમને સાંપડી છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન લંડનથી અમદાવાદ જનારા વિજ્યાબેન વ્યાસ, પારૂલ પટેલ અને ચેતન પટેલ, વિમળાબેન પટેલ, યોગેશ અને તોરલ પટેલ , રીટા પટેલ, કુસુમબેન પટેલ, સવિતાબેન પરમાર સહિત ઘણા પ્રવાસીઅોએ એમણે વેઠવી પડેલી હાલાકીની ફરિયાદ અમારા કાર્યાલયમાં ફોન દ્વારા કરી હતી.
અા ફરિયાદોને પગલે 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે એર ઇન્ડિયાના યુ.કે. યુરોપના રીજીઅોનલ મેનેજર શ્રીમતી તારા નાયડુને ઇમેલ કરી સાચી વિગતો જાણવા પ્રયાસ કર્યો હતો. ખૂબ જ સક્રિય, ફરજપરસ્ત અને ચપળ તારાબહેને અમને તરત જ વળતો ઇમેલ લખીને જણાવ્યું હતું કે, “એર ઇન્ડિયાની AI130 એ શેડ્યુલ પ્રમાણે લંડન-અમદાવાદ-લંડનની ડાયરેક્ટ (વાયા મુંબઇ)ની જ ફલાઇટ છે, એમાંથી પ્રવાસીઅોને મુંબઇ ઉતરવાનું નથી પરંતુ હું સમજી શકું છું કે કેટલીક ફલાઇટોમાં અોપરેશ્નલ સિસ્ટમમાં અડચણો ઉભી થવાને કારણે અત્રેના પ્રવાસીઅોને મુંબઇ ઉતરવું પડ્યું છે.
અમે અહીંથી એ બાબતે તપાસ કરી રહ્યા છીએ અને એની નોંધ લઇ તમને સત્વરે જાણ કરીશું.” એર ઇન્ડિયા સેલ્સ એન્ડ માર્કેટીંગનાં શકીલા લાંબેએ મંગળવારે લખેલા ઇમેલમાં જણાવ્યું કે, “લંડન-મુંબઇ- અમદાવાદની એર ઇન્ડિયાની મોટા ભાગની ફલાઇટો શેડ્યુલ પ્રમાણે જ અોપરેટ થઇ છે. થોડીક જ ફલાઇટો મોડી પડી છે એનું લીસ્ટ નીચે મુજબ છે. ૨૫ ડિસેમ્બરે AI130 ૧૩૬ મિનિટ, ૨૬ ડિસેમ્બરે AI130 ૧૫૬ મિનિટ, ૨૭ ડિસેમ્બરે AI130 ૧૪૩ મિનિટ અને ૨૯ ડિસેમ્બરે AI130૯૦ મિનિટ ફલાઇટ મોડી ઉપડી હતી.”
એરઇન્ડિયાના ડ્રીમલાઇનર એરક્રાફ્ટમાં લંડનથી અમદાવાદ સુધીની અારામદાયી સફર કરવા હજુ પણ ગુજરાતીઅો ઉત્સુક છે. અમને અાશા છે કે એરઇન્ડિયા પ્રવાસીઅોની વિટંબણાઅોની નોંધ લઇ શક્ય એટલું જલદી એનું નિરાકરણ લાવવા પ્રયાસ કરશે. સાથે સાથે, ગુજરાત સમાચાર પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા દ્રઢ નિશ્ચયી છે.


comments powered by Disqus