મોડાસાઃ અરવલ્લીના શણગાલ ગામમાં આજે પણ એક ખેડૂતના બે બળદો કોઈપણ જાતની મદદ વિના કે ચાલક વિના ઘરેથી એક કિ.મી. દૂર આવેલા ખેતરે બળદગાડું લઈને જાતે જ જાય છે અને પરત આવે છે. તે દરમિયાન આ બળદગાડાને હાઈ-વે રોડ ઉપરથી પસાર પણ થવું પડે છે. આ સિલસિલો લગભગ ત્રણ વર્ષથી ચાલે છે.
શરૂઆતના દિવસોમાં તો ચાલક વિનાના આ બળદગાડાને સામે આવતા જોઈને રાહદારીઓ અને અન્ય વાહનચાલકો દંગ રહી જતાં. કેટલાક તો ચાલક વિનાનું એકલું બળદગાડું આવતું જોઈને પોતાનું વાહન થોભાવી દેતા. પરંતુ, કોઈ ચલાવતું હોય તેમ ચાલક વિનાનું આ બળદગાડું પણ સામેથી આવતા વાહનને સાઈડ આપે અને પોતાની નિયત સાઈડમાં જ ચાલે...!
આ બળદો જાણે ટ્રાફિકના નિયમોથી પૂરા વાકેફ હોય તેમ કોઈપણ ભૂલ વિના કે ડર વિના ભારે ટ્રાફિક વચ્ચે પણ રોજ આવ-જા કરે છે આટલા વર્ષો પછી હવે આ વિસ્તારમાં લોકોને માલિક કે ચાલક વિનાનું ગાડું જોઈને કોઈ અચરજ થતું નથી. પરંતુ, નવા વાહન ચાલકો કે રાહદારીઓ જયારે આ બળદગાડાને આવતું-જતું જુએ છે ત્યારે અચંબો પામ્યા વિના રહેતા નથી. આજે જાપાન કે અન્ય દેશોમાં યાંત્રિક માનવ-રોબોટની મદદથી ઘણાં બધા કામ કરવા શકય બન્યાં છે. ભારતમાં ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે જેવા કાર્યક્રમો હવે ભલે શરૂ થયા હોય, અહીં તો ચિત્ર જૂદું જ છે. હા, એની પ્રસિદ્વિ નથી થતી એ જુદી વાત છે.

