ડેન્ટિસ્ટ પરાગ પટેલને પ્રેમલીલા ભારે પડી

પેશન્ટ સાથે અનૈતિક સંબંધ બદલ આજીવન પ્રતિબંધ

Wednesday 06th July 2016 06:03 EDT
 
 

લંડનઃ પરિણીત મહિલા દર્દી સાથે ૧૮ માસ સુધી ૫૦ વખત સેક્સ માણવા બદલ ડેન્ટિસ્ટ પરાગ પટેલ પર પ્રેકટિસ કરવા સંબંધે આજીવન પ્રતિબંધ લદાયો છે. નોર્થ વેસ્ટ લંડનના પીનર વિસ્તારના નૂજન્ટ્સ પાર્કમાં રહેતા પરાગ રમણભાઇ પટેલ પરિણીત છે અને તેમને બાળકો છે. તેમણે યુકેમાં જ ૧૯૮૫માં ડેન્ટિસ્ટ તરીકે તાલીમ લીધી હતી. પોલીસમાં ફરિયાદ પછી ઓળખ છુપાવાયેલી ૩૦ વર્ષીય મહિલા પેશન્ટ સાથે ડો. પરાગ પટેલના ગેરવર્તનનો કેસ યુકે જનરલ ડેન્ટલ કાઉન્સિલ સમક્ષ મૂકાયો હતો. ટ્રીટમેન્ટ દરમિયાન ડોક્ટરે આલિંગન અને ચુંબનો કરવા માગણી કરી હતી. આ દર્દીએ £૧૬૦૦૦ની ફી ચૂકવી હતી.
૨૦૧૨માં આ મહિલાને બેક પેઇન થતાં કાયરોપ્રેકટરે દાંતને કારણે થતું દર્દ જણાવી વિમ્પોલ સ્ટ્રીટના ડેન્ટલ ક્લિનિકમાં પરાગ પટેલ પાસે જવા સૂચવ્યું હતું. શરૂઆતમાં પરાગ પટેલ તે મહિલાની ડેન્ટલ ટ્રીટમેન્ટના બદલામાં તેને ભેટવા અને કિસ કરવાની માગણી કરતા. એ મહિલાને તેમાં કંઇ વાંધાજનક નહોતું લાગ્યું. જોકે આલિંગન-ચુંબનોથી શરૂ થયેલો સિલસિલો સેક્સ સુધી પહોંચ્યો.
નવેમ્બર ૨૦૧૨થી તેણે મહિલા દર્દી સાથે સંબંધો બાંધ્યા, જે ૨૦૧૩માં અતિ ઘનિષ્ઠ બન્યા હતા. બન્ને નજીકના રીજન્ટ પાર્કમાં સાથે વોક પર જતા હતા, જે દરમિયાન જુલાઇ, ૨૦૧૩માં ડો. પટેલે પેશન્ટ સમક્ષ સેક્સની માગણી કરી હતી. એ પછી પટેલે કહેલું કે તેણે સેન્ટ આલ્બન્સની એક હોટેલમાં રૂમ બૂક કરાવ્યો છે. તેની આ વાત સાંભળીને પેશન્ટ સ્તબ્ધ થઇ ગઇ હતી. તે આ રિલેશનથી અપરાધભાવ તો અનુભવતી હતી, પણ એમ માનીને મન મનાવતી કે ડો. પટેલ તેને પોતાની ‘સોલ મેટ’ માને છે અને તેની ફ્રી ટ્રીટમેન્ટ કરે છે તો તેના બદલામાં તેમની સાથે સેક્સ માણવામાં કંઇ ખોટું નથી.
ડો. પટેલે મહિલા સાથે ગુપ્ત સંપર્ક જાળવવા તેને મોબાઇલ ફોન અને iPad આપ્યા હતા. એ પેશન્ટે એક વાર ચર્ચની વિઝિટ્સ અંગે ડો. પટેલને કહ્યું તો તેઓ ગુસ્સે થઇ ગયા અને તેને ચર્ચમાં નહીં જવાનું કહેવા લાગ્યા. એટલું જ નહિ, ડો. પટેલે પેશન્ટને તેના પતિથી ડિવોર્સ અપાવવાની તૈયારીરૂપે તેની પાસેથી પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વિલ, મેરેજ સર્ટિફિકેટની ફોટોકોપીઝ પણ મંગાવી હતી. અલબત્ત, પોતે પત્નીને ડિવોર્સ આપશે તેવી બાંયધરી આપવા ડો. પટેલે ઇનકાર કર્યો હતો.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, ‘વ્યવસાયિક મર્યાદાઓનો ભંગ કરીને એક દર્દીને શારીરિક સબંધ બાંધવા ઉશ્કેરવી, લાંબા સમય સુધી સેક્સ માણવું એ ડેન્ટિસ્ટ પાસેથી અપેક્ષિત ન હોય અને તમામ મર્યાદાઓનું ઉલંઘન છે. મહિલાને તેનો ધર્મ અને પતિને છોડવા ઉશ્કેરવી, એના ઘરની મુલાકાત લેવી, ભેટ આપવી, એના પિતાને સંદેશો આપવા ખોટા ઇ-મેલ બનાવવા ને સબંધો તોડયા પછી પણ એનો પીછો કરવો એ તમામ મર્યાદાઓના ભંગ સમાન છે અને પટેલ એવી રીતે વર્તતા હતા કે એના સાથી ડોકટરો એને અમાન્ય ગણતા હતા.’
પટેલે અન્ય દર્દીને નબળી સારવાર આપી હોવાની નોંધ પણ કાઉન્સિલે લીધી હતી. તેની સાથે ૯૦ એપોઈન્ટમેન્ટ છતાં ચોક્કસ સુધારો થયો ન હતો, જે વર્ત અપેક્ષિત ધોરણોથી ઘણું નબળું હતું.
આ પીડિતા દર્દીએ કહ્યું હતું કે,‘એ મને ચર્ચમાં નહીં જવા કહેતો. એણે મારી સાથે પચાસેક વાર શરીર સુખ માણ્યુ હતું. દર્દીના ઘર, હોટેલ અને અન્ય સ્થળોએ સેક્સ માણતા પટેલ એક વખત એ મહિલાના ઘરમાં એના પતિના હાથે ઝડપાઈ જતાં બચી ગયા હતા. એ મને કહેતો હતો તું જ મારી સાચી સાથી છે અને આપણે જે કંઇ કરીએ છીએ એ કંઇ પાપ નથી. સેક્સ એ પોષણની બાબત છે.’ મહિલા દર્દીએ કંટાળીને ડોક્ટર પટેલ સાથે સબંધો કાપી નાંખ્યા ત્યારે પટેલ મહિલાના ઘરની બહાર અડ્ડો જમાવીને બેસી રહેતા અને જ્યારે એ પોતાના બાળકોને શાળાએ મૂકવા જતી ત્યારે એનો પીછો કરતા હતા.
જનરલ ડેન્ટલ કાઉન્સિલ (GDC)ની મિસકન્ડક્ટ પેનલે ડો. પટેલને શ્રેણીબદ્ધ પ્રોફેશનલ મિસકન્ડક્ટ બદલ આ સપ્તાહે દોષિત ઠેરવ્યા હતા અને તેમના માટે ડેન્ટિસ્ટ તરીકે કામ કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો.


comments powered by Disqus