પ્રધાનમંડળનો ગંજીપો ચીપતા વડા પ્રધાન

ગુજરાતમાંથી ત્રણ સહિત ૧૯ નવા ચહેરાને સ્થાન

Tuesday 05th July 2016 15:34 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રધાનમંડળનું વિસ્તરણ કરતાં ૧૯ નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ સાંસદો મનસુખભાઇ માંડવિયા, પરષોત્તમભાઇ રૂપાલા અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ થાય છે. ત્રણેયને રાજ્ય પ્રધાન તરીકે કાર્યભાર સોંપાયો છે. પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરાને સ્થાન અપાયું છે તો સાથોસાથ બે વર્તમાન સભ્યો - મનસુખભાઇ વસાવા અને મોહનભાઇ કુંડારિયાને પડતા મૂકાયા છે. આ વિસ્તરણ સાથે જ ગુજરાતમાંથી પ્રધાનમંડળમાં સ્થાન મેળવનાર સાંસદોની સંખ્યા વધીને છ થઇ છે.
વિસ્તરણ એક, પણ લક્ષ્ય બે
પ્રધાન મંડળના વિસ્તરણમાં જે પ્રકારે વિવિધ વર્ગ અને રાજ્યોના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે તે સ્પષ્ટ કરે છે કે વડા પ્રધાને આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી અતિ મહત્ત્વની વિધાનસભાની ચૂંટણીઓ ઉપરાંત બજેટના લક્ષ્યાંકોને હાંસલ કરવાનો ઉદ્દેશ નજરમાં રાખ્યો છે. મોદી સરકારના આ બીજા વિસ્તરણમાં પાંચ સભ્યો શિડ્યુલ કાસ્ટના બે શિડ્યુલ્ડ ટ્રાઇબના, બે લઘુમતી જૂથના અને બે મહિલા નેતાઓનો સમાવેશ થાય છે.
આ નેતાઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક અને આસામનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રધાન મંડળમાં સ્થાન પામેલા નવા ચહેરાઓમાં છ વકીલ, એક કેન્સર સર્જન અને એક પીએચ.ડી પદવીધારકનો સમાવેશ થાય છે.
વડા પ્રધાને ગયા પખવાડિયાથી જ પ્રધાન મંડળના સભ્યો હસ્તકના મંત્રાલયોની કામગીરી અને તેને સોંપાયેલા લક્ષ્યાંકોને હાંસલ કરવામાં થયેલી પ્રગતિનો વિગતવાર અભ્યાસ હાથ ધર્યો હતો. આની સાથોસાથ તમામ સભ્યો સાથે વ્યક્તિગત બેઠકો યોજીને કોણે કેવું કામ કર્યું છે અને ક્યા પ્રકારે કામ કરી રહ્યા છે તેનો કયાસ મેળવ્યો હતો. આ પછી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો શરૂ થઇ ગઇ હતી.
કેબિનેટ પ્રધાન તરીકે બઢતી મેળવનાર પ્રકાશ જાવડેકર તેમજ ૧૯ નવા સભ્યોને એક સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પ્રધાન મંડળમાં સમાવાયેલા નવા ચહેરાઓમાંથી અપના દલના અનુપ્રિયા સિંહ પટેલ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇંડિયાના રામદાસ આઠવલેને બાદ કરતાં તમામ સભ્યો ભાજપના છે. શિવ સેના સાથેના સંબંધોમાં છેલ્લા લાંબા સમયથી પ્રવર્તતા તનાવનો ઓછાયો પ્રધાન મંડળના વિસ્તરણમાં પણ જોવા મળ્યો છે. વિસ્તરણમાં શિવ સેનાના એક પણ નવા સભ્યને સ્થાન અપાયું નથી. તો બીજી તરફ, શિવ સેનાએ શપથવિધિ સમારોહમાં ગેરહાજર રહીને તેની નારાજગી વ્યક્ત કરી દીધી હતી.
બઢતી અને પડતી
વિસ્તરણમાં એકમાત્ર પ્રકાશ જાવડેકરને પ્રમોશન મળ્યું છે. રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે પર્યાવરણ અને વન વિભાગના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવતા જાવડેકરને કેબિનેટ પ્રધાન બનાવાયા છે. જ્યારે આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન મનસુખભાઇ વસાવા અને કૃષિ વિભાગના રાજ્ય પ્રધાન મોહનભાઇ કુંડારિયાને પડતા મૂકવામાં આવ્યા છે. વસાવાએ બે દિવસ પૂર્વે જ એવી જાહેરમાં ફરિયાદ કરી હતી આદિવાસી સંબંધિત પ્રશ્નો અંગેની મારી રજૂઆત પ્રત્યે ગુજરાત સરકાર ગંભીરતા દાખવતી નથી. જો રાજ્ય સરકારનું આવું જ વલણ રહેશે તો હું (નરેન્દ્ર મોદી) પ્રધાન મંડળમાંથી રાજીનામું આપી દઇશ. તેમની આ ભાષાને હાઇ કમાન્ડે ગંભીરતાથી લઇને પ્રધાન મંડળમાંથી પડતા મૂક્યા છે. જ્યારે મોરબી વિસ્તારના મોહનભાઇ કુંડારિયા મોદી સરકારમાં સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. પ્રધાન મંડળના વિસ્તરણમાં કડવા પટેલ સમાજમાંથી પરષોત્તમભાઇ રૂપાલાને સ્થાન મળ્યું હોવાથી જ્ઞાતિ-જાતિ સમીકરણનું સમતોલન જાળવવા કુંડારિયાને પડતા મૂકાયા હોવાનું મનાય છે.
પ્રધાન મંડળના વિસ્તરણમાં સ્થાન પામેલા ચહેરા
• પ્રકાશ જાવેડકરનું પ્રમોશન કરી કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો છે. આ પહેલા જાવેડકર વન અને પર્યાવરણ પ્રધાન (સ્વતંત્ર હવાલો) હતા. કહેવાઈ રહ્યું છે કે, તેમણે અલગ-અલગ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં ઘણી તત્પરતા દર્શાવી હતી.
• મનસુખભાઇ માંડવિયા સૌરાષ્ટ્રના વતની મનસુખભાઇ રાજ્યસભાના સાંસદ છે. એબીવીપીના નેતા રહી ચૂકેલા આ નેતા પ્રદેશ ભાજપના મહાસચિવ પણ છે. તેઓ ભાવનગર ગુજરાતના રહેવાસી છે અને પટેલ સમુદાયના અગ્રણી નેતા છે. પાટીદાર સમાજની અનામતની માંગને જોતા ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારોને શાંત પાડવા માટે તેમને મોદીની ટીમમાં સ્થાન અપાયું છે.
• પરષોત્તમ રૂપાલા ૬૪ વર્ષના પરષોત્તમભાઇ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે રૂપાલા પ્રદેશના કૃષિ પ્રધાન હતા. રાજ્યસભામાં તેમની આ બીજી ટર્મ છે. ગુજરાતમાં તેમની ગણતરી શક્તિશાળી પટેલ નેતા તરીકે થાય છે.
• જયવંત સિંહ ભાભોર દાહોદ (ગુજરાત)થી સાંસદ એવા ભાભોર આદિવાસી નેતા છે. મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ તેમની કેબિનેટમાં પ્રધાન હતા. તેમણે ગુજરાતમાં ઘણા વિભાગોનું કામ સંભાળ્યું હતું. આદિવાસી મામલાઓ અને પર્યાવરણ પ્રધાનની જવાબદારી ગુજરાતમાં તેમણે સંભાળી હતી. તેઓ વિધાનસભામાં પાંચ વખત ચૂંટાયા છે.
• એસ.એસ. અહલુવાલિયાને રાજ્ય પ્રધાન બનાવાયા છે. અહલુવાલિયા પશ્વિમ બંગાળના દાર્જલિંગથી સાંસદ છે. અગાઉ અહલુવાલિયા રાજ્યસભા સાંસદ હતા. રાજ્યસભામાં યુપીએ સરકાર વેળા અહલુવાલિયા ભાજપનો આક્રમક રીતે પક્ષ લેતા હતા. અહલુવાલિયા નરસિંહ રાવ કેબિનેટમાં પ્રધાન હતા. અહલુવાલિયા બધા પક્ષો સાથે સારા સંબંધો માટે જાણીતા છે.
• ફગ્ગન સિંહ કુલસ્તે, માંડલા (મધ્ય પ્રદેશ)થી ભાજપના સાંસદ છે. કુલસ્તે વોટના બદલે નોટ કાંડમાં જેલ જઈ આવ્યા છે. કુલસ્તે આદિવાસી નેતા છે. આ પહેલા તેઓ વાજપેયી સરકારમાં પણ પ્રધાન રહી ચૂક્યા છે. નેતા હોવા ઉપરાંત ખેડૂત ને સામાજિક કાર્યકર્તા છે.
• રામદાસ આઠવલે રાજ્યસભાના સાંસદ છે. આઠવલે મહારાષ્ટ્રના મોટા દલિત નેતાઓમાં ગણાય છે. મહારાષ્ટ્રમાં ભાજપની મહત્વની સહયોગી શિવ સેના મોદી સરકારથી નારાજ છે, ત્યારે આઠવલેને પ્રધાન બનાવવા એક રાજકીય પગલું મનાઇ રહ્યું છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના તેઓ એક માત્ર રાજ્યસભા સાંસદ છે.
• ચંદપ્પા જિગાજિનાગી, કર્ણાટકના બીજાપુરથી સાંસદ. ૬૪ વર્ષના દલિત નેતા છે. ચંદપ્પા પાંચ વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. ૨૦૧૪માં લોકસભામાં ચૂંટાયા બાદ ચંદપ્પા કર્ણાટકના એ ચાર નામોમાંથી એક હતા જેમને પ્રધાન બનાવવા માટે પાર્ટીએ ભલામણ કરી હતી.
• એમ. જે. અકબર મધ્ય પ્રદેશથી રાજ્યસભા સાંસદ છે. જાણીતા પત્રકાર અકબર ક્યારેક કોંગ્રેસ અને રાજીવ ગાંધીની નજીક હતા. અકબર અડવાણીની નજીક હોવાનું પણ મનાય છે. તેઓ ભાજપના પ્રવક્તા પણ છે. મુખ્તાર નકવી પછી અકબર બીજા મુસ્લિમ પ્રધાન છે.
• અનુપ્રિયા પટેલ અપના દલના આ નેતા મિર્ઝાપુરથી સાંસદ છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી તેમણે લોકસભા ચૂંટણી જીતી હતી. ઉત્તર પ્રદેશમાં બિનયાદવ ઓબીસીમાં પટેલ એક મજબૂત જાતિ છે. વિધાનસભા ચૂંટણીને જોતાં અનુપ્રિયાને મોદી કેબિનેટમાં સામેલ કરાયા છે.
• રાજેન ગોહેન આસામના નૌગાંવથી સાંસદ છે. ૬૫ વર્ષના ગોહેન ૧૯૯૧માં ભાજપ જોડાયા હતા. લોકસભામાં તેઓ ચોથી વખત ચૂંટાઈને આવ્યા છે. ગોહેન વૃક્ષારોપણ માટે જાણીતા છે. તે અહોમ કમ્યુનિટીના છે. તરુણ ગોગોઈ પણ આ કોમ્યુનિટીના છે.
• પી. પી. ચૌધરી રાજસ્થાનના પાલીથી સાંસદ છે. રાજકારણમાં જોડાયા પહેલા ચૌધરી જાણીતા વકીલ હતા. ચૌધરી જોધપુરના છે અને તે ઓબીસી સીર્વી જાતિના છે. ૬૩ વર્ષના ચૌધરી સંઘ સાથે જોડાયેલા રહ્યા છે. બે વખત સંસદ રત્નથી પણ સન્માનિત થયા છે.
• મેઘવાલ ૬૫ વર્ષના આ નેતા રાજસ્થાનમાં બીકાનેરના સાંસદ છે. તે પહેલી વખત ૨૦૦૯માં લોકસભા માટે ચૂંટાયા હતા. મેઘવાલ રાજસ્થાન કેડરના એક રિટાયર્ડ આઈએએસ છે. તેઓ લોકસભામાં ભાજપના ચીફ વ્હીપ છે. મેઘવાલ સ્થાનિક ભાષાના પક્ષમાં ખુલીને બોલે છે.
• વિજય ગોયલ ૬૨ વર્ષના ગોયલ રાજસ્થાનથી ભાજપના સાંસદ છે. આ પહેલા તેઓ લોકસભા માટે ત્રણ વખત ચૂંટાયા છે. વાજપેયીની કેબિનેટમાં ગોયલ યુવા અને રમત-ગમત પ્રધાન રહી ચૂક્યા છે.
• મહેન્દ્ર નાથ પાંડે ઉત્તર પ્રદેશમાં ચંદોલીથી સાંસદ છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી કર્યું છે. આ પહેલા તે ભાજપના બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કહેવાય છે કે, પાંડે વડા પ્રધાન મોદી અને શાહ બંનેની નજીક છે.
અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટ કમિટીના બે વરિષ્ઠ સભ્યો પ્રધાન મંડળમાં

અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ શરૂ કરવાની માગ સાથે રચાયેલી કમિટીના ભારતના કન્વીનર મનસુખભાઈ માંડવિયા અને આ સમિતિના સભ્ય પુરૂષોત્તમ રૂપાલા - બંનેનો કેન્દ્રમાં મંગળવારે લેવામાં આવેલા ૧૯ નવા પ્રધાનોમાં સમાવેશ થાય છે.

બંને પ્રધાનોને અભિનંદન આપવા આ સમિતિના કન્વિનર ભૂપતભાઈ પારેખ દિલ્હી ગયા હતા અને બંને પ્રધાનોને અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ માટેની સમિતિ તરફથી પ્રધાનમંડળની સોગંદવિધિ પછી અભિનંદન આપ્યા હતા. બંને પ્રધાનોએ એવી ખાતરી આપી હતી કે, અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ માટેના જે કંઇ પ્રશ્નો હશે તેને ઉકેલવા માટેના તેઓ સતત પ્રયત્નો કરશે.


comments powered by Disqus