લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યાના માત્ર એક સપ્તાહમાં સમગ્ર પ્રધાનમંડળ અને અમલદારોને શિસ્ત અને ઇમાનદારી અંગે સ્પષ્ટ સંદેશો આપનારા આદિત્યનાથ યોગીએ આટલા ઓછા સમયમાં લગભગ ૫૦ જેટલા નીતિગત નિર્ણયો લઈને પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. પદભાર ગ્રહણ કર્યાના બીજા જ દિવસે સચિવાલયનું ઓચિંતુ નિરીક્ષણ કરીને એ જાહેર કરી દીધું હતું કે, સરકારી તંત્રમાં સમય જાળવણી, કામમાં ઇમાનદારી અને કાર્યાલયમાં સ્વચ્છતાના મામલે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. છેલ્લા ૪૦ વર્ષ દરમિયાન સચિવાલયની મુલાકાત લેનારા તેઓ પ્રથમ મુખ્ય પ્રધાન છે.
નાથ સંપ્રદાયના સંન્યાસી અને ઉત્તર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન આદિત્ય યોગીએ સરકારી કાર્યાલયો, હોસ્પિટલો તથા વિદ્યાલયોમાં પાન, તમાકુ અને પાન મસાલા ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તમામ અધિકારીઓને સ્વચ્છતા જાળવવા માટે શપથ લેવડાવ્યા હતા. તેના બીજા જ દિવસે તેમની સરકારના એક પ્રધાન પોતાના કાર્યાલયમાં ઝાડુ લગાવતા અને અનેક પ્રધાનો ફાઇલો પર જામેલી ધૂળ સાફ કરતા નજરે પડ્યા હતા.
આદિત્યનાથ યોગીએ ગોરખપુરની પોતાની મુલાકાત દરમિયાન પોતાની ટીમને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપતાં કહ્યું હતું કે જે લોકો ૧૮-૨૦ કલાક કામ કરવા ઈચ્છે તે જ તેમની સાથે રહે અને એ સિવાયના પોતાનો માર્ગ જાતે જ પસંદ કરી લે. યોગીએ કેબિનેટની પ્રથમ બેઠકની રાહ જોયા વિના કામ શરૂ કર્યું અને ગેરકાયદે કતલખાનાઓ પર કાર્યવાહી અને એન્ટી રોમિયો સ્ક્વોર્ડ દ્વારા લફંગાઓને સીધા કરવાની કામગીરી શરૂ કરી.
પોલીસ પગપાળા કામ કરે
યોગીએ કહ્યું છે કે, વ્યસ્ત બજારોમાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દરરોજ દોઢ-બે કિમી ચાલીને જનતામાં વિશ્વાસ સર્જે એ જરૂરી છે. યોગીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે પ્રદેશમાં કાયદાનું શાસન સ્થાપવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યોગીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘અધિકારીઓ રાશન માફિયાઓ, ખનન માફિયાઓ, ગૌ માફિયાઓ તેમ જ વન માફિયાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરે.’

