જબલપુર: મધ્ય પ્રદેશમાં જબલપુરનું કલેક્ટોરેટ ૨૩ માર્ચે એક એવાં લગ્નનું સાક્ષી બન્યું હતું, જેની ચર્ચા અનેક દિવસો સુધી ચાલતી રહેશે. ખરેખર દિવ્યાંગ યુવતી મીના (૨૭)ને
ડો. સમીરન બાલા(૨૫)એ જીવનસાથી બનાવીને પોતાના પ્રેમને મંઝિલ આપી છે.
ડો. સમીરન તેમની દિવ્યાંગ જીવનસાથી મીનાને ઊંચકીને એડીએમ સુરેન્દ્ર કથુરિયા સમક્ષ મેરેજ કોર્ટ પહોંચ્યા, તો દરેકની આંખોમાં ગર્વની ચમક જોવા મળી હતી. તમામ પ્રકારની પ્રક્રિયા અગાઉથી પૂરી કરી લેવામાં આવી હતી. આથી બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી અને જન્મોજનમ સુધી એકબીજા સાથે રહેવાના સોગંદ લીધા હતી. એડીએમ કથુરિયાએ પણ મેરેજ સર્ટિફિકેટ સોંપતા તેમના નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ લગ્નથી મીનાના પરિજનો રાજીના રેડ થઈ ગયાં હતાં. પરિવારજનો કહે છે કે જાત-પાત મુદ્દે આજે પણ ગામડાંઓમાં ભારે ભેદભાવ જોવા મળે છે. દીકરીની દિવ્યાંગતા તેનાં લગ્નમાં સૌથી મોટો અવરોધ હતો. અનેક લગ્નની વાત આવી, પરંતુ લગ્ન ન થઈ શક્યાં. આ વખતે દીકરીની ઈચ્છા જાણ્યા બાદ અમે લગ્નને મંજૂરી આપી છે.
કોલકાતા નિવાસી સમીરન બાલા વ્યવસાયે એક આયુર્વેદિક ડોક્ટર છે. લગભગ એક વર્ષ અગાઉ સમીરન મીના પટેલના ઘરે તેમની માતાની સારવાર કરવા ગયા હતા. દરમિયાન મીના પ્રથમ નજરે એટલી ગમી કે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.
બંગાળી બ્રાહ્મણ પરિવારમાંથી આવતા ડો. સમીરને પટેલ જ્ઞાતિની મીના સાથે લગ્ન પહેલાં પોતાના પરિવારને રાજી કર્યો અને પછી મીનાના પરિવાર સાથે લગ્નની વાત કરી. ઘણું સમજીવિચારી અને સમીરનના પરિવાર સાથે વાતચીત બાદ જ્ઞાતિના બંધનની ઉપરવટ જઈ દીકરીના ભવિષ્યને જોતાં મીનાના પરિવારે લગ્ન માટે મંજૂરી આપી દીધી.

