અયોધ્યાઃ અયોધ્યાના વિવાદિત સ્થળનો મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવાના સુપ્રીમ કોર્ટના સૂચનને શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે ઠુકરાવી દીધું છે. તેમણે કહ્યું છે કે મંદિર આંદોલન સંબંધિત સંતોનું પ્રતિનિધિમંડળ આ મામલે ટૂંક સમયમાં વડા પ્રધાનને મળીને વાતચીત કરશે.
મહંત દાસે પત્રકારોને કહ્યું હતું કે વિવાદાસ્પદ સ્થળ પર મંદિરની તરફેણમાં પૌરાણિક પુરાવાઓ મળ્યા પછી સુલેહ-સમાધાનનું કોઈ ઔચિત્ય રહી જતું નથી. મંત્રણા જેવી નિરર્થક પ્રક્રિયાઓથી હિન્દુઓને ભ્રમિત ન કરવામાં આવે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ આંદોલન સાથે સંકળાયેલા સંતોનું એક પ્રતિનિધિ મંડળ સુપ્રીમ કોર્ટના સૂચન સંદર્ભે ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને વાતચીત કરશે. ન્યાસના કેટલાક પદાધિકારી વિવાદાસ્પદ સ્થળના મુદ્દે કોર્ટમાં પક્ષકાર તરીકે છે. આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામમંદિર નિર્માણનો મુદ્દો તમામ પક્ષકારોને સાથે મળીને મંત્રણાના માધ્યમથી કોર્ટ બહાર ઉકેલવા સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે. ૨૧ માર્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રામમંદિર એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે લોકોની આસ્થા અને ધર્મ સાથે સંકળાયેલો છે. આથી તેને સર્વસંમતિથી કોર્ટ બહાર સમાધાન કરીને ઉકેલવામાં આવે તે સલાહભર્યું છે. આમ છેલ્લા ૬૬ વર્ષથી ચાલ્યા આવતા આ કેસમાં સુપ્રીમ કોર્ટે દડો હવે કેસનાં પક્ષકારો તરફ ફેંક્યો છે.
હસ્તક્ષેપ માટે મંજૂરી
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને અયોધ્યા વિવાદ ઉકેલવા દરમિયાનગીરી કરવાની પરવાનગી આપી હતી. વિવાદિત સ્થળે જ્યાં વિવાદિત ઢાંચો તોડી પડાયો હતો ત્યાં રામમંદિર બાંધવા સ્વામીએ પરવાનગી માગી હતી. જવાબમાં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ખેહરનાં વડપણ હેઠળની બેન્ચે સ્વામીને ઉપર મુજબ સલાહ આપી હતી. સુપ્રીમે તમામ પક્ષકારોને ભેગા મળીને ૩૧ માર્ચ સુધીમાં સમાધાનની ફોર્મ્યુલા રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો વાતચીત દ્વારા વિવાદ ઉકેલવામાં સફળતા ન મળે તો કોર્ટ આ મામલે મધ્યસ્થી કરવા તેમજ જરૂર પડે તો મધ્યસ્થી નિમવા તૈયાર છે.
સ્વામીએ કોર્ટને શું કહ્યું?
અરજદાર સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને કહ્યું હતું કે આ કેસમાં ૬ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. આથી તેની તાકીદે સુનાવણી જરૂરી છે. મુસ્લિમ નેતાઓ સાથેની વાતચીતમાં તેમણે આ કેસમાં જ્યુડિશિયરીની દખલગીરી માગી હતી. સ્વામીએ દાવો કર્યો હતો કે મુસ્લિમ દેશોમાં રસ્તો બનાવવા જેવા કામ માટે મસ્જિદને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે છે. જ્યારે મંદિર એક વખત બંધાઈ જાય પછી તેને ત્યાંથી ખસેડવામાં આવતું નથી. આમ મસ્જિદ તો ગમે ત્યાં ખસેડી શકાય, પણ રામમંદિર તો જ્યાં હતું ત્યાં જ બે વર્ષમાં બનશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ ચંદ્રચૂડ તેમજ જસ્ટિસ કૌલની બેન્ચે કહ્યું હતું કે રામ મંદિર મુદો સંવેદનશીલ છે. તેથી વાતચીતથી ઉકેલ લાવો. તમામ પક્ષકારો રાજી હોય તો રીતે વિવાદનો ઉકેલ લાવો.
’૯૨માં ઢાંચો તોડી પડાયો
૧૯૯૨માં ૬ ડિસેમ્બરે હજારો કારસેવકો દ્વારા અયોધ્યામાં ૧૬મી સદીમાં બાંધવામાં આવેલી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. હિંદુ સમુદાયની દલીલ છે કે આ સ્થળ ભગવાન રામની જન્મભૂમિ છે અને હિંદુઓની પવિત્ર જમીન પર મસ્જિદ બાંધવામાં આવી છે. આ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતાઓ તેમજ વિહિપ અને બજરંગ દળના અનેક નેતાઓ સામે આરોપો મૂકવામાં આવ્યા છે.
સહયોગ માટે સંમતિ
ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિર વિવાદ તમામ પક્ષકારો દ્વારા વાતચીતથી ઉકેલવા સુપ્રીમ કોર્ટે આપેલી સલાહને આવકારી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવા તમામ સહયોગ આપવા યુપી સરકાર તૈયાર છે. સુપ્રીમ કોર્ટે ઘણું સમજીવિચારીને આ સલાહ આપી હશે જેનું અમે સ્વાગત કરીએ છીએ. તમામ પક્ષકારોએ સાથે બેસીને આ વિવાદ કોર્ટ બહાર વાટાઘાટોથી ઉકેલવો જોઈએ. યુપી સરકાર તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે.
કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ કહ્યું હતું કે કેન્દ્ર રામમંદિર મુદે દરમિયાનગીરી કરવા તૈયાર છે. સરકારને આવી મધ્યસ્થી કરવાનું ગમશે. જોકે બાબરી મસ્જિદ સમિતિએ સમાધાનની ઓફર ફગાવી કહ્યું હવે વાતચીતનો સમય વીતી ગયો છે.
ભાજપ નેતા ઉમા ભારતીએ કહ્યું હતું કે જ્યાં રામલલ્લા છે ત્યાં જ સોમનાથ જેવું ભવ્ય મંદિર બનશે. ઉત્તર પ્રદેશનાં મુસ્લિમ નેતા ઓવૈસીએ બાબરી મસ્જિદ ટાઈટલને લગતો અને માલિકી હકને લગતો કેસ હોવાનું
જણાવ્યું હતું.

