જામનગર: બાંધણીના ઉદ્યોગના કારણે જામનગર શહેર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દેશીવિદેશી મહિલાઓ અહીંની બાંધણી જોઈને મોહી પડે છે, પણ હવે આ બાંધણી માત્ર સ્ત્રીઓનો પોષાક છે તેવું કહી શકાય નહીં. પુરુષો માટે બનતા બાંધણીના સાફા અને ટાઇ પણ પુરુષોમાં માનીતા બની ગયા છે.
મહાવીર બાંધણીના સંચાલક વિબોધભાઇ શાહ અને શાહ સાકરચંદ હરખચંદ પેઢીના સંચાલક ધીરજલાલ શાહ કહે છે કે, કચ્છ અને રાજસ્થાન સહિતના સ્થળોએ બાંધણી બને છે, પરંતુ જામનગરની બાંધણીની વિશિષ્ટતા બેજોડ છે. બંને વેપારીઓએ જણાવ્યું હતું કે, બદલાતી ફેશન સાથે જામનગરના બાંધણીના ઉત્પાદકોએ તાલ મિલાવ્યો છે અને પુરુષો પણ બાંધણીનો પહેરવેશમાં ઉપયોગ કરી શકે તે માટે પુરુષોના સાફા તેમજ નેકટાઇ પણ અમે બનાવીએ છીએ. નવાઈની વાત એ છે કે, બાંધણીના સાફા અને ટાઇએ મોટું બજાર સર કર્યું છે.
મહિલાઓને રોજગારી
જામનગર શહેર નહીં, પરંતુ આસપાસના ગામોમાં રહેતી મહિલાઓ પોતાના ફ્રી સમયમાં બાંધણી બાંધીને આર્થિક પગભર થાય છે. જામનગરની બાંધણીમાં થતું બારિક કામ જગપ્રસિદ્ધ છે. બાંધણી બાંધતી મહિલાઓને એક સાડી કે દુપટ્ટામાં બાંધકામની રૂ. ૫૦થી લઇને રૂ. ૧૦ હજાર સુધીની મજૂરી મળે છે. જામનગરની બાંધણીની કિંમત પણ રૂ.૩૦૦થી માંડીને રૂ. ૨ લાખ સુધીની હોય છે. હવે પુરુષો માટે ખેસ, પાઘડી અને ટાઈ આ બાંધણી મટીરિયલમાંથી બનશે એટલે સ્ત્રીઓની રોજગારીમાં વધારો થવાની આશા છે.
જામનગરની ખાસિયત
વેપારી વિબોધભાઇ શાહે જણાવ્યું હતું કે, અગાઉ સાડી પૂરતી બાંધણી મર્યાદિત હતી, પરંતુ ધીરે ધીરે ગ્રાહકોની ડિમાન્ડ અને ફેશનના ટ્રેન્ડ મુજબ કુર્તી, ડ્રેસ, દુપટ્ટામાં પણ બાંધણીએ પોતાની ઓળખ ઊભી કરી. જામનગરના ઉત્પાદકોએ માત્ર કોટન નહીં, પરંતુ સિલ્ક, જોર્જેટ અને સિફોન કાપડમાં પણ બાંધણીની કળા ઉપસાવી.
હવે પુરુષો માટેના પરિધાનમાં પણ બાંધણી મટીરિયલનો ઉપયોગ થતાં આ ઉદ્યોગને વધુ તક મળશે.

