લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટે કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન MP એ રજૂ કરેલો પ્રસ્તાવ પસાર કરીને ગિલગિટ - બાલ્ટિસ્તાન ઉપર પાકિસ્તાનના કબજાને ગેરકાનૂની ગણાવ્યો હતો. પાકિસ્તાન આ પ્રદેશને પોતાનો પાંચમો પ્રાંત જાહેર કરવાની તૈયારી કરી રહ્યું હોવાની વાતને પણ આ પ્રસ્તાવમાં વખોડી કાઢવામાં આવી હતી. પ્રસ્તાવમાં જણાવાયું હતું કે ગિલગિટ – બાલ્ટિસ્તાન ભારતના જમ્મુ-કાશ્મીરનો કાયદેસરનો અને બંધારણીય હિસ્સો છે.
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીરી હિન્દુઓના અધિકારોના સમર્થનમાં નિયમિત રજૂઆત કરનારા બોબ બ્લેકમેન MP એ 'એનેક્સેશન ઓફ ગિલગિટ-બાલ્ટિસ્તાન એઝ બાય પાકિસ્તાન એઝ ઇટ્સ ફિફ્થ ફ્રન્ટિયર' શીર્ષકવાળી અર્લી ડે મોશન (ઇડીએમ) ગઈ ૨૩મી માર્ચે રજૂ કરી હતી. ઇડીએમમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેના પાંચમા રાજ્ય રાજ્ય તરીકે જાહેર કરતી પાકિસ્તાનની મનસ્વી જાહેરાતને સંસદ વખોડી કાઢે છે. બળજબરીપૂર્વક અને ગેરકાનૂની રીતે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)નું નિર્માણ પણ વિવાદાસ્પદ પ્રદેશમાં હસ્તક્ષેપ હોવાનું સંસદે જાહેર કર્યું હતું. બ્લેકમેને જણાવ્યું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાંચમો પ્રાંત જાહેર કરવાની તૈયારી કરીને પાકિસ્તાન આ વિવાદિત વિસ્તારને પોતાના પ્રદેશમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના પર ૧૯૪૭થી તેનો ગેરકાયદે કબ્જો છે. ઠરાવમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને તેમના મૂળભૂત અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારથી દૂર રાખી રહ્યું છે.
બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને સિંધ પાકિસ્તાનના ચાર પ્રાંત છે. ગિલગિટ- બાલ્ટિસ્તાનને એક અલગ ભૌગોલિક ક્ષેત્ર મનાય છે. ત્યાં સંસદ અને ચૂંટાયેલા મુખ્યપ્રધાન પણ છે. વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશ વિભાગના સલાહકાર સરતાઝ અઝીઝની અધ્યક્ષતાવાળી કમિટીએ ગિલગિટ બાલ્ટિસ્તાનને પાંચમો પ્રાંત જાહેર કરવાનો પ્રસ્તાવ કર્યો હતો.

