ગાંધીનગર: ગુજરાતમાં ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ૧૪૯ બેઠકો જીતવાનો કોંગ્રેસનો વિક્રમ હજી આજેય અકબંધ છે એટલે ભાજપે આવતી વિધાનસભા ચૂંટણી માટે ૧૫૦ બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવી હોય તો ભાજપે પહેલાં તેની નબળી બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. છેલ્લી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં પાંચ હજાર કરતાં ઓછા મતોના જીતના માર્જિનવાળી ભાજપી એક ડઝન જેટલી બેઠકો છે. જ્યાં ભાજપ આ વખતે વિશેષ ધ્યાન આપી રહ્યું છે.
આ વિધાનસભા બેઠકોમાં આણંદ, સાવરકુંડલા, ડેડિયાપાડા, બાપુનગર, મોરબી, જામનગર-દક્ષિણ, થરાદ, કરજણ, ગાંધીનગર-ઉત્તર, પાવી જેતપુર, પાદરા અને અંજાર સામેલ છે. આમાં સૌથી ઓછા ૯૮૭ મતોની લીડથી ભાજપ દ્વારા જીતાયેલી બેઠક આણંદની હતી, પરંતુ ત્યારબાદ પેટાચૂંટણીમાં વર્તમાન ઉદ્યોર રાજ્ય પ્રધાન રોહિત પટેલે બેઠક ૭ હજાર જેટલી લીડથી જીતતાં ત્યાં પરિસ્થિતિ પલટાઈ છે. ૨૦૧૨ની ચૂંટણીમાં જીતના ઓછા માર્જિનવાળી ૧૨ બેઠકો પૈકી વર્તમાન પ્રધાન પ્રતિનિધિત્વ કરતાં હોય તેવી એકમાત્ર બેઠક સાવરકુંડલા છે જ્યાંથી પ્રધાન વલ્લભ વઘાસિયા ચૂંટણી જીત્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો પૈકી માત્ર ૧૭ બેઠકો ઉપર લીડ મળી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી પણ ભાજપની વિજયકૂચ સતત જારી જ છે. એક પીઢ કોંગી આગેવાન કહે છે કે જો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોને આધારે તુલના થતી હોય તો લોકસભાની ચૂંટણી બાદ ૨૦૧૬માં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો પણ ધ્યાને લેવવા જોઈએ. કેમ કે એમાં કોંગ્રેસે ૩૧માંથી ૨૩ જિલ્લા પંચાયતો અને ૨૪૭માંથી ૧૩૭ તાલુકા પંચાયતો ઉપર વિજય મેળવી ૧૮૨ પૈકી ૧૧૭ વિધાનસભા ક્ષેત્રોમાં લીડ હાંસલ કરી હતી.
આ બેઠકો જોખમી
ભાજપ જે બેઠકો ઓછા માર્જીનથી જીતી હોય તેવી વિધાનસભા બેઠકોમાં આણંદ, સાવરકુંડલા, ડેડિયાપાડા, બાપુનગર, મોરબી, જામનગર-દક્ષિણ, થરાદ, કરજણ, ગાંધીનગર- ઉત્તર, પાવી જેતપુર, પાદરા અને અંજાર સામેલ છે. આ બેઠકો ભાજપ માટે જોખમી મનાય છે.
૧૭ બેઠકો ઉપર કોંગ્રેસની લીડ
દાંતા, ભિલોડા, ખેડબ્રહ્મા, દાણીલીમડા, જમાલપુર, ખાડિયા, વાંકાનેર, જસદણ, ઠાસરા, બાલાસિનોર, દાહોદ (એસટી), છોટાઉદેપુર (એસટી), બોરસદ, આંકલાવ, પેટલાદ, માંડવી (એસટી) વ્યારા (એસટી) અને નિઝર (એસટી)

