ભારતીય માતા પુત્રની અમેરિકામાં હત્યાઃ પતિ સામે શંકાની સોય

Wednesday 29th March 2017 08:24 EDT
 
 

વિજયવાડાઃ ન્યૂ જર્સીમાં ભારતીય સ્ત્રી શશિકલા હનુમંત રાવ અને તેના સાત વર્ષના પુત્ર અનીશ ૨૩મી માર્ચે ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મહિલાની માતાએ જમાઈ પર આક્ષેપ કર્યો છે કે, તેના લગ્નેતર સબંધોને કારણે પુત્રી અને તેનાં દીકરાની હત્યા થઈ છે.
શશિકલાના પતિ હનુમંતની પોલીસ ફરિયાદ પ્રમાણે, તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની અને પુત્ર મૃત હાલતમાં મળી આવ્યા હતા. હનુમંત રાવ સીટીએસમાં કામ કરે છે અને દંપતી નવ વર્ષથી અમેરિકામાં હતું. હનુમંત અને તેની પત્ની શશિકલા સોફટવેર પ્રોફેશનલ હતા. શશિકલા ઘરેથી જ કામ કરતી હતી. અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ હેઇટ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ ઘટના બનતાં ત્યાં વસતા ભારતીયોમાં વધુ રોષ ભડકી ઉઠ્યો છે. અગાઉ ભારતીય ઇજનેર શ્રીનિવાસ અને માર્ચની શરૂઆતમાં વોશિંગ્ટનમાં એક શીખ નાગરિકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. માતા - પુત્રના મૃતદેહને આંધ્ર લાવવા તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા અને આંધ્રના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ સતત સંપર્કમાં રહ્યા હતા.
આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પ્રકાશમ જિલ્લાના વિધાનસભ્ય વાય. સમ્બાસિયા રાવે આ ઘટના વિશે ચર્ચા કરીને ઉત્તર અમેરિકામાં તેલુગુ એસોસિએશન સાથે ફોન પર વાતચીત કરી હતી.


comments powered by Disqus