નવી દિલ્હીઃ આ વર્ષે યોજનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મીએ પોતાના ગૃહ રાજ્યના સાંસદો સાથે બેઠક કરી હતી અને તેમને જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા જનતાના સેવક તરીકે ઓવરટાઇમ કરવા કહ્યું હતું. બેઠકમાં ગુજરાત ઉપરાંત, ગોવા, રાજસ્થાન, દમણ અને દીવ તેમજ અંદામાન અને નિકોબાર ટાપુઓના સાંસદો પણ હાજર રહ્યા હતા. મોદીએ સાંસદોને કહ્યું હતું કે, તેઓ જનતાને સરકારે ઉઠાવેલા જનકલ્યાણનાં પગલાંઓની જાણકારી આપે. બેઠક બાદ એક નિવેદનમાં ભાજપ દ્વારા કહેવાયું હતું કે મોદીએ તમામ સાંસદોને વિનંતી કરી હતી કે તેઓ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે અને જનતા સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા સાથે જોડાય.
આ બેઠકમાં વડા પ્રધાન ઉપરાંત પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ ખાસ હાજર રહ્યા હતા. તે સિવાય પાર્ટીના સિનિયર નેતા એલ. કે. અડવાણી અને અનંતકુમારની પણ હાજરી દેખાઈ હતી. બેઠકમાં શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે
લીધેલો એનસીએસઇબીસી નામના બંધારણીય એકમની રચનાનો નિર્ણય મહત્વપૂર્ણ અને અદ્વિતીય છે.

