લંડનઃ ગ્રેટર માન્ચેસ્ટરની રોચડેલ કાઉન્સિલ જાહેર સ્થળોએ ખરાબ ભાષા અને અપશબ્દો બોલવા પર પ્રતિબંધ લગાવવા માગે છે. આ માટે પબ્લિક સ્પેસીસ પ્રોટેક્શન ઓર્ડર જારી કરવામાં આવશે. ખરાબ ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરનારને ચેતવણી અપાશે, દૂર કરાશે અથવા સ્થળ પર જ ૮૦ પાઉન્ડનો દંડ ફટકારાશે. વાણી સ્વાતંત્ર્યના હિમાયતીઓએ આ દંડને લોકોના માનવાધિકારના ઉલ્લંઘન સમાન ગણાવ્યો છે. આ પગલા હેઠળ ભીખ માગવી, આમતેમ ઘૂમવું, એન્ટિ-સોસિયલ પાર્કિંગ, ઘોંઘાટિયું સંગીત વગાડવું, શેરીઓમાં શરાબપાન, કારના એન્જિનનો ઘોંઘાટ, ગેરકાયદે ચેરિટી ઉઘરાવવી અને સ્કેટબોર્ડિંગ સહિતની પ્રવૃત્તિઓ તેમજ ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને રાત્રિના ૧૧થી સવારના ૬ સુધી ટાઉન સેન્ટરમાં આવવા પર પણ પ્રતિબંધિત કરી શકાશે.

