પાટણ: જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે ૨૫મી માર્ચે સવારે બોર્ડની પરીક્ષા આપવા એકઠા થયેલા મુસ્લિમ અને ઠાકોર જ્ઞાતિના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં વાત વણસી હતી. સુણસર રામપુરા અને ધારપુરી ગામના લોકોના ટોળાંએ પથ્થરમારો અને આગચંપી કરતાં ભારે તંગદિલી છવાઈ હતી.
વડાવલી ગામ નજીક આવેલા પરામાં રહેતા ૧૫ જેટલા મુસ્લિમ પરિવારોના છાપરાં સળગાવી દીધા હતા. મેટાડોર, બાઇકો, જીપ સહિત ૧૦ વાહનો સળગાવી દીધા હતા. હુમલામાં એક માણસનું મોત થયું હતું અને ૧૪થી વધુ માણસો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે ચાણસ્મા અને મહેસાણા ખસેડાયા હતા. તાબડતોબ દોડી ગયેલી પોલીસે ૭ રાઉન્ડ ફાયરિંગ અને ટિયરગેસના ૧૧ શેલ છોડી સુણસર સહિતના ગામોના હુમલાખોરોને ભગાડી મૂક્યા હતા.
આ ઘટનાના પગલે ગામમાં ૩૫૦થી વધુ પોલીસ અને ૩૦૦ જેટલા એસઆરપી જવાનો ખડકી દેવાયા હતા.

