સુરતઃ દક્ષિણ ગુજરાતમાં રહેતા એક દંપતીને ત્યાં તેર વર્ષ પહેલાં બાળકનો જન્મ થયો હતો. બાળકનો હાઇસ્પોપીડિયાઝની ગંભીર બીમારી સાથે જન્મ થયો હતો. બીમારીથી અજાણ સ્થાનિક તબીબે દંપતીને બાળકી જન્મી હોવાનું જાહેર કર્યું હતું. હવે તેર વર્ષ પછી તે બાળકના શરીરમાં સ્ત્રીના શરીર જેવો વિકાસ નથી થતો અને તેનામાં મેઈલ જેવા ફેરફાર થવા લાગ્યા છે. આ બાળકનો અવાજ પણ પુરુષ જેવો થવા લાગ્યો છે. સુરતના ડો. મનીષ જૈને બાળકના રંગસૂત્રોના આધારે નિદાન કર્યું છે કે આ બાળક દીકરો છે. અનેક તપાસ બાદ જાણવા મળ્યું કે બાળકના ઉદરમાં વૃષણ કોથળી હતી અને વૃષણ કોથળીની વચ્ચે શિશ્ન ચોટી ગયું હતું. આ ઉપરાંત સિવિયર હાઇસ્પોપીડિયાના કારણે મૂત્ર વિસર્જન માટેનું છીદ્ર નીચેના ભાગે આવી ગયું હતું. તબીબી ટીમે ત્રણ વર્ષ સુધી આ કેસમાં રિસર્ચ કર્યા પછી બાળકના શરીરમાં રહેલા ગુપ્તાંગને હવે બહાર કાઢ્યું છે. બાળકની ઉંમર ૧૩ વર્ષની થઈ ગઈ છે અને તેનામાં કોઈ મેડિકલ ખામી રહી નથી. આ બાળક હવે દીકરા તરીકે ઉછરે છે.
બાળકની શારીરિક તપાસ સાથે સાથે તેના માનસને પણ સમજવા માટે તબીબો પ્રયાસ કરતા હતા. ત્યારે બાળકે તબીબોને કહ્યું હતું કે, હું આઠ વર્ષનો હતો ત્યારે મને છોકરીઓની જેમ બોલવું, બેસવું, રહેવું ગમતું નહોતું અને ફાવતું પણ નહોતું.
હાઈસ્પોપીડિયા શું છે?
હાઇસ્પોપીડિયાના કારણે બાળક શારીરિક ખામીવાળું જન્મે છે જોકે આવા કેસ સામાજિક શરમના કારણે સામે આવતા નથી. મેડિકલ સાયન્સ મુજબ આવા કેસિસમાં માતા પિતા પણ ઘણીવાર પોતાનાં બાળકોની સારવાર કરતાં શરમ અનુભવે છે. તબીબો કહે છે કે, બાળકમાં આવા કોઈ પણ ફિઝિકલ ફેરફાર લાગે તો શરમ છોડીને દર્દીની સારવાર કરાવવી જોઇએ. તબીબોના મતે, સરકારે સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની નિમણૂક પણ આવા કેસિસ માટે કરવી જોઇએ.
