હેગઃ:અમેરિકાનો પ્રવાસ પૂરો કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાના અંતિમ ચરણમાં મંગળવારે નેધરલેન્ડ પહોંચ્યા હતા. ડચ વડા પ્રધાન માર્ક રટ સાથેની મુલાકાત દરમિયાન તેમણે નેધરલેન્ડને આર્થિક વિકાસના મુદ્દે ભારતનું ‘કુદરતી સહયોગી’ ગણાવ્યું હતું. મોદીના આ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે ત્રણ કરારો સામાજિક સુરક્ષા, સાંસ્કૃતિક સહયોગ સહિત ત્રણ કરાર પર હસ્તાક્ષર થયા હતા.
મોદીએ નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું હતું. યુરોપમાં બીજા નંબરના સૌથી મોટા ભારતીય સમુદાયને સંબોધનના પ્રારંભે મોદીએ ભોજપુરી ભાષામાં ‘કા હાલ બા...’ કહેતાં જ સમગ્ર ઓડિટોરિયમ ‘મોદી મોદી...’ના નારાથી ગાજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહીં વસતાં ભારતીય સમુદાયમાં ૪૮ ટકા હિન્દુઓ છે, અને તેમાં પણ ૩ હજારથી વધુ લોકો તો સૂરિનામથી અહીં આવીને વસ્યા છે. જેમાંના મોટા ભાગના ભોજપુરી ભાષા બોલે છે.
મોદીએ ભારતીયોને સંબોધતાં કહ્યું હતું કે અહીં વસતાં ભારતીયોના પાસપોર્ટના રંગ અલગ અલગ હોય શકે છે, પણ પાસપોર્ટનો અલગ રંગથી લોહીનો સંબંધ બદલાઇ જતો નથી. તમે અહીંના ભારતીય રાષ્ટ્રદૂત છો. વિશ્વના દરેક ખૂણામાં વસતો ભારતીય રાષ્ટ્રદૂત છે.
આપણા દેશની સારાઇથી વિશ્વને પરિચિત કરાવો, ભારત એવો દેશ છે જ્યાં દરેક સંપ્રદાય વસે છે. નાનામાં નાનો સંપ્રદાય ભારતમાં મળી રહેશે અને શાંતિથી જીવે છે.

