ભારત-અમેરિકાની પાક.ને ચીમકીઃ ત્રાસવાદને પોષવાનું બંધ કરો

Wednesday 28th June 2017 06:21 EDT
 
 

વોશિંગ્ટનઃ વડા પ્રધાન મોદીના અમેરિકા પ્રવાસે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની સાથે સાથે ઇસ્લામિક આતંકવાદ સામેની લડતને પણ મજબૂત બનાવી છે. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંત્રણા બાદ દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે ઇસ્લામિક આતંકવાદ અને આતંકવાદીઓના અડ્ડાનો જડમૂળથી સફાયો કરી નંખાશે.
બન્ને રાષ્ટ્રના વડાઓ વચ્ચે સોમવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી મંત્રણામાં આતંકવાદનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. તેમણે આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા દર્શાવવાની સાથે સાથે જ પાકિસ્તાન સામે પણ લાલ આંખ કરી હતી. સંયુક્ત નિવેદનમાં નામજોગ ઉલ્લેખ સાથે જણાવ્યું હતું, ‘પાકિસ્તાન તેની જમીનનો ઉપયોગ આતંકવાદને ઉત્તેજન આપવા માટે ન કરે.’ આતંકવાદ ઉપરાંત મોદી-ટ્રમ્પ વચ્ચે વ્યવસાય, સુરક્ષા, દ્વિપક્ષી સહયોગ અને અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવાના પ્રયાસો અંગે ચર્ચા થઇ હતી.
મોદીએ ટ્રમ્પ સાથેની પહેલી મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોમાં એક અત્યંત મહત્ત્વની શરૂઆત જણાવી હતી. મોદીએ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે આતંકવાદને મૂળમાંથી ઉખાડી ફેંકવો તે જ અમારી અગત્યની પ્રાથમિક્તા છે. પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પોતાના દેશમાં સક્રિય આતંકવાદી સંગઠનો દ્વારા કરાયેલા હુમલાઓ સંદર્ભે જવાબદારો સામેની કાર્યવાહી શક્ય તેટલી ઝડપી કરે અને દોષિતોને સત્વરે સજા કરે.
બીજી તરફ ટ્રમ્પે કહ્યું હતું, ‘ભારત-અમેરિકા વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સહયોગ જરૂરી છે. બન્ને દેશો આતંકવાદથી પીડાય છે અને બન્ને દેશ આતંકવાદ અને તેની સાથે જોડાયેલી કટ્ટરપંથી વિચારધારાને બદલવા ઇચ્છે છે. અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ ખતમ કરી નાખશું.’ તેમણે કહ્યું હતું કે ‘ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધારે મજબૂત થઇ રહ્યાં છે. મોદી સાથેની મુલાકાત શરૂ થતાં પૂર્વે ભારતે લશ્કરી સાધનોની ખરીદી કરવાનો જે ઓર્ડર આપ્યો છે તે માટે હું ભારતનો આભાર માનું છું.’

મોદી સાચા મિત્રઃ ટ્રમ્પ

પ્રતિનિધિ મંડળ સ્તરના વાર્તાલાપ બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે ફરી એક વાર મોદીને પોતાના સાચા મિત્ર ગણાવ્યા હતા. મોદીના દિલ ખોલીને પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતાનું અમારે ત્યાં આગમન અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ વર્ષે ભારત આઝાદીની ૭૦મી વર્ષગાંઠ મનાવશે. હું ભારતને શુભેચ્છાઓ આપું છું. મેં મારા કેમ્પેઇન દરમિયાન પણ ભારતને સાચો મિત્ર ગણાવ્યો હતો, અને આજે તેઓ વ્હાઇટ હાઉસમાં છે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમારી પાસે સંબંધો સુધારવાનું વિઝન છે. નવી ટેક્નિક, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અમે આગળ વધી રહ્યા છીએ અને અમને ખુશી છે કે બન્ને દેશો વચ્ચે વેપાર-વણજ ઝડપથી વિકસી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી સેંકડો એરક્રાફ્ટ ખરીદાતાં હજારો અમેરિકનોને રોજગારી મળી રહી છે.
ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે બન્ને દેશોના નૌકાદળ આવતા મહિને જાપાનના નૌકાદળ સાથે મળીને હિન્દ મહાસાગરમાં સૈન્ય અભ્યાસ કરશે. હિન્દ મહાસાગરમાં થનારો આ અત્યાર સુધીનો સૌથી મોટો નૌસેનિક અભ્યાસ હશે. તેમણે અફઘાનિસ્તાનમાં ભારતના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને સહપરિવાર ભારત પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારત-અમેરિકાની મૈત્રીથી ચીન ધૂંધવાયું

વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સોમવારે યોજાયેલી ઉષ્માસભર બેઠકથી ચીન આકુળવ્યાકુળ થઈ ગયું છે. ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું કે, અમેરિકા સાથે સહયોગ દ્વારા ચીનનો મુકાબલો કરવાનો ભારતનો પ્રયાસ તેના હિતમાં નથી. ચીને આના વિનાશકારી પરિણામો આવશે તેવી ધમકી પણ ઉચ્ચારી હતી. સરકારી વર્તમાનપત્ર ‘ગ્લોબલ ટાઇમ્સ’માં પ્રસિદ્ધ લેખ મુજબ, ‘ચીનના વધી રહેલા પ્રભાવથી ભારત અને અમેરિકા ચિંતિત છે. તાજેતરમાં જ ચીનના વધતા પ્રભાવને રોકવા માટે વોશિંગ્ટન દ્વારા ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરાયો છે.’ ચીનના અખબારમાં વધુમાં જણાવ્યા મુજબ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની જેમ અમેરિકાનો નિકટનો સહયોગી દેશ નથી. ચીન સામે મોરચો માંડવો ભારતના હિતમાં નથી. વિનાશકારી પરિણામ આવશે.


comments powered by Disqus