નવી દિલ્હીઃ કાશ્મીર ખીણને ભારતીય સુરક્ષા દળોની કબર બનાવી દેવાની ગયા વર્ષે ચીમકી ઉચ્ચારનાર આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનને સોમવારે અમેરિકાએ ‘આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી’ જાહેર કર્યો છે. વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળે તેના ગણતરીના કલાકો પૂર્વે જ અમેરિકી વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી હતી. મહમદ યુસુફ શાહ તરીકે ઓળખાતા સલાઉદ્દીનને અમેરિકાએ ત્રાસવાદી જાહેર કરતાં ભારત દ્વારા અત્યાર સુધી અખત્યાર થયેલા વલણને સમર્થન મળ્યું છે. ભારત હંમેશાં રજૂઆત કરતું રહ્યું છે કે કાશ્મીર પ્રશ્નના મૂળમાં સરહદ પારનો ત્રાસવાદ છે. ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા બંને ત્રાસવાદનો સામનો કરી રહ્યા છે અને ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવા કામ કરી રહ્યા છે. આ પ્રતિબંધથી હવે અમેરિકી હકૂમત હેઠળના વિસ્તારમાં કોઇ અમેરિકન સલાઉદ્દીન સાથે આર્થિક વ્યવહાર નહીં કરી શકે કે તેની મિલકતો પણ ખરીદ કરી શકશે નહીં.

