વોશિંગ્ટનઃ આતંકવાદ વિકરાળ સમસ્યા હોવાનું વિશ્વને હવે સમજાયું છે એમ કહીને વડા પ્રધાન મોદીએ અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. પાક.કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ઘુસીને ભારતે હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક પરથી પુરવાર થાય છે કે ભારત પોતાની સુરક્ષા માટે આકરા પગલા લેતા પણ અચકાશે નહીં. દુનિયાના કોઇ દેશે ભારતના આ પગલાની ટીકા કરી નથી.
વર્જિનિયામાં આયોજીત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ પાકિસ્તાનને આડેહાથ લીધું હતું. તેમણે જણાવ્યું હતું કે આજથી ૨૦ વર્ષ પહેલા અમે આતંકવાદના ખાતમાની વાત કરતા હતા ત્યારે અન્ય દેશો કહેતા કે આ તો કાયદો અને વ્યવસ્થાની વાત છે. જોકે આતંકીઓએ હવે આતંકવાદનો અર્થ સમજાવી દીધો છે. આથી હવે સમય આવી ગયો છે કે આપણે પણ આતંકીઓનો ખાતમો બોલાવીએ.
મોદીએ જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકે એ દેખાડી દીધું છે કે સામાન્ય રીતે સંયમના સિદ્ધાંતોનું પાલન કરનારો ભારત પણ જરૂર પડયે પોતાની સુરક્ષા કરવાનું પણ સારી રીતે જાણે છે. જ્યારે પણ જરૂર પડી છે અમે સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલા લીધા છે અને દુનિયા અમને રોકી શકશે નહીં.
સાઉથ ચાઇના સી પર ચીનના કબજાનો આડકતરી રીતે ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે ભારત આ પ્રકારનું પગલું ક્યારેય નહીં ભરે કેમ કે તે વૈશ્વિક વ્યવસ્થાનો ભંગ કરવામાં વિશ્વાસ નથી કરતો. આ અમારી પરંપરા છે કેમ કે અમે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં માનીએ છીએ, અમારા માટે વસુધૈવ કુટુંબકમ્ માત્ર શબ્દ જ નથી. આ અમારું ચરિત્ર અને સંસ્કૃતિ છે.
ભ્રષ્ટાચારનું કલંક નહીં
મોદીએ સરકારની ત્રણ વર્ષની ઉપલબ્ધિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડીને ફેંકાયો છે. ત્રણ વર્ષમાં સરકાર પર ભ્રષ્ટાચારનું એક પણ કલંક નથી. મોદીએ કહ્યું હતું કે અમેરિકામાં અનુકૂળ સ્થિતિ મળતાં એનઆરઆઈએ સારો વિકાસ સાધ્યો છે. ૧૨૫ કરોડ જેટલાં ભારતીયોને અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ હોવાથી ભારતમાં હવે પરિવર્તન આવશે.
સુષમા સ્વરાજ મદદ માટે સદા તૈયાર
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેઓ રાતે બે વાગે પણ વિદેશમાં વસતાં ભારતીયોની મદદ માટે તૈયાર રહે છે. સુષમા સ્વરાજ અને તેમનાં વિદેશ મંત્રાલયે બતાવી આપ્યું છે કે સોશિયલ મીડિયાનો બહેતર ઉપયોગ કઈ રીતે થઈ શકે છે.

