ભારત સહિત વિશ્વને આતંકનો ખતરોઃ મોદીને પુતિનનું સમર્થન

Wednesday 07th June 2017 06:39 EDT
 
 

સેંટ પિટ્સબર્ગઃ વડા પ્રધાન મોદીએ બીજી જૂને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીનની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન આતંકવાદથી લઇને અનેક મુદ્દે બન્ને દેશના વડાઓએ ચર્ચા કરી હતી. મોદીએ પોતાના ભાષણમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.
મોદીએ વિશ્વના દેશોને વિનંતી કરી હતી કે આતંકવાદ સામે લડવા માટે દરેકે હવે એક થઇ જવાનો સમય આવી ગયો છે. આ સાથે તેમણે આતંકવાદને શરણ આપતા અને મદદ કરી રહેલા પાકિસ્તાન જેવા દેશોને ફંડથી લઇને દરેક સહાય બંધ કરવાનું પણ આહવાન મોદીએ કર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ માનવીઓનો દુશ્મન છે. આ પરિસ્થિતિ વચ્ચે માત્ર વાતોથી કામ નહીં ચાલે, સમય છે એક્શન લેવાનો. આતંકવાદ સામે લડવા માટે વિશ્વના દેશોએ એક થવાનો સમય આવી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એન્ટોનીઓ ગટ્રેસ પણ આ બેઠકમાં હાજર હતા. મોદીએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ સામે લડવા માટેનો ઠરાવ છેલ્લા ૪૦ વર્ષથી પડયો છે. જેની ચર્ચા થવી જોઇએ. મને ખુશી છે કે પુતીને પણ આ ઠરાવ પર ચર્ચા કરવાનું આહવાન કર્યું હતું.
પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ સીધો હુમલો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આતંકીઓ જાતે કોઇ હથિયાર બનાવતા પણ કેટલાક દેશો છે જે તેને આ હથિયારો પુરા પાડી રહ્યા છે. એવી જ રીતે આતંકીઓ ચલણી નોટ નથી છાપતા પણ કેટલાક દેશો તેને નોટો સપ્લાય કરે છે. આતંકીઓને ઇન્ટરનેટ સુવિધા પણ આ જ દેશો પુરી પાડે છે. આથી સમય છે આવા દેશોને અપાતા ફંડ પર કાપ મુકવાનો અને બાકી સંબંધો તોડવાનો.
મોદીના આ નિવેદનને પુતીને પણ સમર્થન આપ્યું હતું. પુતીને જણાવ્યું હતું કે મોદી જે કહી રહ્યા છે તે માત્ર વાતો નથી. વાસ્તવમાં આતંકવાદ ખતરો બની રહ્યો છે અને ભારત પણ આ આતંકવાદનો સામનો કરી રહ્યું છે.
સરહદે આતંકવાદનો મુદ્દો પણ મોદીએ ભાષણમાં ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વર્ષોથી ભારત સરહદે ફેલાવાતા આતંકવાદનો ભોગ બની રહ્યો છે, પણ વિશ્વની નજર આતંકવાદ પર ત્યારે પડી જ્યારે અમેરિકામાં ૯/૧૧ હુમલો થયો. હવે સમય છે આ આતંકવાદને ખતમ કરવાનો.
મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ આતંકવાદ વિરોધી ઠરાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે પહેલા આ ઠરાવ અંગે પુતીને પણ ચર્ચાની માગણી કરી હતી.
એવા દાવા થઈ થઈ રહ્યા છે કે અમેરિકાની ગત ચૂંટણીમાં ટ્રમ્પને જીતાડવામાં રશિયાનો પણ હાથ છે. આ માટે રશિયાએ અમેરિકામાં ચૂંટણી પ્રચારનું હેકિંગ કરાવ્યું હતું. જોકે, પુતીને આ દાવાને જુઠ્ઠા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે આમાં અમારો કોઈ જ હાથ નથી.

વડા પ્રધાન મોદીની રશિયા મુલાકાતની સાથે સાથે...

• ભારત-રશિયા વચ્ચે વેપાર, ટેક્નોલોજી, પ્રાદેશિક સહકાર સહિતના મુદ્દે પાંચ સમજૂતી પર હસ્તાક્ષર થયા. જોકે કુડનકુલમ પરમાણુ કેન્દ્ર ખાતેનાં બે યુનિટ ઊભાં કરવાની સમજૂતી વાર્ષિક શિખર બેઠકની સૌથી મોટી ઉપલબ્ધિ હતી • દિલ્હીના એક રસ્તાનું નામ રશિયન રાજદૂત એલેકઝાન્ડર કડાકિનના નામ પરથી અપાશે. • ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સભ્યપદની પણ રશિયાએ મજબૂત રીતે તરફેણ કરી, બ્રિક્સ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને જી-૨૦ જેવી સંસ્થાઓમાં ભારતને તમામ સહકાર આપવાની ખાતરી આપી. • બંને દેશ લશ્કરી ક્ષેત્રે શસ્ત્રસરંજામના ઉત્પાદન તેમજ વિજ્ઞાન-ટેકનોલોજિકલ વિકાસમાં વધુ ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી કરશે. સંયુક્ત લશ્કરી કવાયત, તાલીમ અને પરેડનું આયોજન પણ કરાશે. • ભારત અને રશિયા સંયુક્ત રીતે સ્વતંત્ર ક્રેડિટ રેટિંગ ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરશે. • એકબીજાને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણ સહકાર આપવાનો નિર્ધાર થયો. બંને દેશ ન્યુક્લિયર, હાઈડ્રોકાર્બન, અને રિન્યુએબલ ઊર્જાના તમામ સ્તરે પરસ્પર કરારો કરીને આગળ વધશે. • વડા પ્રધાન મોદીએ રશિયન ઉદ્યોગપતિઓને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ કરવા આવકાર્યા.


comments powered by Disqus