કચ્છમાં સેક્સ રેકેટઃ રાજકીય નેતાઓ નિશાને

Wednesday 08th February 2017 06:49 EST
 

અમદાવાદઃ કચ્છ-ભુજના નલિયાના હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટમાં રાજકીય મોટા માથાઓ અને સામાજિક અગ્રણીઓની મોટાપાયે સંડોવણી હોવાની વિગતો બહાર આવી રહી છે. આ કેસમાં લગભગ ૩૫ જેટલી યુવતીઓને ફસાવી, તેમનું જાતીય-શારીરિક શોષણ કરાયું હોવાની ફરિયાદ થઈ છે. આ ઉપરાંત આ કેસમાં ફસાયેલી યુવતીઓને ભાજપનાં ઓળખપત્રો અપાયા હોવાનું કેટલીક યુવતીઓએ જણાવ્યું છે અને જજ સમક્ષ પીડિતાઓએ નિવેદનો પણ લખાવી દીધાનું જાણવા મળે છે.
સમગ્ર કાંડનો ઘટસ્ફોટ એક પરણિતાએ કર્યો છે તેણે કહ્યું કે, યુવતીઓને ફસાવવા તેમને રાજકીય મોભો આપવાની લાલચ અપાતી હતી. યુવતીઓને ભાજપના આઈકાર્ડ અપાતા જેનો કોડવર્ડ તરીકે ઉપયોગ થતો હતો. યુવતીઓને આઈકાર્ડ પહેરીને ભુજ, નખત્રાણા, ગાંધીધામ અને આદિપુરની હોટેલમાં બોલાવી લેવાતી હતી. હોટેલરૂમમાં યુવતીને દેહસંબંધ બાંધવા મજબૂર કરાતી હતી. કેટલીક હોટેલમાં આ દેહસંબંધોનું રેકોર્ડિંગ પણ કરાયું હતું. જેની વીડિયોક્લિપથી યુવતીઓને બ્લેકમેઈલ કરાતી હતી. પરણિતાએ જણાવ્યું છે કે, મને અને મારા પતિ તથા મા-બાપ પર દબાણ લવાઈ રહ્યું છે કે આ કેસમાં વધુ ઊંડા ઉતરો નહીં અને મોઢું ખોલો નહીં. આ કેસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની (સીટ)ની રચના પણ કરી દેવાઈ છે. પીડિતાઓનું નિવેદન ત્રીજીએ નલિયા કોર્ટમાં લેવાયું હતું.
હાર્દિકે રસ લીધો
આ કાંડ અંગેનો રિપોર્ટ પાટીદાર નેતા હાર્દિક પટેલે મંગાવ્યો છે. સમગ્ર ઘટનાને બહાર લાવવા પાસ તેનાથી બનતું કરશે એવી ખાતરી તેણે આપી છે. સેક્સ રેકેટની તપાસમાં રાજકીય દબાણ ન થવું જોઈએ
આ કેસની તપાસમાં કોઈ રાજકીય દબાણ નડવું જોઈએ નહીં એવું કોંગ્રેસે જણાવ્યું છે. તેમજ આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કાર્યવાહી કરવાની માગણી સાથે કચ્છ કોંગ્રેસે ધરણા પ્રદર્શન યોજીને અધિક કલેક્ટર તથા પોલીસને આવેદનપત્ર આપ્યું છે.


comments powered by Disqus