ગોધરાકાંડ પછીના પલિયડ તોફાન કેસમાં ૨૬ નિર્દોષ

Wednesday 08th February 2017 06:44 EST
 
 

અમદાવાદઃ ગોધરાકાંડ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનોમાં ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા પલિયડ ગામમાં પણ હત્યાકાંડ સર્જાયો હતો. આ અંગેનો કેસ ચાલી જતાં ત્રીજીએ કલોલ કોર્ટે ૨૬ આરોપીઓને નિર્દોષ છોડયા છે. કોર્ટે હત્યાકાંડનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, આ કેસમાં યોગ્ય તપાસ કરાઇ નથી. પીડિતો અને આરોપીઓ વચ્ચે સમાધાન થઇ ગયું છે. આરોપી સામે ગુનો સાબિત કરવા પૂરતા પુરાવા પણ નથી તેથી આરોપીઓને નિર્દોષ છોડાયા છે.
પલિયડમાં તે વખતે તોફાની ટોળાએ જાહેર ખાનગી મિલકતોને ભારે નુક્સાન પહોંચાડયું હતું. જેમાં પોલીસે ૨૬ લોકોની ધરપકડ કરી હતી. આટલા વર્ષોના ગાળામાં કેટલાક સાક્ષીઓના મૃત્યુ પણ થયાં છે. પીડિતો તરફથી એવી દલીલ કરાઇ કે, આરોપીઓએ ત્યારે રૂ. ૫ લાખની મિલકતને નુક્સાન પહોંચાડ્યું હતું. ધાર્મિક સ્થાન તોડી પડાયા હતા તેનું વળતર મળવું જોઇએ. આરોપીઓ તરફથી દલીલ હતી કે, જે નુક્સાન થયું તેની ભરપાઇ કરી દેવાઇ છે. ચુકાદામાં એવું પણ નોંધાયું કે, ઘટનાનાં પંચનામા પરથી પણ ગુનો બન્યો હોવાનું સાબિત થતું નથી. નિર્દોષ છૂટેલા ૨૬ પૈકીના ૩ માણસ અમદાવાદના છે. આ કેસના કેટલાક સાક્ષીઓએ કહ્યું કે, પોલીસે જાતે આરોપીના નામ લખી નાંખ્યા હતા અને ગામના વડીલોની હાજરીમાં આરોપી અને પીડિતો વચ્ચે સમાધાન પણ થયું હતું.


comments powered by Disqus