ગોવામાં રેકોર્ડબ્રેક ૮૩ અને પંજાબમાં ૭૦ ટકા મતદાન

Wednesday 08th February 2017 05:29 EST
 
 

ચંડીગઢ/નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં ૩૬ દિવસ સુધી ચાલનારી ચૂંટણીની ચોથીએ પંજાબ અને ગોવાથી શરૂઆત થઈ હતી. ગોવામાં સાંજે ૫ કલાકે મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં ૮૩ ટકા રેકોર્ડબ્રેક મતદાન થયું હતું જે અગાઉની ચૂંટણીના ૮૧ ટકા મતદાન કરતાં ૨ ટકા વધારે હતું. પંજાબમાં ૭૦ ટકા મત પડયા હતા. સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે કહ્યું કે રાજ્યમાં ભાજપને બે તૃતીયાંશ બહુમતી મળશે.
ગોવાના મુખ્ય પ્રધાન બનશો? તેવા પ્રશ્નના જવાબમાં પારિકરે કહ્યું કે, મને દિલ્હી કરતાં ગોવાનું ભોજન વધારે ભાવે છે. હવે આનો તમે કોઈપણ અર્થ કાઢી શકો છો. એવું મનાય છે કે જો ગોવામાં ભાજપ જીતશે તો મનોહર પારિકરને ફરી ગોવાના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.
પંજાબ અને ગોવામાં લગભગ મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. બંને રાજ્યોમાં બપોર પછી મતદાનમાં ઝડપ આવી હતી અને ઠેરઠેર મતદારોની લાઈનો લાગી હતી. પંજાબમાં ઈવીએમ મશીનો બગડયાંની ક્યાંક ફરિયાદો થઈ હતી. સંગરૂરનાં સુલતાનપુર ગામે આપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ હતી. ક્યાંક ઘર્ષણના છૂટાછવાયા બનાવ બન્યા હતા. મતદાનની ખોટી પદ્ધતિને કારણે સાઉથ ગોવામાં મડગાંવમાં મતદાન રદ કરાયું હતું જ્યાં રવિવારે મતદાન યોજાશે.


comments powered by Disqus