ઘેલા નદીમાં નર્મદાના નીર વહેશેઃ મુખ્ય પ્રધાન

Wednesday 08th February 2017 06:52 EST
 
 

ગઢડાઃ બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા બીએપીએસ મંદિરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ, મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને ગઢપુર જોતાં ‘શ્રીજી સાંભરે’ પ્રદર્શન એમ ત્રિવેણી ઉત્સવ કાર્યક્રમ પહેલી ફેબ્રુઆરીએ યોજાયો હતો.
આ પ્રસંગે હાજર મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અહીંની પવિત્ર ગંગા કહેવાતી ઘેલા નદીના કાંઠે વસેલું તીર્થધામ ગઢપુર ભારતીય આધ્યાત્મિક ઇતિહાસનું અવિસ્મરણીય પૃષ્ઠ છે. આ ઐતિહાસિક નગર ભગવાન સ્વામિનારાયણની મહાન પ્રસાદિક સ્મૃતિઓને સંગ્રહીને બેઠું છે. આ નગરની ઘેલા નદીમાં ચાલુ વર્ષે ચોમાસાના અંત સુધીમાં નર્મદાના નીર બંને કાંઠે વહેતા થઈ જશે.
તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં નર્મદા નીરે પહોંચાડવા રાજ્ય સરકારે સુનિશ્ચિત આયોજન કર્યું છે રૂ. પાંચ હજાર કરોડના ખર્ચે બનેલી સૌની યોજના સૌરાષ્ટ્રની કાયાપલટ કરશે અને હજી આગામી સમયમાં રૂ. છ હજાર કરોડના કામોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ઘેલા નદીમાં નર્મદાના નીર ઉપરાંત રિવરફ્રન્ટના કામો હાથ ધરાશે. આના પરિણામે આ તીર્થ પ્રવાસન-પર્યટન આકર્ષણનું કેન્દ્ર બનશે. ઘેલા નદીના તટે આવેલા ટેકરા પર મંદિરનિર્માણ માટે ભગવંત સ્વામિનારાયણે કરેલા સંકલ્પોને તેમના અનુગામી સ્વામી મહારાજે સાકાર કર્યાનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સાત્ત્વિક્તા હોય ત્યાં જ ઇશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા છે.


comments powered by Disqus